વરસાદી માહોલમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ સાથે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી રહ્યા છે.

કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી ખાતે ભાદરવી મહામેળો સોળે કળાએ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ‘બોલ માડી અંબે… જય જય અંબે…’ના નાદ સાથે આગળ વધી રહ્યા છે. માતાજી ઉપરની વિરાટ શ્રધ્ધાના લીધે યાત્રિકો થાક કે વરસાદની પરવા વિના અંબાજી કૂચ ચાલુ છે. અંબાજીમાં દિવસ-રાત લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી રહ્યા છે.

દૂરદૂરથી પદયાત્રીઓ પહોંચે છે

ઉલ્લેખનીય છે કે, માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો દૂરદૂરથી ચાલતા આવે છે. આ વરસે પણ લાખો શ્રધ્ધાળુઓ દૂરદૂરથી અંબાજી આવી રહ્યા છે. બનાસકાંઠા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેએ મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

મેળામાં સુવિધાથી માઈભક્તો ખુશ

અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી મોટાભાગની એસ.ટી.બસો નવિન જોઇને યાત્રિકોને આનંદ થયો છે. કલેક્ટરના આ અભિગમની લોકોએ સરાહના કરી છે. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘેર જવામાં સરળતા રહે તે માટે એસ.ટી.વિભાગ 1100 જેટલી બસો ચલાવી રહ્યો છે. સરસ સુવિધાને પગલે યાત્રિકો પોતાના વતન સરળતાથી પાછા ફરી રહ્યા છે. મંદિર પરિસરમાં દર્શન માટે બે રેલીંગની સરસ સુવિધાઓ હોવાથી યાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતું નથી.

ગબ્બર પર 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો

ગબ્બર મુકામે પણ યાત્રિકોની વિશાળ સંખ્યા જોવા મળે છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલા 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો એક જ સ્થળે મળે છે જેનાથી માઇભક્તો ધન્ય બની રહ્યા છે.

રોશની અને લાઇટિંગના શણગારથી અંબાજીની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા

અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજીમાં જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા રોશની અને લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા અંબાજી તીર્થ સ્થાનની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. રોશનીને લીધે અંબાજી મંદિરની ભવ્યતા નિહાળી માઇભક્તોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી છે. યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તેમજ પ્રસાદ વગેરે મેળવી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. દૂર-દૂરથી પદયાત્રા દ્વારા ચાલીને આવતા ઘણા યાત્રિકો ભક્તિભાવપૂર્વક મંદિર પર ધજા ચડાવી ધન્ય બનતા જોવા મળે છે. ચાચર ચોકમાં બોલ માડી અંબે… જય જય અંબે…ના જયઘોષ સતત ગુંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તિભર્યા ભવ્ય માહોલની જમાવટ થઇ છે.

પદયાત્રીઓ માટે ભોજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

અંબાજી મહામેળા પ્રસંગે યાત્રિકોને જરૂરી સુવિધાઓ આપવા કલેક્ટર સંદીપ સાગલેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેવાભાવ સાથે યાત્રિકોને સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. સ્વચ્છતા, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, વિસામાકેન્દ્રો, સુરક્ષા, લાઇટિંગ, પરિવહન અને પાર્કિંગ, વિનામૂલ્યે ભોજન, દૂધ વિતરણ, સરળતાથી સારા દર્શન કરવાની સુવિધા સહિત તમામ વ્યવસ્થાઓ યાત્રિકોને સારી રીતે ઉપયોગી નિવડી રહી છે. લાખોની સંખ્યામાં યાત્રિકો આવવા છતા પણ અંબાજી મુકામે અને રસ્તાઓ ઉપર સારી સ્વચ્છતા જોવા મળે છે.
મેળામાં UGVCLની કામગીરી પ્રશંસનીય
અંબાજી મહામેળા પ્રસંગેલાખોની સંખ્યામાં યાત્રિકો સાત દિવસ દરમિયાન દૂરદૂરથી યાત્રાધામ અંબાજીમાં આવે છે. આ પ્રસંગે રસ્તાઓ ઉપર અને સમગ્ર અંબાજીમાં સતત વીજ પુરવઠો જાળવવાની પ્રશંસનીય કામગીરી યુ.જી.વી.સી.એલ પાલનપુરના સુપ્રિ.એન્જીનિયર એલ.એ.ગઢવીના નેતૃત્વમાં તેમની સમગ્ર ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે.

પદયાત્રિકો માટે આરોગ્યલક્ષી સુવિધાઓ

મેળા પ્રસંગે પદયાત્રિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવા માટે બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી કોટેજ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ખાતે 9 નિષ્ણાંનત ડોક્ટરો જેમાં ઓર્થોપેડીક, સર્જન, ફીઝીશીયન, પીડીયાટ્રીશીયન, એનેસ્થેટીક ડોક્ટરો તેમની ટીમ સાથે ઉપલબ્ધ છે. અંબાજી જતા રસ્તાઓ પર 31 સ્થળોએ સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. ઇમરજન્સી 108 અંતર્ગત 10 સ્થળોએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. મેડીકલ ઓફીસર, ફાર્માસીસ્ટ, સ્ત્રી આરોગ્ય કાર્યકર સહિત 168નો તબીબી સ્ટાફ કાર્યરત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો