ન્યૂઝીલેન્ડના દરિયામાં ડૂબી જતાં વડોદરાના યુવાનનું થયુ મોત જ્યારે પત્નીનો બચાવ થયો હતો

ગત 4 ડિસેમ્બરના રોજ લગ્ન કરીને ન્યૂઝીલેન્ડ પરત ફરેલુ વડોદરાનું નવદંપતિ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે ન્યૂઝીલેન્ડના દરિયામાં તણાઇ ગયું હતું. હેલિકોપ્ટર દ્વારા યુગલને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં યુવાનનું મોત પીજ્યું હતું. જ્યારે યુવતીનો આબાદ બચાવ થયો છે. દરીયામાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને વડોદરા લાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડના દરિયામાં ડૂબી જતાં વડોદરાના યુવાનનું મોત

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા પાસે 41, પિતાંબર ટાઉનશિપમાં રહેતા અને ઓ.એન.જી.સી.માં ફરજ બજાવતા વિનુભાઇ લિંબાચીયા અને પત્ની ધર્મિષ્ઠાબહેનના એકના એક પુત્ર અને બહેન દર્શનાના એકના એક ભાઇ હેમિનનું (ઉં.વ.26) ઉત્તરાયણના દિવસે ન્યુઝીલેન્ડમાં વાઇમારામા બીચ ઉપર ડૂબી જવાથી મોત નીપજ્યું છે. પુત્રના મોતના સમાચાર સાંભળી પરિવારજનો ઘેરાશોકમાં ઘરકાવ થઇ ગયા છે.

ગત તા.4 ડિસેમ્બર-017ના રોજ હેમિનના વડોદરાની જ રહેવાસી અને છેલ્લા દોઢ વર્ષથી ન્યુઝીલેન્ડમાં જ હેમિન સાથે સ્થાયી થયેલી તેની પ્રેમિકા તનવી ભાવસાર સાથે વડોદરામાં ધામધૂમથી લગ્ન થયા હતા. લગ્ન થયા બાદ તા.30 ડિસેમ્બર-017ના રોજ યુગલ પરિવારજનો, મિત્રોને નવા વર્ષની અને ઉત્તરાયણની એડવાન્સ શુભેચ્છા આપીને સિંગાપોર ફરવા માટે ગયું હતું. ચાર દિવસ સિંગોપોરમાં ફરીને તેઓ તા.4 જાન્યુઆરી-18ના રોજ ન્યુઝીલેન્ડ રવાના થઇ ગયું હતું.

તા.14-1-018ના રોજ ન્યૂઝીલેન્ડમાં નેશનલ ડે હોવાથી હેમિન અને તનવી ન્યુઝીલેન્ડના વાઇમારામા બીચ પર ફરવા માટે ગયા હતા. નવદંપતિ દરિયા કિનારે બેસીને દરીયાઇ મોજાનો આનંદ લઇ રહ્યું હતું. તે સમયે એકાએક દરીયામાં ઉઠેલા વિકરાળ દરીયા મોજા નવદંપતિ હેમિન અને તન્વીને ખેંચી ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક પ્રશાસનને થતાં તુરંત જ હેલિકોપ્ટર બચાવ માટે પહોંચી ગયું હતું. અને દરીયામાં ગરક થઇ ગયેલા નવદંપતિ હેમિન અને તન્વીને રેસ્ક્યુ કરીને કિનારે લઇ આવ્યા હતા. અને બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ હેમીન બચી શક્યો ન હતો. તેનું ગણતરીની મિનીટોમાં દરિયા કિનારે મોત નીપજ્યું હતું. જ્યારે તન્વીને બચાવી લેવામાં આવી હતી. તન્વી બચી જતા વધુ સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ન્યૂઝીલેન્ડના આ બીચ પર પતિ-પત્ની ડૂબ્યા હતા

પરિવારજનોમાંથી મળેલી માહિતી પ્રમાણે હેમિન અને તન્વી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. હેમિન એકાઉન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. વડોદરામાં અભ્યાસ પૂરો થયા બાદ તે છેલ્લા 3 વર્ષથી ન્યૂઝીલેન્ડ ગયો હતો. ન્યૂઝીલેન્ડમાં સેટ થયા બાદ દોઢ વર્ષ પછી પરત વડોદરા આવ્યો હતો. અને તેની સાથે તેની પ્રેમિકા તન્વી ભાવસારને પોતાની સાથે લઇ ગયો હતો. આમ દોઢ વર્ષથી તેઓ બંને સાથે રહેતા અને નોકરી કરતા હતા.

10 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હેમિન અને તન્વીએ તેઓના પરિવારજનો પાસે લગ્નની મંજૂરી માંગી હતી. બંનેના પરિવારે તેઓને લગ્નની મંજૂરી આપી હતી. દરમિયાન ગત નવેમ્બર-017ના રોજ હેમિન અને તન્વી વડોદરા લગ્ન કરવા માટે આવ્યા હતા. અને તા.4-12-017ના રોજ તેઓના ધામધૂમથી લગ્ન થયા હતા.

હેમિનના પિતરાઇ કિશનભાઇએ જણાવ્યું હતું કે, હેમિનનું દરીયામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાના સમાચાર મળતા હેમિન અને તન્વીના પરિવારજનોમાં ઘેરાશોકમાં ડૂબી ગયા છે. હેમિનના મૃતદેહને વડોદરા લાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. જે માટે વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો