અમદાવાદની સિવિલની ઘોર બેદરકારી, વેન્ટિલેટર પર દર્દીને મૂક્યાને મોંઢાના ભાગેથી ધડધડ લોહી નીકળતાં જ મોત

અમદાવાદ શહેરમાં મે મહિનાની શરૂઆતથી કોરોનાના કેસોમાં જે ઉછાળો જોવા મળ્યો હતો તેમાં કોઇ ખાસ ઘટાડો જોવા મળી રહ્યો નથી. અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૮ દિવસથી એક દિવસનો અપવાદ છોડીને સતત ૨૫૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે જ્યારે છેલ્લા ૨૮ દિવસમાં બે વાર દૈનિક ધોરણે ૩૦૦થી વધુ કેસ નોંધાઇ ચૂક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદમાં દૈનિક ધોરણે ૨૫૦થી વધુ કેસ નોંધાવવાનો સિલસિલો અને કોરોનાના સંક્રમણથી ટપોટપ મોત યથાવત છે. અમદાવાદમાં બુધવારે ૨૫૬ નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાની સારવાર દરમિયાન વધુ ૧૯ દર્દીના મોત નિપજ્યાં હતા. અમદાવાદમાં કુલ કેસ ૧૧,૦૯૭ થઇ ચૂક્યાં છે.

અમદાવાદમાં કુલ મૃત્યુઆંક ૭૬૪ થઇ ગયો ચે. અમદાવાદમાં બુધવારે વધુ ૩૨૭ દર્દીઓ ડિસ્ચાર્જ થયાં હતા અને અત્યાર સુધીમાં ૪,૯૫૦ દર્દીઓને કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થતાં ઘરે પરત ફર્યા છે. હાલમાં અમદાવાદમાં એક્ટિવ કેસોની ૫,૩૮૩ થઇ ગઇ છે.

AMC દ્વારા શહેરના ૧૪ કન્ટેઇનમેન્ટ વોર્ડમાં ધનવંતરી રથ મૂકવામાં આવ્યા હતા જેમાં ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ સહિતની સુવિધા સાથે પ્રથમ તબક્કામાં ૫૦ રથ મૂકાયા હતા જેમાં એક રથ એક સ્થળ ઉપર બે કલાક એમ કુલ ચાર સ્થળ કવર કરે છે જેમાં દૈનિક ધોરણે ૨૦૦ સ્થળો કવર કરાઇ રહ્યાં છે. હાલમાં ૮૪ રથ શરૂ કરીને ૩૩૨ સ્થળો કવર કરાઇ રહ્યાં છે જ્યાં નાગરિકોનું ટેમ્પરેચર માપવામાં આવે છે.

મ્યુનિ.નો દાવો છે કે, તા. ૧૭મી મે પહેલાં કન્ટેનમેન્ટ વોર્ડના વિસ્તારોમાં ૧૦ ટકા કેસ તાવ અને ૩૨ ટકા કેસ શરદી, કફ અને ૦.૬ ટકા કેસ સીવીયર રેસીપીરેટરી ટ્રેક ઇન્ફેક્શનના આવતા હતા પછી ધનવંતરી રથની કામગીરી બાદ તાવના કેસમાં બે ટકાનો ઘટાડો અને શરદી,કફના કેસોમાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે. સીવીયર રેસીપીરેટરી ટ્રેક ઇન્ફેક્શન કેસ નહીવત થયા છે. અત્યાર સુધી ૭૪ હજાર દર્દીઓને સારવાર અપાઇ છે.

જોકે, કોટ વિસ્તાર અને કન્ટેનમેન્ટ વિસ્તારમાં કોરોના કેસ ઘટી રહ્યાં છે. એક તરફ મ્યુનિ. ધનવંતરી રથ દોડાવી રહી છે બીજી તરફ રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પ્રયત્નો કરી રહી છે છતાં શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો નથી.

વેન્ટિલેટર પર દર્દીને મૂક્યા ને મોંઢાના ભાગેથી ધડધડ લોહી નીકળતાં જ મોત

હાઈકોર્ટની ફટકાર પછીયે અમદાવાદની સિવિલમાં ઘોર બેદરકારીનો સિલસિલો હજુ પણ જૈસે થે જેવો જ છે. શહેરના નજમાબીબી નામના એક મહિલા દર્દીને વેન્ટીલેટર પર રખાયા હતા, વેન્ટીલેટર પર રાખતી વખતી પાઈપ એવી રીતે લગાવી કે, દર્દીને મોઢાના ભાગેથી ધડધડ લોહી વહેવા માંડયું હતું અને વધુ લોહી વહી જવાના કારણે જ દર્દીનું મોત થયું છે. દર્દીના પુત્રએ આવો ગંભીર આક્ષેપ કરતો સિવિલ હોસ્પિટલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

બે મિનિટ ને ૫૧ સેકન્ડના આ વીડિયોમાં મહિલાનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં સ્પષ્ટ દેખાય છે. નજમાબીબી નામના આ દર્દીના પુત્ર કહે છે કે, વેન્ટીલેટર પર રખાયા બાદ પણ દર્દીના સગાને જાણ કરવામાં આવી નથી. આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે તેમને હોસ્પિટલ તરફથી કહેવાયું હતું કે, વેન્ટીલેટરની જરૂર જણાશે તો તેમને જાણ કરાશે. જોકે પરિવારને જાણ કર્યા વગર વેન્ટીલેટર પર મુકાયા હતા.

માતાના મોત બાદ તેમનો પુત્ર કોરોનાના આઈસીયુ વોર્ડ વિંગ -એ ખાતે પહોંચે છે, જેમાં તે ડોક્ટરને કહે છે કે, સાહેબ તમે આ વેન્ટીલેટર લગાવ્યું તો કોણે પૂછીને જાણ કરી? અહીંનો નિયમ છે કે, દર્દીના સગાને જાણ કરવી પડે. સામે ડોક્ટર કહે છે કે, આઈસીયુમાં એટલે જ મૂકવામાં આવ્યા હોય જ્યારે વેન્ટીલેટરની જરૂર હોય.

એ પછી દર્દીનો પુત્ર કહે છે કે, તમે વેન્ટીલેટર પર આ પાઈપ જબરદસ્તી નાખી છે અને આટલું બધું બ્લડ નીકળ્યું છે, શેના કારણે આટલું બધું બ્લડ નીકળ્યું ? બ્લડના હિસાબથી મારા મમ્મીની ડેથ થઈ છે. ડોક્ટર કહે છે કે, નામ જાણવું હોય તો કંટ્રોલ રૂમમાં ફોન કરો. પછી સગા કહે આટલું બધુ લોહી નીકળ્યું છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં ૧૮ દર્દીનાં મોત

શહેરમાં આજે કોરોનાથી ૧૯ દર્દીના મોત નિપજ્યાં હતા જે પૈકી શહેરના સૈજપુર, ઇન્ડિયા કોલોની, વટવા અને ઇન્દ્રપુરી વોર્ડમાં બે-બે દર્દીના મોત નિપજ્યાં હતા જ્યારે બાપુનગર, ઠક્કરનગર, ચાંદલોડિયા, ઇસનપુર, અસારવા, ગોમતીપુર, ભાઇપુરા-હાટકેશ્વર, વસ્ત્રાલ, વિરાટનગર, સરદારનગર અને અમરાઇવાડી વોર્ડમાં એક-એક દર્દીના મોત નિપજ્યાં હતા. આજે પૂર્વ વિસ્તારમાં ૧૮ અને પશ્ચિમ વિસ્તારમાં એકનું મોત થયુુ હતું

શાહીબાગમાં એક સાથે ૨૩ કેસ નોંધાયા

શાહીબાગ વોર્ડમાં એક સાથે ૨૩ નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત અસારવામાં ૧૩, દરિયાપુરમાં ચાર, જમાલપુરમાં ચાર, ખાડિયામાં સાત અને શાહપુરમાં બે કેસ સામે આવ્યા છે. ઉપરાંત ઓઢવમાં ૧૩, વસ્ત્રાલમાં આઠ, બાપુનગરમાં ૨૦, નરોડામાં ૧૮, સૈજપુરમાં ૧૨, સરસપુરમાં ૮ કેસ સામે આવ્યા છે. આ સિવાય નવાવાડજમાં વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા જ્યારે બોડકદેવ, ગોતા, ઘાટલોડિયામાં પણ કેસ સામે આવ્યા છે.

સિવિલમાં વધુ બે ઈન્ટર્ન ડોક્ટરને કોરોના, વધુ ટેસ્ટ થાય તો આંકડો ૫૦ ઉપર પહોંચે

સિવિલ કેમ્પસમાં વધુ બે ઈન્ટર્ન ડોક્ટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ સાથે આંકડો ૧૫ પહોંચી ગયો છે, તેમ છતાં બાકી ઈન્ટર્ન ડોક્ટરોના રિપોર્ટ કઢાવવામાં આવતાં નથી, ઈન્ટર્ન ડોક્ટરો કારકિર્દી રગદોળાઈ જાય તેવા ડરે નામ જાહેર નહિ કરવાની શરતે કહે છે કે, અત્યારે બી.જે. મેડિકલ કોલેજમાં ૫૦થી વધુ ઈન્ટર્ન પોઝિટિવ હશે. જોકે ટેસ્ટ એટલા માટે કરાતા નથી કે, ઈન્ટર્ન ડોક્ટરો પોઝિટિવ જાહેર થાય તો એ સ્થિતિમાં સિનિયરોને સ્વેબ લેવા સહિતની કામગીરી આવી પડે.

GAS ધવલ જાનીને ચેપ લાગ્યો

સિવિલ હોસ્પિટલમાં ગુજરાત સરકારે નિયુક્ત કરેલા GAS ઓફિસર ધવલ જાનીને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. તેઓ છેલ્લા ૪૦ દિવસથી સિવિલ હોસ્પિટલમાં વહીવટી કામકાજ સંભાળી રહ્યા હતા. મંગળવારે ગાંધીનગરમાં સેમ્પલ લેવાયા બાદ બુધવારે સવારે તે એસિમ્પ્ટોમેટિક હોવાનું જાહેર થયું હતું. બીજા કોઈ લક્ષણો ન હોવાથી તેમણે હોમ આઇસોલેશનમાં રહીને જ ઉપચાર કરવાનો નિર્ણય કર્યાનું જણાવ્યું હતું.

ક્રાઇમ બ્રાંચમાં ૧૧ કોરોના પોઝિટિવ

શહેર ક્રાઇમ બ્રાન્ચમાંથી ૧ પીઆઈ સહિત ૧૧ પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદ સહિતની મહત્ત્વની ક્રાઇમ બ્રાંચમાં જ કોરોના કેર વરસાવ્યો હતો. જોગા ૧૧માંથી કર્મચારીઓ સાજા થયા હતા. અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચમાંથી કુલ ૨૨ પોલીસ કર્મચારીઓને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

મહિલા કોર્પોરેટરને કોરોના પોઝિટિવ

આજે કોંગ્રેસના વધુ એક કોર્પોરેટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. શહેરના ભાઇપુરા-હાટકેશ્વર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ઔઇલાક્ષીબહેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પણ અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા તેમને સત્તાવાર રીતે જાણ કરવામાં ભારે વિલંબ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો