વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીનીનું કોરોનાથી મોત, મૃતકના પરિવારને આર્થિક વળતર આપવાની માગ

ગોત્રી હોસ્પિટલમાં કોવિડ ડ્યૂટીમાં ફરજ બજાવતી ઇન્ટર્ન ફિજિયોથેરાપિસ્ટનું ગુરુવારે રાતે કોરોનાના કારણે અવસાન થતાં તેને કોરોના વોરિયર તરીકે જાહેર કરી વળતર અપાય તેમજ અન્ય એક્સ્ટર્નલ ઇન્ટર્નને સુરક્ષા કવચ પૂરું પાડી સ્ટાઇપેન્ડ સહિતની માગ પૂર્ણ કરાય માગણી સાથે 40 એક્સ્ટર્નલ ઇન્ટર્ને સયાજીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી. જે બાદ જાગેલા સત્તાધીશોએ માગોનો યોગ્ય નિકાલ લવાશે તેવી મૌખિક બાંહેધરી આપી હતી.

મૂળ છોટાઉદેપુર પાવીજેતપુરની 23 વર્ષની નેહલ કનુભાઈ રાઠવા 6 માસ અગાઉ ફિજિયોથેરાપીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સયાજીમાં એક્સ્ટર્નલ ઇન્ટર્ન તરીકે ફરજમાં હતી. 17 માર્ચે તેને કોવિડ ડ્યૂટીમાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઘણા દિવસોથી તેની તબિયત સારી ન હોવા છતાં તે ફરજ પર હતી. 21મી તેની તબિયત લથડતાં તેને સયાજીમાં દાખલ કરાઈ હતી. જ્યાં ગુરુવારે મોડી રાતે મોત થયું હતું. જેને પગલે તેમની સાથે કામગીરી કરતા ઇન્ટર્ન ફિજિયોથેરાપિસ્ટમાં રોષ જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની ઓફિસની બહાર સૂત્રોચ્ચારો કર્યાં

શુક્રવારે વિવિધ ફિજિયોથેરાપી કોલેજના 40 એક્સ્ટર્નલ ઇન્ટર્ને સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર એકઠા થઈ નેહલ રાઠવાને કોરોના વોરિયર તરીકે જાહેર કરી તેના પરિવારને વળતર આપવા ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે અન્ય એક્સ્ટર્નલ ઇન્ટર્નને સુરક્ષા કવચ, સ્ટાઇપેન્ડ તેમજ તેમના પર કોવિડ ડ્યૂટી કરવા ફોર્સ ન કરવો, ઇન્ટરનલ ઇન્ટર્નની જેમ તેઓને સ્ટાઇપેન્ડ અપાય, કોવિડ ડ્યૂટી દરમિયાન પડતી મુશ્કેલી અંગે જાણી નિકાલ લવાય તેવી માગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં સુધી લેખિતમાં માગો નહીં મનાય ત્યાં સુધી કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારતાં તંત્ર દોડતું થયું હતું. બપોરે OSD ડો. વિનોદ રાવ, સયાજીના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયર, કોવિડ સલાહકાર ડો. શિતલ મિસ્ત્રી સહિતના હોદ્દેદારોએ વિરોધ કરી રહેલા ઇન્ટર્ન ફિજિયોથેરાપિસ્ટને મૌખિકમાં તમામ માગો માની લેવા બાંહેધરી આપી હતી. જોકે જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી નહીં મળે ત્યાં સુધી ડ્યૂટી પર નહીં જોડાવવાનું એક્સ્ટર્નલ ઇન્ટર્ને નક્કી કર્યું છે.

વિરોધમાં સામેલ વિદ્યાર્થિની અમી પરમારે જણાવ્યું હતું કે, અમારી સાથેની ઇન્ટર્નનું ગઇકાલે અવસાન થયું હતું અહીં જબરદસ્તી ડ્યુટી આપવામાં આવે છે. એ છોકરીની હાલત સારી નહોતી. તે બીમાર હતી. જ્યારે તેને ડ્યુટી આપવામાં આવી ત્યારે એને મેડમને કહ્યું હતું કે, મારી તબીયત સારી નથી. પણ અહીં કોઇ સાંભળતુ નથી. અમને ફરજીયાત ડ્યુટી કરાવે છે. આજે નેહલ સાથે થયું, કાલે બીજા વિદ્યાર્થીઓ સાથે થઇ શકે છે.

વિદ્યાર્થીની દેવાંશી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ફિઝિયોથેરાપી ઇન્ટર્ન અને માસ્ટર્સના વિદ્યાર્થીઓ ભેગા થયા છીએ. ગઇકાલે પોઝિટિવ આવ્યા બાદ એક વિદ્યાર્થિનીનું દુઃખદ અવસાન થયું છે. અમારે નેહલને ન્યાય અપાવવો છે. તેની ફરજનું તેના પરિવારને વળતર મળવુ જોઇએ. અમને પણ સુરક્ષા મળે તેવી પણ માગ છે. અમારી માગ અમે તંત્ર સુધી પહોંચાડવા માગીએ છીએ.

તમામને વળતરની ખાતરી મળે : મૃતક નેહલના પિતા

નેહલના પિતા કનુભાઈ રાઠવા જાંબુગામમાં આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓના જણાવ્યા અનુસાર નેહલને ડોક્ટર થવું હતું અને માત્ર ગણતરીના જ દિવસો બાકી હતા. જોકે આ દુઃખદ ઘટના બની હતી. નેહલ કહેતી હતી કે, તેને ડ્યૂટી તો કરવી જ પડે, નહીં તો મેડમ ઠપકો આપે. જોકે તેમની સાથી વિદ્યાર્થિનીઓને સુરક્ષા વીમો મળવો જોઈએ અને તેમની માગણીઓ પણ તંત્રે માનવી જોઈએ.

એક છોકરી એમ કહે છે મારી તબિયત સારી નથી તેમ છતાં તેને ડ્યૂટી કરવી પડશે તેમ કહેવામાં આવે છે. કાલે આવી ઘટના બન્યા બાદ પણ તેઓએ યોગ્ય જવાબ આપ્યા નહતા. તેઓ મોત માટે નેહલને જવાબદાર ગણાવતા હતા. ખરેખર ભૂલ મેનેજમેન્ટની જ છે. અમને ફોર્સફુલી એમ કહેવામાં આવ્યું હતું કે, તમારે કોવિડ ડ્યૂટી કરવી જ પડશે. જોકે અમને આ બાબતનું કોઈ સ્ટાઇપેન્ડ મળતું નથી. – સૈયદ હુમેરા, એક્સ્ટર્નલ ઇન્ટર્ન

ફિજિયોથેરાપીની વિદ્યાર્થિનીનું જે દુઃખદ અવસાન થયું છે તે પ્રત્યે અમે સંવેદનશીલ છીએ, દિલગીર છીએ. સરકાર પણ સંવેદનશીલ છે. આ ઘટના અંગે અમે ઓએસડીને જાણ કરી છે. એમની જે તમામ માગો છે તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવશે. વળતર અંગે પણ અમે રજૂઆત કરીશું. આ તમામ વિદ્યાર્થીઓએ તેમજ તબીબોએ કોવિડના સમયમાં જે સેવા આપી છે તે બિરદાવવા યોગ્ય છે. પેન્ડેમિક એક્ટ હેઠળ કાર્યવાહીની ધમકી ઇન્ટર્નને આપવામાં આવે છે, તેવી કોઈ બાબત મારા ધ્યાને આવી નથી. તેઓની જે પણ કંઈ માગ છે તે સત્વરે પૂર્ણ થાય તેવા અમારા પ્રયાસ છે. – ડો. રંજન ઐયર, સુપરિન્ટેન્ડેન્ટ, સયાજી હોસ્પિટલ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો