આ શાળામાં દોઢ વર્ષથી રોજ પહોંચે છે મોર, બાળકો સાથે કરે છે અભ્યાસ, જાણો બીજૂ શું કરે છે?

રાષ્ટ્રીય પક્ષી મોર આમ તો ખાસ કરી જંગલ વિસ્તારમાં જોવા મળે, ઘણીવાર મોર માનવ વસ્તીમા જોવા તો મળે, પરંતુ મનુષ્યોથી હંમેશ અંતર રાખી ફરતો જોવા મળે છે. ભાગ્યે જ મોર મનુષ્યો સાથે ફરતો જોવા મળે છે. પરંતુ મહુવાના ડુંગરી ગામે કુકણા ડુંગરી ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં મોર શાળા શરૂ થવાના બેલથી પ્રવેશ અને છૂટવાનો બેલ વાગતા જ વિદ્યાર્થીઓ સાથે પરત ફરે છે. મોર અભ્યાસ તેમજ રમત ગમતમા સહભાગી બને છે.

મોરે બાળકને કે બાળકે મોરને કોઈ નુકશાન પહોંચાડ્યું નથી

આ અજીબો ગરીબ ઘટના છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે. સવારે રાબેતા મુજબ બાળકો સાથે આવી અભ્યાસ તેમજ રમત ગમતમા સહભાગી બને છે. જે જોઈ શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો પણ આશ્વર્યચકિત છે. દરરોજ આવતા મોરનું બાળકોએ નામ પણ પાડ્યું છે, ટપુ નામથી બોલાવતા જ મોર બાળક નજીક આવી જાય છે. આ મોરે બાળકને કે બાળકે મોરને આજદિન સુધી કોઈ નુકશાન પહોંચાડ્યું નથી. વધુમાં શિક્ષણ કાર્યમાં પણ બાળકોને આજદિન સુધી ખલેલ પહોંચાડી નથી. મોર કોઈ પણ જાતના ડર કે બીક વિના આખો દિવસ શાળામાં પસાર કરે છે. બાળકો જમવા બેસે ત્યારે મોર પણ બાળકો સાથે જમવા બેસે છે. બાળકો મોર માટે મગફળી તેમજ અનાજ લાવ્યા હોય તે મોર બાળકો સાથે બેસી ચણે છે.

બાળકોનો ટપુ નામનો મોર મિત્ર બની ગયો

શિક્ષણ કાર્ય દરમિયાન મોર બાળકો સાથે શાંતિથી જાણે શિક્ષણ મેળવતો હોય તેમ ધ્યાનથી બેસી જોયા કરે છે. રિસેશ દરમિયાન બાળકો સાથે દોડાદોડી કરી રમતો રમે છે.એક પણ દિવસ રજા પાડ્યા વિના છેલ્લા દોઢ વર્ષથી મોર દરરોજ બાળકો સાથે શાળામાં આવી હાજરી પુરાવે છે. બાળકોનો ટપુ નામનો મોર મિત્ર બની ગયો છે. મોર વિદ્યા દેવી સરસ્વતી માતાના ઉપાસક હોવાથી શિક્ષકો પણ માન પાનથી મોરને રાખે છે. શાળામાં બાળકો સાથે મોર અભ્યાસ કરતો હોવાની વાત ધીરે ધીરે ફેલાતાં બારડોલી તેમજ આજુબાજુ ગ્રામજનો શાળામાં શિક્ષણ લેતો મોરને જોવા આવી રહ્યા છે અને શાંતિથી અભ્યાસ કરતો મોરનો અદ્દભુત નજારો જોઈ આનંદિત થઈ જાય છે.

વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડતો નથી

એક વર્ષથી વધુના સમયથી મોર નિયમિત રીતે શાળાના સમય દરમીયાન આવે છે. જે શિક્ષકો કે શાળાના વિદ્યાર્થીઓને કોઈ નુકસાન પહોંચાડતો નથી. જેથી મોરને અમે માન-પાન આપી શાળામાં આવકારીએ છે. – રશિલાબેન ચૌધરી, આચાર્ય, પ્રાથમિક વર્ગશાળા કુકણા ડુંગરી

અમારી સાથે પકડ દાવ પણ રમે છે

મોર અમારી સાથે જ શાળાએ સમયસર આવે છે, અમે મોરના ખાવા માટે ઘઉં, મગફળી વગેરે સાથે લાવીએ છે. અમારી રિસેસ હોય ત્યારે મોર અમારી સાથે દોડાદોડી પકડદાવ પણ રમે છે. અમને મોર સાથે રમવાની મજા આવે છે. – રોનીત ચૌધરી, વિદ્યાર્થી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો