સ્વીટી પટેલ કેસમાં મોટો ધડાકો, PI પતિ અજયે કબૂલ્યું, ‘પત્નીને ગળે ટૂંપો દઈ મેં જ મારી નાખી, મિત્રની કારમાં લાશ લઈ જઈ સળગાવીને ફેંકી દીધી હતી’

વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના પતિ અને વડોદરા રૂરલના પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે જ ગળેટૂંપો દઈને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ પીઆઈ અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કિરીટસિંહે વટાણા વેરી દેતાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો
પીઆઇ દેસાઇ અગાઉ કરજણ ફરજ બજાવતા હતા અને તે સમયથી સ્થાનિક કોંગ્રેસ અગ્રણી અને વિધાન સભાની ચુંટણી લડી ચુકેલાં કિરીટસિંહ જાડેજા સાથે નિકટતા હતી. પત્નીની હત્યા બાદ પીઆઇએ કિરીટસિંહ જાડેજાની મદદ લીધી હતી, સાંજે 4 વાગે કારને કરજણથી આમોદ અને વાગરા થઇને દહેજ હાઇવે પર અટાલી લઇ ગયા હતા. જયાં અવાવરુ હોટેલની પાછળ લાશને સળગાવી દીધી હતી.કિરીટ સિંહે વટાણા વેરી દેતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. રાત્રે પીઆઇ દેસાઇ અને કિરીટસિંહ સામે પોલીસે હત્યા અને પુરાવાના નાશનો ગુનો નોંધવાની તજવીજ કરી હતી. જ્યાં પીઆઇ દેસાઇ ફરજ બજાવતા હતા, ત્યાં જ આરોપી બન્યા હતા.

એ રાત્રે શું બન્યુંઃ લગ્ન સંબંધે તકરાર થતાં પત્નીને કાયમ માટે ચૂપ કરી દીધી​​​​​​​
પોલીસે જણાવ્યું હતું કે સ્વિટી અને અજય દેસાઇએ વચ્ચે તે રાત્રે લગ્ન સંબધિત વાતને લઇ મોટો ઝઘડો થયો હતો, રાત્રે 12-30 વાગે પીઆઇ દેસાઇએ સ્વિટીનું ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને ઉપર બેડરુમમાં મુકી દીધી હતી. આખી રાત લાશને બેડરુમમાં મુકયા બાદ બીજા દિવસે સવારે જાણે કંઇ ના બન્યું હોય તેમ સવારે 10.45 વાગે પોતાની કાળા કલરની કંપાસ જીપને ઘરના દરવાજા સુધી લાવી લાશ મૂકી હતી.​​​​​​​

PI દેસાઈ તેની કાર બંગલામાંથી બહાર પાર્ક કરતા હતા પરંતુ સ્વિટી ગુમ થઈ તે રાત્રે કાર રાતના એક વાગે રીવર્સ કરી બંગલામાં દાખલ કરે છે તે CCTVમાં નજરે પડ્યુ હતુ.

PI દેસાઈનો કોલ રેકોર્ડ જોતા તે રાતના એક વાગે કરજણની એક હોટલના માલિકને ફોન કરે છે અને તેની કાર બંગલાની બહાર નીકળે છે ત્યારબાદ તેમની કાર કરજણ ટોલનાકા પર દેખાઈ હતી.

કોંગ્રેસ અગ્રણી કરીટસિંહ જાડેજાને અજય દેસાઈ મળવા માટે તેની હોટલ પર જાય છે પણ હોટલના સીસીટીવી ફુટેજ તે જ દિવસના રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. જેણે પોલીસને શંકા ઉપજાવી હતી.

હત્યાના બીજા દિવસે PIનું મોબાઈલ લોકેશન અઢી કલાક અટાલીમાં મળ્યું જ્યાંથી પોલીસને માનવ અસ્થિ મળ્યા, અા જગ્યા હોટલ માલિક કીરીટસિંહ જાડેજાની હતી.

અમદાવાદ ક્રાઈમની તપાસમાં પીઅાઈના ઘરના બાથરૂમમાંથી લોહીના નમુના મળ્યા, કીરીટસિંહની ઘનિષ્ઠ પુછતાછ કરતાં તેણે હત્યાની થીયરીને સમર્થન આપ્યું, ક્રાઈમ બ્રાન્ચે પીઅાઈ દેસાઈની ક્રોસ પુછપરછ કરતાં આખરે તેણે હત્યા કરી કીરીટસિંહની મદદથી લાશ સળગાવી િદધી હોવાની કબુલાત કરી.

પીઆઈ અજય અમૃતભાઈ દેસાઈએ સ્વીટી પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં અજય દેસાઈએ સ્વીકાર્યું હતું કે, પત્નીની હત્યા કર્યા પછી લાશ મિત્ર કિરીટસિંહ જાડેજાની અટાલી પાટિયા પાસે આવેલી બંધ હોટેલ પાછળ અવાવરું જગ્યામાં સળગાવીને ફેંકી દીધી હતી. લાશ પણ પીઆઈના મિત્ર કિરીટસિંહ જાડેજાની કારમાં લઈ જવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે આ કેસ હાથમાં લીધા બાદ મળેલા પુરાવાનો અભ્યાસ કરીને આ કેસમાં હત્યારા પીઆઈ અજય દેસાઈની સંડોવણી પુરવાર કરી તેના મિત્ર કિરીટસિંહની સામે મદદગારીનો ગુનો દાખલ કર્યો છે.

ક્રાઈમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંગના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ સ્ટેશનમાં 11 જૂને સ્વીટી પટેલની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે ત્યારબાદ પોલીસે તપાસમાં કશું હાથ લાગ્યું ન હતું. પરંતુ શંકાની સોય પતિ અને પીઆઈ અજય દેસાઈ તરફ તકાયેલી હતી. પરંતુ પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા ન હતા. આ કેસની ગંભીરતા જોઈને રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સોંપી હતી.

એટીએસની સાથે રહીને ક્રાઈમ બ્રાંચે સંયુકત રીતે તપાસ હાથ ધરી હતી. જેની ફળશ્રુતિ રૂપે શનિવારે ક્રાઈમ બ્રાંચે આ કેસમાં મરનાર સ્વીટી પટેલની હત્યા તેના પતિ પીઆઈ અજય અમૃતભાઈ દેસાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

રાત્રે 12.30એ હત્યા કર્યા પછી લાશ બેડરૂમમાં જ મૂકી રાખી હતી
પોલીસના અનુસાર અજય દેસાઈ અને તેની પત્ની સ્વીટી પટેલ વચ્ચે ગઈ તા 4 જુનના રોજ રાતના સમયે લગ્ન સબંધિત તકરાર થઈ હતી. જેમાં આવેશમાં આવીને અજય દેસાઈએ રાતના સાડા બાર વાગ્યાના સુમારે પત્ની સ્વીટી પટેલની ગળું દબાવીને હત્યા કરી નંખી હતી. હત્યા કર્યા બાદ તેનો નિકાલ કરવાની અવઢવમાં અજય દેસાઈએ આખી રાત સ્વીટી પટેલની લાશને પ્રયોશા સોસાયટીના તેના રહેણાંક મકાનના ઉપરના માળે આવેલા બેડરૂમમાં મુકી રાખી હતી.

અન્ય યુવતી સાથે લિવ ઈન મુદ્દે તકરાર
સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સ્વીટી પટેલની સાથે અજય દેસાઈએ 2016માં એક મંદિરમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2017માં અન્ય એક યુવતી લિવ ઈનમાં રહેતો હતો. આ મામલે સ્વીટીને જાણ થતા બંને વચ્ચે તકરાર ચાલતી હતી બંને પત્નીઓને સાથે રાખવી શકય નહોઈ, આરોપી અજય દેસાઈએ સ્વીટી પટેલની ગળેટુંપો આપીને હત્યા કરી દીધી હતી.

લાશ બ્લેન્કેટમાં લપેટી કારની ડેકીમાં મૂકી પછી ગુમ થયાની સાળાને જાણ કરી
સ્વીટી પટેલની હત્યા બાદ તેની લાશને સગેવગે કરવા માટે પીઆઈ અજય દેસાઈએ બીજા દિવસે સવારના પોણા અગિયાર વાગ્યાના સુમારે પોતાની બ્લેક કલરની કારને તેના ઘરના કંપાઉન્ડમાં રિવર્સ લઈને ઘરના મુખ્ય દરવાજા સુધી લાવી મુકી હતી. ત્યારબાદ સ્વીટીની લાશને ઉપરના રૂમમાં બ્લેન્કેટમાં પેક કરીને કારની ડેકીમાં મૂકી દીધી હતી ત્યારબાદ કારને ફરી બાજુના મકાનના કંપાઉન્ડમાં મુકી સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે પોતાના સાળા જયદીપભાઈ પટેલને સ્વીટી ગુમ થઈ ગઈ હોવાની જાણ કરી હતી.આમ કરીને પોલીસને અવળે પાટે ચડાવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે આ રીતે ભેદ ઉકેલ્યો
જે દિવસે સ્વીટી ગુમ થઈ તે દિવસે સૌથી પહેલી શંકાસ્પદ બાબત અજય દેસાઈ તેની કાર બંગલામાંથી બહાર પાર્ક કરતા હતા. પરંતુ તે રાત્રે કાર રાતના એક વાગે રિવર્સ કરી બંગલામાં મૂકી હતી. ત્યારબાદ અજય દેસાઈનો કોલ રેકોર્ડ જોતા તેમણે રાત્રે એક વાગે કરજણની એક હોટલના માલિકને ફોન કર્યાનું પકડાયું હતું. કાર બંગલાની બહાર નીકળે છે ત્યારબાદ કરજણ ટોલનાકા પર દેખાઈ હતી. જો કે રહસ્યમય રીતે જે હોટલ માલિકને અજય દેસાઈ મળવા હોટલ પર નીકળે છે તે દિવસના હોટલના સીસીટીવી ફુટેજ ગુમ થઈ જાય છે. પોલીસ તપાસમાં દહેજ નજીક માનવ અસ્થિ મળે છે તે મકાનની માલિકી પણ કરજણના હોટેલ માલિક કિરીટસિંહ જાડેજાની હોઈ તેમજ પીઆઈ અજય દેસાઈના મોબાઈલ લોકેશન પણ ત્યાં જ બતાવતંુ હોઈ ક્રાઈમ બ્રાંચે આ દિશામાં પુરાવા મળ્યા બાદ અજય દેસાઈની સ્પષ્ટ સંડોવણી હોવાનું બહાર આવતા તેની પૂછપરછ કરતા આખરે તેમણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો