પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી પેટાચૂંટણીનો ખર્ચ વસૂલવા હાઇકોર્ટમાં PIL કરાઈ, એક બેઠકની પેટાચૂંટણી માટે અંદાજે 2 કરોડ જેટલો ખર્ચ થાય છે, જેનો બોજ લોકો પર પડે છે

પક્ષપલટુ ધારાસભ્યો પોતાની અંગત લાલચને લીધે પક્ષ બદલતા હોય છે, આવા પક્ષપલટુઓને લીધે પેટાચૂંટણીઓ યોજવી પડે છે. પક્ષપલટુઓએ પોતાના પ્રચાર માટે અને પેટાચૂંટણી માટેનાં નાણાં રિકવર કરવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. એમાં એવી રજૂઆત કરાઇ છે કે ચૂંટણીપંચે આવા લાલચુ ધારાસભ્યો પાસેથી પક્ષ બદલે ત્યારે પ્રચાર માટે વાપરેલાં નાણાં વસૂલવા જોઇએ. ચૂંટણીપંચે આ અંગે નોટિફિકેશન બહાર પાડવા અને પક્ષપલટુઓ માટે નિયમો બનાવવા દાદ માગી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટિએ કરેલી જાહેરહિતની અરજીમાં પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી અંગત પ્રચાર માટે કરેલા અને પેટાચૂંટણીના ખર્ચા પેટે નાણાંની રિકવરી કરવાની દાદ માગી છે. લગભગ એક વિધાનસભાની પેટાચૂંટણીનો ખર્ચો 2 કરોડ રૂપિયા જેટલો થાય છે. તેનો બોજો સામાન્ય લોકો પર પડે છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી 15 પક્ષપલટુ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે અને તે પૈકી 10 ધારાસભ્ય પેટાચૂંટણીમાં લડી રહ્યા છે.

જુલાઇ 2018થી જૂન 2020 સુધીમાં કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો પાસેથી ચૂંટણી માટે થતા ખર્ચા વસૂલવા માગણી કરાઇ છે. ધારાસભ્યપદેથી રાજીનામું આપે એ પહેલાં તેની પાસેથી 2 કરોડનો ખર્ચ વસૂલી લેવા ચૂંટણીપંચને આદેશ કરવા માગણી કરાઇ છે.

ચૂંટણીપંચે ચૂંટાયેલા ધારાસભ્યો તેમની ટર્મ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રાજીનામું નહીં આપે તેવી બાહેંધરી લેવી જોઇએ. પેટાચૂંટણીઓના ખર્ચા બચાવવા અને ભ્રષ્ટાચારી ધારાસભ્યો માટે ચૂંટણીપંચે નિયમો ઘડવાની જરૂર છે. હાઇકોર્ટ ચૂંટણીપંચને આ અંગે નિયમો ઘડવા અને નોટિફિકેશન બહાર પાડવા આદેશ કરે તેવી દાદ માગવામાં આવી છે.

2017માં કોગ્રેંસના 77 ઉમેદવાર ચૂંટાયા હતા, એમાંથી 19 ધારાસભ્યે કોગ્રેંસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ચૂંટણીપંચ જો નિષ્પક્ષતાથી ચૂંટણી યોજવા માગતું હોય તો બંધારણના અનુચ્છેદ 324 મુજબ પક્ષપલટુ ધારાસભ્યો અને રાજકીય પક્ષો સામે આ પ્રકારના નિયમો ઘડવા અને તેનું કડકાઇથી પાલન કરવું જરૂરી છે. ચૂંટણીપંચ દ્વારા પક્ષપલટુઓ સામે નિયમો ઘડવામાં આવશે તો પેટાચૂંટણીઓના ખર્ચા અટકી શકે છે અને પબ્લિક મનીનો વ્યય થતો અટકશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો