હવે ગુજરાતના પાટીદાર યુવાનો નહીં રહે કુંવારા: અમદાવાદમાં કરાઇ રહી છે આ વ્યવસ્થા

વર્ષોથી આવેલી સમાજ વ્યવસ્થાની ખામીને કારણે પાટીદારોમાં સ્ત્રી જન્મનું પ્રમાણ ખાસ્સું ઓછું થઈ ગયું છે. જેના પરિણામે ગુજરાતના હજારો પાટીદાર યુવાનો લગ્નથી વંચિત રહી ગયા છે. જોકે આ સમસ્યાને નિવારવા પાટીદાર સમાજ દ્વારા ગુજરાત બહારની પાટીદાર યુવતીઓ સાથે ગુજરાતના પાટીદાર યુવાનોના લગ્ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરી છે. તારીખ 4 થી 8 ડિસેમ્બર દરમિયાન અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર નિકોલ વિસ્તારના એક પાર્ટી પ્લોટમાં પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

એક તરફ ગુજરાતના પાટીદાર યુવાનોને કન્યા નહીં મળતી હોવાને કારણે તેમના લગ્ન થતા નથી. બીજી તરફ દેશના ઉત્તરપ્રદેશમાં રહેતા પાટીદારો એક જુદી જ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં રહેતા કુર્મી પાટીદારોમાં દહેજનું વ્યાપક પ્રમાણ હોવાને કારણે દહેજ નહીં આપી શકતા પરિવારો પોતાની દીકરીનું લગ્ન કરાવી શકતા નથી. આમ ઉત્તર પ્રદેશના પાટીદારોમાં કુંવારી કન્યાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમ ગુજરાતના પાટીદાર યુવાનોને કન્યા મળતી નથી જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશની પાટીદાર કન્યાઓના દહેજના અભાવે લગ્ન થતા નથી.

આ સમસ્યા નિવારવા ગુજરાત અને ઉત્તર પ્રદેશની પાટીદાર સંસ્થાઓ દ્વારા અમદાવાદના એસપી રિંગ રોડ, નિકોલ વિસ્તારમાં આવેલ દાસ્તાન ફાર્મની સામે, રસરાજ જેકપોટ પાર્ટી પ્લોટમાં યુવક-યુવતીઓના પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી પટેલવાડીના મેનેજર લાલજીભાઈ પોટલીયાએ મેરાન્યૂઝના સંવાદદાતા સાથે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર કન્યાઓની અછતના કારણે પાટીદાર યુવાનોના લગ્ન થતા નથી. જેના કારણે ઉત્તર પ્રદેશની કૂર્મી પાટીદાર યુવતીઓ સાથે ગુજરાતના યુવાનોના લગ્ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. હમણાં સુધી ગુજરાતના 500 કરતા વધુ પાટીદાર યુવાનો આ પસંદગી મેળા માટે ફોર્મ લઈ ગયા છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતના 1500 જેટલા યુવાનો આ પસંદગી મેળામાં ભાગ લેશે તેવો અંદાજ છે. ચાર દિવસ ચાલનારા પસંદગી મેળામાં યુવક-યુવતી પસંદગી બાદ લગ્ન કરવા તૈયાર થાય તેમની સગાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો