રાજકોટમાં ઓક્સિજનના સિલિન્ડર રીફિલિંગ માટે લાઇનો લાગી: 24 કલાક ચાલે તેટલા ઓક્સિજન માટે 500 લોકો 12 કલાક સુધી લાંબી લાઈનમાં ઊભા રહે છે

રાજકોટમાં હોસ્પિટલમાં બેડની અછત એટલી છે કે ગંભીર દર્દીઓને પણ ઘરે રાખવા પડે છે, સતત ઓક્સિજન પર રાખીને રીકવરી થાય તેવા પ્રયાસો થાય છે. આવી સ્થિતિમાં પણ ઓક્સિજન ન મળતા દર્દીઓની જ નહીં તેમના સ્વજનોની હાલત કફોડી બને છે. રાજકોટમાં ઓક્સિજનના સિલિન્ડર રીફિલિંગ માટે પાંચ જ એજન્સી છે અને તે પણ શહેરથી 15 કિ.મી. દૂર આવેલા શાપર વેરાવળ અને મેટોડા જીઆઈડીસીમાં જઈ રહ્યા છે. આમ છતાં પણ તુરંત જ રીફિલિંગ નથી થતું પણ કતારમાં ઊભું રહેવુ પડે છે.

24 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન મળે છે

સવારથી લાઈનમાં ઊભા હોય ત્યારે છેક 12 કલાકે સાંજે વારો આવે છે. જે સિલિન્ડર રીફિલ થયું હોય તે માંડ 15થી 24 કલાક દર્દીની હાલત મુજબ ચાલે અને ફરીથી સ્વજનોએ પ્રાણવાયુ માટે દોડવું પડે છે. આ સ્થિતિ એટલી ગંભીર છે કે દર્દીઓના સ્વજનો માનસિક રીતે પડી ભાંગ્યા છે અને કર્ફ્યુ હોવા છતા આખી આખી રાત અલગ અલગ સંસ્થાઓ અને કંપનીઓ પાસે જઈને એક એક સિલિન્ડર માટે હાથપગ જોડી રહ્યા છે. શાપરના ત્રિશૂલ ઓક્સિજન નામના રીફિલિંગ સેન્ટર પર જતા લોકોની પીડા જોવા મળી હતી.

શાપરના રીફિલિંગ પાસે દરરોજ 150થી 200 લોકો કતારમાં હોય છે આવા અલગ અલગ 5 સેન્ટર મેટોડા અને શાપરમાં છે એટલે કે શહેરથી 15 કિ.મી. દૂર 500-500 લોકો ઓક્સિજન માટે દોડતા જોવા મળે છે. રાત હોય કે સવાર લોકોની લાઇન લાગેલી જ હોય છે. કલાકો લાઈનમાં ઉભા રહે છે અને આ દરમિયાન તેમને કોઇ પાણી માટે પણ પૂછવા આવતું નથી. ઔદ્યોગિક વિસ્તારોમાં તડકા વચ્ચે શેકાતા હોય છે લોકો. કલાકો ઉભા રહ્યા બાદ ફેક્ટરીના ગેટ સુધી પહોંચાય છે. કમ્પાઉન્ડમાં કોઇને આવવાની મંજૂરી નથી અપાઈ, તેમના સિલિન્ડર ફેક્ટરીમાં લઈ લેવાય છે અને પછી વળી કલાકો રાહ જોવાની હોય છે કે તેમનું સિલિન્ડર ભરાયું છે કે નહિ. તેમાં પણ જથ્થો હશે ત્યાં સુધી ભરાશે તેવી વાત કહેતા લોકો ફેક્ટરીની વંડી પર ચડીને તેમનું સિલિન્ડર ભરાયું છે કે નહિ તે જોવા મજબૂર બન્યા હતા.

કિસ્સો 1: રીફિલિંગ માટે સાંજ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે

રાજકોટના પ્રેમ વાસદેવાણી જણાવે છે કે, તેમના બહેન, તેના માતા-પિતા કોરોનાગ્રસ્ત છે. બેડ ન મળતા પરિવારની સારવાર ઘરે જ કરવી પડે છે. સતત બે દિવસ મેટોડા ખાતે આવી બાટલાને રીફિલ કરાવવા માટે વહેલી સવારથી લાઈનમાં ઊભું રહેવું પડે છે. ત્યારે જઈ સાંજના સમયે વારો આવે છે. આ એવી કરુણતા છે, જેને વર્ણવવી મુશ્કેલ છે. તંત્રએ પણ તેમની આંખ અને કાન બંધ કરી દીધા છે અને લોકોની તકલીફથી જાણે તેઓ અજાણ છે તેવુ લાગી રહ્યુ છે.

કિસ્સો 2: 400 રૂ.ના રીફિલિંગમાં પણ એજન્સીને આજીજી કરવી પડે છે

મહેન્દ્ર ચાવડા જણાવે છે કે, તેમના ઘરે કાકા અને કાકી હોમ આઈસોલેટ છે. પૂરતું ઓક્સિજન મળી રહે તે માટે રાત દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે છે, 400 રૂપિયાના રીફિલિંગ માટે વારો ક્યારે આવશે તે પણ અનિશ્ચિત છે. માત્ર એક જ વખત નહિ, અનેકવાર બાટલા માટે આવવું પડે છે. આ તકે તંત્રએ પણ લોકોની સ્થિતિની ગંભીરતા સમજાવી જોઈએ અને ઓક્સિજન સરળતાથી મળી રહે તે માટે પૂરતા પ્રયાસો પણ કરવા જોઈએ. તંત્રને એક વાતનો પણ ખ્યાલ નથી કે આમ નાગરિક ક્યાં પ્રકારની મુશ્કેલી વેઠી રહ્યું છે અને પોતાના સ્વજનોને બચાવા માટે પ્રયત્નો કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો