ગુજ્જુ મહિલાનો પટેલ પાવર: મોર્ડન તબેલાને જોવા લોકોની લાગે છે લાઇનો

એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી એટલેકે ‘આત્મા’ આજે ખરા અર્થમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રનો આત્મા બની ચૂક્યો છે. સરકાર સમાજના લોકોને આવક રળવામાં વધુને વધુ સરળતા થઈ પડે અને તેમાં પણ દરેક ને સમાનતાના દર્શન થાય તે હેતુ થી સમયાંતરે નીત નવી યોજનાઓ અમલમાં લાવતી હોય છે. ‘આત્મા’ યોજના આવીજ યોજનાઓ માંની એક યોજના છે. આજે કૃષિ વિકાસ ક્ષેત્રે ગુજરાત મક્કમ ગતિએ આગળ વધી રહ્યુ છે. અવનવા વૈજ્ઞાનિક પરિક્ષણ અને શોધ દ્વારા ગુજરાતનો ખેડૂત વિવિધ પ્રકારે પોતાની ખેતીમાં પરિવર્તન લાવતો થયો છે.

આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાના શેખડી ગામના રહીશ એવા મીનાબેન અતુલભાઇ પટેલ અને અતુલભાઇ જશભાઇ પટેલે ‘આત્મા’ પ્રોજેક્ટ હેઠળ એક તબેલો બનાવી પશુપાલન કરતા અન્ય લોકો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. આત્મા યોજનાનું મુખ્ય કાર્ય જિલ્લાની તમામ સંશોધન અને વિસ્‍તરણ પ્રવૃતિઓનું સંકલન કરવું તેમજ પબ્‍લીક એગ્રીકલ્‍ચર ટેકનોલોજી વ્‍યવસ્‍થાનું વિકેન્દ્રીકરણ કરવાનું તથા પોતાની પ્રગતીમાં ખેડુત જ્યાં જ્યાં અટવાય ત્યા તેનું માર્ગ દર્શન કરવાનું પણ છે.અતુલભાઇ અને મીનાબેન ઘણાં વર્ષોથી પશું પાલન ક્ષેત્રે સંકળાયેલા છે. શરૂઆતનાં સમયમાં તેઓ એક-બે ગાય રાખતા ત્યાર બાદ તેમને તેમના જ ગામમાં રહેતા મિનેષભાઇ તરફથી ‘આત્મા’ પ્રોજેક્ટ વિશે જાણકારી મળી અને તેઓ પણ ‘આત્મા’ પ્રોજેક્ટના સભ્ય બન્યા. બસ એજ ક્ષણે તેમનો પશુપાલનનો વ્યવસાય ખરા અર્થમાં વેગવંતો બન્યો અને એ વ્યવસાયમાં ખરા અર્થમાં જીવ આવ્યો.

સભ્ય બન્યા બાદ નજીકના દિવસમાંજ ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી એક તાલીમમાં અતુલભાઇ અને મીનાબેને હાજરી આપી અને ત્યાર બાદ તેઓ એ નિર્ણય પર આવ્યા કે તેમની પાસે ગામ નજીક જે જમીન છે ત્યાં તબેલો બનાવવો અને વધુ ગાયો રાખી પશુપાલનના વ્યવસાય ને જ વધુ સારી રીતે આગળ ધપાવવો. મનમાં મક્કમ નિર્ણય કર્યા બાદ પછી વાત આવે છે તેને સાર્થક કરવાની પરંતુ અતુલભાઇ અને મીનાબેનને તેની કોઈ મુંઝવણ ન હતી. કારણકે તેમની પાસે ખરા અર્થમાં ‘આત્મા’ નો સાથ હતો. આ યોજના થકીજ આજે તેઓ પશુપાલકો માટે એક આદર્શ બની શક્યા છે.

યોજનાનો લાભ લઈ તેમણે કાર્ય શરૂ કર્યુ અને તબેલાની પાસે જે જમીન ખુલ્લી પડી હતી ત્યાં ઘાસચારો ઉગાડવાનું શરૂ કર્યુ. એટલે કે શરૂઆત કરી તબેલાથી પરંતુ જેમ જેમ તેઓ પોતાના કાર્યમાં આગળ વધતા ગયા તેમ તેમ તેમને નવા રસ્તા મળતા ગયા. શરૂઆતમાં એટલેકે, વર્ષ ૨૦૧૦માં સારી જાતવાર ૫ ગાય અને ૨ ભેંસથી શરૂઆત કરી અને થોડા સમય બાદ તે વિયાણ થતાં ૩ વાછરડાં આવ્યા. આ પશુધનનો સારી રીતે ઉછેર કરવામાં આવ્યો. દરમ્યાન પશુપાલન કે આજ સંદર્ભની અન્ય કોઈ યોગ્ય માહિતી હોય તો તેનો અમલ પણ આ પશુપાલનના કાર્યમાં કરવામાં આવ્યો.

બીજા વર્ષે એટલે કે, વર્ષ ૨૦૧૧માં મીનાબેને ૩ વધુ ગાય ખરીદી અને કુલ ૮ ગાય વસાવી. આમ કરતાં કરતાં વર્ષ ૨૦૧૨માં તેમની પાસે કુલ ૧૫ ગાયો અને ૬ વાછરડી થઈ. શરૂઆતમાં ઓછા પ્રમાણમાં ગાય-ભેંસ હોવાને કારણે મીનાબેન અને અતુલભાઈ સવારે વહેલા ઉઠી જાતે ગાયો-ભેંસો દોહતા પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે અને ઓછા સમયમાં વધુ ગાય-ભેસ દોહવાય તેના માટે તેમણે “મિલ્કીંગ મશીન” વસાવ્યુ છે. આ મશીન ઝડપી કામ આપવાની સાથે દૂધ પણ સ્વચ્છ આપે છે જેથી તેઓ દૂધ મંડળીમાં રોજનું ૧૫૦-૧૮૦ લીટર દૂધ ભરી શકે છે. અતુલભાઈ અને મીનાબેનના તબેલાની વર્ષ 2013-14 ની આવક અને ખર્ચ ની મુલવણી કરીએ તો, આમ પશુપાલનના વ્યવસાયમાં આ નવતર અભિગમમાં સરકાર અને ‘આત્મા’ પ્રોજેક્ટની સહાયતા તથા માર્ગદર્શન નો યોગ્ય અમલ થવાને કારણે પરિણામ આપણી સમક્ષ છે.પાકી ગમાણ અને પાકા ભોંય તળીયા વાળા આ તબેલામાં પશુઓને 24 કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.

ઉપરાંત પશુઓને ગરમી ન લાગે તે માટે પંખાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો ઘાસ-ચારાનાં સંગ્રહ માટે એક ગોડાઉન પણ ઉભુ કરવામાં આવ્યુ છે. અહીં રહેતા ગાય-ભેંસને ચાફ્કટરથી સુકો અને લીલો ઘાસચારો મિક્ષ કરી કાપીને આપવામાં આવે છે. પશુઓની આટલી બધી માવજત કરવાને કારણે અને તબેલામાં સ્વચ્છ વાતાવરણ જાળવી રાખવાને પ્રતાપે પાછલા ત્રણ વર્ષમાં મીનાબેનના તબેલામાં એક પણ પશુનું મૃત્યુ થયુ નથી. આમ, વિવિધ સરકારી યોજના લોકો સુધી પહોંચાડી ગુજરાતે કૃષિ ક્ષેત્રની સાથે-સાથે દૂધ ઉત્‍પાદનમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે. તો વળી ઔદ્યોગિક ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. જન-જન ની આ પ્રગતી રાજ્યની ગતીશિલતાને ખરા અર્થમાં સાબિત કરે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો