સાવધાન! અમદાવાદ-સુરતમાં ગોઠવાઈ પેરામિલેટરી ફોર્સ, બહાર રખડવા નીકળ્યા તો થશે કડક કાર્યવાહી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યના અમદાવાદ અને સુરત શહેરના કન્ટેનમેન્ટવાળા વિસ્તારોમાં જ્યાં સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા વિસ્તારોમાં પેરામિલેટરી ફોર્સ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વધારાની ફોર્સ માટે કેન્દ્રને રજૂઆત કરતાં સત્વરે ખાસ વિમાન મારફત આ ફોર્સ આવી ગઈ છે અને તેને સુરક્ષા માટે તૈનાત પણ કરી દેવાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે વિગતો આપતા DGPએ ઉમેર્યું કે, અમદાવાદ શહેરમાં સંક્રમણને રોકવા માટે આગામી તારીખ ૧૫મી મે ૨૦૨૦ સુધી દવાઓ અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે એટલે નાગરિકોની અવરજવર ઘટશે જનહિતના ધ્યાને રાખીને લેવાયેલ આ નિર્ણયમાં પણ લોકો સહયોગ આપે એ માટે તેમણે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, રેડ ઝોન સહિતના કન્ટેનમેન્ટવાળા વિસ્તારોમાં સવિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવીને લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાવાશે. સાથેસાથે અંદરના ભાગે પણ લોકો અવરજવર ન કરે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવીને સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. આવા વિસ્તારોમાં પોલીસ ચેકિંગમાં સરળતા રહે તે માટે અમુક રોડ જ ચાલુ રાખવામાં આવશે અને અધિકૃત વ્યક્તિઓને જ અવરજવર કરવા દેવાશે અને કારણ વગર બહાર ફરતા લોકો દેખાશે તો કાર્યવાહી કરીને ધરપકડ તથા વાહન ડિટેઇન પણ કરાશે. ઉપરાંત દવા અને દૂધ સિવાયની દુકાનો ખુલ્લી જોવા મળશે તો તેમની પણ ધરપકડ કરી કડક કાર્યવાહી કરાશે.

શિવનંદ ઝાએ ઉમેર્યુ કે, રાજ્યમાં લૉકડાઉન દરમિયાન સાંજે ૭થી સવારના ૭ કલાક દરમિયાન તમામ સેવાઓ બંધ રાખવાની ગાઈડલાઈન મુજબ ચુસ્ત અમલ કરાશે. આ સમય દરમિયાન તમામ માર્ગો અને બ્રિજ બ્લોક કરીને અવરજવર સદંતર બંધ રખાશે. જરૂર જણાય ત્યાં ચેક પોઈન્ટ વધારવા માટે પોલીસને સૂચના આપી દેવાઇ છે. તેમણે કહ્યું કે પોલીસ ફોર્સ સહિત પેરામિલેટરી ફોર્સ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ, સીઆરબી જવાનો સહિત તમામ દળના જવાનો વધુ સતર્કતાથી ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમને પણ માસ્ક સહિત સેનેટાઈઝરની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવી દેવાઈ છે. એટલું જ નહીં તે તમામને આયુર્વેદિક અને હોમિયાપેથિક ઉકાળા અને દવાઓ વિતરણ કરાવી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ સંપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યાં છે.

શિવનંદ ઝાએ ઉમેર્યું કે, લૉકડાઉન દરમિયાન મેડિકલ સ્ટાફનું યોગદાન અત્યંત અગત્યનું છે ત્યારે ખાનગી તબીબો સહિત તમામ મેડિકલ સ્ટાફને લૉકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. પોલીસ પણ પૂરતો સહયોગ આપશે. એટલે ડૉકટર્સ અને મેડિકલ સ્ટાફને તેમના ઓળખપત્ર દ્વારા જવા દેવાની સૂચના પણ આપી દેવાઈ છે. મેડિકલ ઈમરજન્સીમાં દરદીઓને લઈ જતા વાહનો-એમ્બ્યુલન્સને પણ પહેલેથી જ મુક્તિ આપવામાં આવી છે. એટલે એમને પણ રોકવામાં આવશે નહીં. તેમણે આઈ.એમ.એ.ને અપીલ પણ કરી છે કે, ખાનગી તબીબો પણ પોતાના ક્લિનિક ખોલીને તબીબી સેવાઓ શરૂ કરે પોલીસ પૂરેપૂરો સહયોગ કરશે.

કોરોનાની આ પરિસ્થિતિમાં ફ્રન્ટ લાઇન પર કામ કરતા પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય કોઈ સરકારી કર્મચારી પર હુમલો કરનારા સામે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા ઝાએ જણાવ્યું કે, આવા હુમલાના વધુ ત્રણ બનાવોમાં ત્રણ હુમલાખોરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પંચમહાલના ગોધરા ટાઉન વિસ્તારમાં ગત ૨૦ એપ્રિલના રોજ પોલીસ જવાન પર હુમલા અંગેના નોંધાયેલા ગુનામાં આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે અન્ય એક ગુનામાં ગાંધીનગર જિલ્લામાં પોલીસ જવાન પર હુમલો કરનારા શખ્સને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેવાયો છે. તે જ રીતે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોલીસ પર હુમલાના કેસમાં પણ આરોપી સામે પાસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના ૨૬ ગુનામાં કુલ ૬૧ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

શિવનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૧૫૭ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૫૧૨ ગુના દાખલ કરીને ૨૧,૬૧૨ લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૭૧ ગુના નોંધીને ૭૬ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨૭૦૦ ગુના નોંધીને ૩૮૨૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શિવનંદ ઝાએ કહ્યું કે, રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૧ ગુનામાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૫૮૮ ગુનામાં કુલ ૮૪૩ લોકોની અટકાયત કરવામાં આવી છે.

આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૮ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૬૮૬ ગુના દાખલ કરીને ૧૪૨૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૯ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૬૪૭ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૧૪૨ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૨૬૮૨ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૪૪ સહિત આજદિન સુધીમાં કુલ ૧૧૫૭ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૪૫ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૯૨૮ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ગઈ કાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૧૯૭૪ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૮૭૮ ગુના તથા અન્ય ૭૩૩ ગુના મળી અત્યાર કુલ ૩૫૮૩ ગુનાઓ દાખલ કરી કુલ ૪૪૯૬ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૬૧૯૨ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૬,૮૬૬ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૬૯૪૪ અને અત્યાર સુધીમાં ૧,૯૪,૫૦૯ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો