શાળાઓ ખોલવાનો સરકારનો નિર્ણય વાલીઓએ નકાર્યો: ભણતર કરતા જિંદગી મહત્વની છે, વર્ષ ભલે બગડે શાળાએ મોકલવામાં વાલીઓની સ્પષ્ટ ના, બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી કોણ લેશે?
રાજ્યમાં 23 નવેમ્બરથી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવા અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ત્યારે સરકારના આ નિર્ણયને અમદાવાદ મોટાભાગના વાલીઓ નકારી કાઢ્યો છે. ભણતર કરતા જિંદગી મહત્ત્વની છે. જો જીવ છે તો જ ભણી શકશે. એક વર્ષ જો ભણતર બગડશે તો ચાલશે. એકાદ વર્ષ બગાડવા માટે પણ વાલીઓ તૈયાર થઈ ગયા છે. વાલીઓનું કહેવું છે કે બાળકોને શાળાએ મોકલીએ અને કંઈ થાય તો જવાબદારી કોણ લેશે? જ્યાં સુધી વેકસીન નહિ આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલવા તેઓ તૈયાર નથી.
કોરોનાની વેકસીન આવશે પછી જ બાળકને સ્કૂલે મોકલીશું
ધોરણ. 10માં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીના માતા જક્ષાબેન દીક્ષિતએ વાતચીતમાં જણાવ્યું હતું કે આ સરકારે જે આ નિર્ણય લીધો છે. એ અયોગ્ય છે. મારા પરિવારે નક્કી કર્યું છે કે જ્યાં સુધી કોરોનાની વેકસીન નહિ આવે ત્યાં સુધી તેને સ્કૂલે નહિ મોકલીએ. સ્કૂલમાં તો 3000થી 4000 બાળકો હોય છે અમારે માટે બાળકનો જીવ મહત્વનો છે. વેકસીન આવે અને પાર્લામેન્ટ ચાલુ થશે પછી અમે બાળકને સ્કૂલે મોકલવાનું વિચારીશું
બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી કોણ લેશે?
ધોરણ. 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માતા વૈદેહી શાહે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા બાળકનું એક વર્ષ બગડશે તો ચાલશે. પણ અમારે બાળકોને શાળાએ નથી મોકલવા. જો બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી કોણ લેશે? જેથી હું મારા બાળકને સ્કૂલે નહિ મોકલું.
આ અંગે સુરત શહેરમાં વાલીઓમાં વિરોધનો સૂર જોવા મળે છે. વાલીઓ કહી રહ્યા છે કે પરિપત્ર અધૂરો છે. અમે અમારાં બાળકોને ડેથ સર્ટિ. લેવા માટે સ્કૂલે મોકલવા માગતા નથી. ઉમેશ પંચાલ (વાલી)એ જણાવ્યું હતું કે ગાઈડલાઇન્સ અધૂરી છે. વાલીઓને કેમ માત્ર જવાબદાર ગણવામાં આવ્યા છે. સરકાર અને સંચાલકોએ પણ બાળકોની જવાબદારી લેવી જોઈએ, વાલીઓ પાસે લેખિતમાં માગવામાં આવેલી બાંહેધરી એ મુદ્દો રદ કરવો જોઈએ. તમામ વાલીઓ વિરોધ કરી રહ્યા છે. મેડિકલ એસોસિયેશને પણ બાળકોને શાળાએ મોકલવાનું અસુરક્ષિત કહ્યું છે. અમે બાળકોને ડેથ સર્ટિ. માટે શાળાએ મોકલવામાં માગતા નથી.
રેખાબેન મિતેશભાઈ રાઠોડ (વાલી)એ જણાવ્યું હતું કે કોરોનાને લઈ બાળકોને શાળાએ મોકલવાનું મન નથી થતું. હાલ એક બાળક તો આમેય બીમાર છે. તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. દીકરી છે. એ ધોરણ-6 માં અને દીકરો ધોરણ-2 માં અભ્યાસ કરે છે. જો શાળા-સંચાલકો લેખિતમાં બાંહેધરી આપતા હોય તો એકવાર વિચાર પણ બનાવીએ. આ તો સરકાર લેખિતમાં માગી રહી છે કે વાલીઓ એની જવાબદારી પર બાળકોને શાળાએ મોકલી રહ્યા છે અને બીજી બાજુ મેડિકલ એસોસિયેશન પણ હાલની વર્તમાન પરિસ્થિતિને લઈ બાળકો શાળામાં જશે તો અસુરક્ષિત માની રહ્યા છે, એટલે સરકાર પણ બાંહેધરી આપે તો બાળકોને શાળાએ મોકલવા યોગ્ય નથી.
વડોદરા શહેરના વાલીઓએ એકીસૂરે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને બાળકોનું એક વર્ષ બગડે તો ભલે બગડે, પણ અભ્યાસ માટે બાળકોના જીવ જોખમમાં મૂકવા માટે તૈયાર નથી. વર્ષ-2020-21 દરમિયાન વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલે મોકલશે નહીં.
વડોદરા વાલીમંડળના સભ્ય મુકુંદભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારે અગાઉ જાહેરાત કરેલી જ હતી કે કોરોનાની રસી નહીં શોધાય ત્યાં સુધી શાળા શરૂ કરવામાં નહીં આવે, તેમ છતાં સરકારે પોતાના નિર્ણયને ભૂલી જઇને આત્મઘાતી પગલું ભર્યું છે. કોઇપણ વાલી પોતાના બાળકના જીવ જોખમમાં મૂકીને સ્કૂલે મોકલવા તૈયાર નથી, ત્યારે સરકારે આ અંગે પુનઃ વિચાર કરવો જોઇએ.
એક વાલી કહે છે, હું મારા દીકરાનો જીવ જોખમમાં મૂકવા માગતી નથી
વડોદરાના એક વિદ્યાર્થીનાં વાલી મનીષાબેન પરમારે જણાવ્યું હતું કે મારો પુત્ર 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. સરકારે ભલે જાહેરાત કરી, પણ મારા પુત્રને સ્કૂલમાં મોકલવાની નથી. સરકાર જે આંકડા બતાવે છે એ અલગ છે અને વાસ્તવિકતા અલગ છે. મારા દીકરાનું ભલે એક વર્ષ બગડે, પણ હું મારા દીકરાનો જીવ જોખમમાં મૂકવા માગતી નથી. સરકારે સ્કૂલો ખોલવા વિષે પુનઃ વિચાર કરવો જોઇએ.
વાલી સંજયભાઇએ જણાવ્યું હતું કે મારો દીકરો 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. રાજ્ય સરકારે સ્કૂલો ખોલવાની જાહેરાત કરી છે, પરંતુ, કોઇ SOP જાહેર કરી નથી, પરંતુ SOP જાહેર ન થાય ત્યાં સુધી હું મારા બાળકને સ્કૂલે નહીં મોકલું. હાલ કોરોના વાઈરસ થવાનો ડર છે અને બાળકોના આરોગ્યને પ્રાથમિક આપવી જરૂરી છે.
આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનાં માતા શોભનાબેન કમાણીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર નજીક આવતાં કોરોનાના કેસ વધ્યા છે, ત્યારે સરકારે આ નિર્ણય લીધો છે, એ અયોગ્ય છે. અમારા બાળકનું એક વર્ષ બગડશે તો ચાલશે, પણ અમારે બાળકોને શાળાએ નથી મોકલવાં. જો બાળકોને કંઈપણ થાય તો જવાબદારી કોણ લેશે?
નવમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનાં માતા જિજ્ઞાબેન વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે જે આ નિર્ણય લીધો છે ત્યારે અમે વાલી તરીકે અમારું કહેવું છે કે જો તમામ નિયમોનું પાલન કરાવવામાં આવે તો અમને વાંધો નથી, કારણ કે અત્યારસુધીનો ઘણો અભ્યાસક્રમ બાકી છે. બાળકો ઓનલાઈન ભણે છે, પણ એનો સમય મોબાઈલમાં અને ટીવીમાં જ જાય છે. શાળા ખૂલતી હોય તો એક વાલી તરીકે મારી તો મંજૂરી છે.
વિરેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મારે તો એટલું જ કહેવું છે કે સ્કૂલ ખૂલે તો અમને કોઈ વાંધો નથી. પણ અમને અમારાં બાળકોના ભવિષ્ય કરતાં એની જિંદગી વાલી છે. તો આ જિંદગીની ગેરન્ટી કોણ ગુજરાત સરકાર કે શાળા આપે છે? કોઈ હા પાડતું નથી. તો અમારે શું બાળકોને શાળાએ મોકલવાં? કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલની રેલીમાં જો સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય અને એમાં જો 150-200 લોકોને કોરોના થઈ જતો હોય તો અમારાં બાળકોનું શું થાય.
રાજકોટ શહેર વાલીમંડળના વિશાલ પટેલે જણાવ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો આ નિર્ણય તદ્દન અયોગ્ય છે. જો નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સ રાખી નથી શકતા તો છોકરાઓની વાત જ શું? ફ્રાન્સ જેવા દેશો જો ફરીથી લોકડાઉન કરતા હોય તો આપણે એ વિચારવાનું રહે. સરકાર જો વીમા અંગેની જોગવાઈ કરતી હોય તો અમે એ લેવા પણ તૈયાર છીએ. વર્ષ બગડશે તોપણ ચાલશે, અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

