અમદાવાદમાં કોરોનાથી બચાવનાર રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા લોકોની લાંબી લાઈન લાગી, ઝાયડ્સ કેડિલા દ્વારા સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઇન્જેકશનનું વેચાણ

કોરોના મામલે દિવસે ને દિવસે ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 9 દિવસથી કોરોનાના 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે લોકોમાં ફરી હવે કોરોનાનો ડર ઊભો થયો છે, જેમાં અમદાવાદ અને સુરતમાં તો સૌથી વધુ કેસ આવી રહ્યા છે. હાલ જે કેસ નોંધાઇ રહ્યા છે એમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓને ક્રિટિકલ સમયમાં રાહત આપવા માટે પ્રાઇમરી સ્ટેજ પર રેમડિસિવિર ઈન્જેકશન આપવામાં આવે છે, જેને કારણે રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા માટે 24 કલાકથી અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર 100થી વધુ લોકો લાઈન લગાવી રહ્યા છે.

‘ભલે ઈન્જેક્શન ન આવે, પણ લાઈનમાં તો ઊભા રહેવા દો’

ઝાયડસના ફાર્મસી સ્ટોરે તો ગઈકાલે રાત્રે એક વ્યક્તિને એમ કહી દીધું હતું કે તમે લાઈનમાં ઊભા ના રહો, હવે અમારી પાસે સ્ટોક નથી, પરંતુ બહારથી આવેલા લોકોએ કરગરીને કહ્યું કે ભલે ઈન્જેક્શન ન આવે, પણ લાઈનમાં તો ઊભા રહેવા દો.આ ઈન્જેક્શન લેવા માટે જે દર્દી માટે ઈન્જેક્શન લેવાના હોય તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને આધારકાર્ડ આ ત્રણેય મેચ થાય તો જ ઈન્જેક્શન આપવામાં આવે છે.

ખાનગી હોસ્પિટલમાં ઈન્જેકશન ન મળતાં લોકોએ લાઈન લગાવી

આ ઈન્જેકશન બજારમાં ડિસ્ટ્રિબ્યુટર પાસે 899થી લઈને 5400 સુધી અલગ અલગ કંપનીના ભાવ મુજબ મળે છે, જેમાં ઝાયડ્સ કેડિલા કંપની લોકોને સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઈન્જેકશનનું વેચાણ કરતી હોવાથી લોકો લાઈન લગાવી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર પાસે તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન ઉપલબ્ધ છે, પરંતુ લોકોને ડર છે કે આ ઈન્જેકશનની અછત સર્જાશે અને કેટલાક લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન મળતાં ન હોવાથી તેઓ લાઇન લગાવીને ઊભા છે.

રેમડેસિવિરથી દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય ઘટાડી શકાય

ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે.

રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.

દરરોજ 30 હજાર ઈન્જેક્શનોનું ઉત્પાદન

ફ્રૂડ એન્ડ ડ્રગ કમિશનર ડૉ. એચ.જી.કોશિયા મુજબ, રેમડેસિવિર ઇન્‍જેક્શનના ગુજરાત રાજ્યના ઉત્પાદક ઝાયડસ કેડિલા દ્વારા દૈનિક 30,000 ઈન્‍જેક્શનોનું ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દીદીઠ 6 ઇન્‍જેક્શનની જરૂર પડતી હોવાથી દરરોજના 5,000 દર્દીની સારવાર કરી શકાય એટલાં ઇન્જેક્શનનું ઉત્પાદન ઝાયડસ કેડિલા દ્વારા કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો