ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇને મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રા નીકળી, હાઇવે પર ગૂંજ્યો મા ઉમાનો જયઘોષ

ઊંઝામાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇ રવિવારે મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો. સવારે 6 વાગે મોઢેરા રોડ સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરે દિવ્ય જ્યોતિરથમાં મા ઉમાની આરતી ઉતારી પાટીદારોની પદયાત્રાએ પ્રસ્થાન કર્યુ હતું. લાલ ટીશર્ટ અને ટોપીમાં સજ્જ માઇભક્તો તાલુકાના ગામે ગામથી મહેસાણા આવી પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રામાં 31 રથ, 10 ટેમ્પો, ટ્રેક્ટર, ઉંટલારીમાં ભજનમંડળીઓ, બગીરથ, ડીજે સાઉન્ડના તાલે પદયાત્રીઓ આગળ વધ્યા હતા. મોઢેરા સર્કલથી છેક ફતેપુરા રોડ સુધી ચાર કિમી લાંબી પદયાત્રા ફતેપુરા સર્કલે પહોંચતાં ચોમેર જનમેદની, વાહનોથી ટ્રાફિકજામ થયો હતો. અહીંથી ફતેપુરા, રામોસણા, મોટીદાઉ, નાનીદાઉ, ભાન્ડુ, લક્ષ્મીપુરા સહિતના ગામોના પાટીદારો પદયાત્રામાં જોડાયા હતા. રૂટ પર ઠેર ઠેર ચા-પાણી-નાસ્તા તેમજ ભોજનના કેમ્પ ગોઠવાયા હતા. દાઉ નજીક ઠાકોર સમાજે સેવાકેમ્પ કર્યો હતો. બપોરે 1 વાગે  ઉનાવા પહોંચી એપીએમસીમાં મા ઉમાનો ભોજન પ્રસાદ લઇ પદયાત્રીઓ સાંજના  4 વાગે ઊંઝા ધામે પહોંચ્યા હતા. જ્યાં ઉમિયા સંસ્થાનના હોદ્દેદારો દ્વારા પદયાત્રાનું સ્વાગત કરી ધજાનાં વધામણાં કરાયાં હતાં.

ઊંઝામાં નવા બંને ઓવરબ્રિજ મહાયજ્ઞને લઈ ખુલ્લા મુકાયા

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓ પધારવાની ધારણા છે. જેને ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ઊંઝા સ્ટેટ હાઇવેથી ઉમિયા માતાજીના મંદિરને જોડતા બંને ઓવરબ્રિજ માત્ર યાત્રિકો અવરજવર કરી શકે તે માટે રવિવારે બપોરે 12.39ના શુભ મુહૂર્તમાં વૈદિક પૂજાવિધિ બાદ ખુલ્લા મુકાયા હતા. અહીં પુલના છેડે નવીનભાઈ પટેલના હસ્તે વેદોક્ત મંત્રોચ્ચારથી વિધિવિધાન પૂર્વક પૂજન કરાયું હતું. આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાન હોદ્દેદારો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. પૂજન બાદ મા ઉમિયાનો રથનું ઓવરબ્રિજ ઉપર પ્રથમ પદાર્પણ કરાયા બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાયો ત્યારે લોકોએ મા ઉમાના જયજયકારથી માહોલ ગજવ્યો હતો.

ઉનાવા APMCમાં મા ઉમિયાના ભક્તો માટે ભોજન વ્યવસ્થા

લક્ષચંડી મહાયજ્ઞને લઇ મા ઉમિયાના મંદિરે દર્શને ઊંઝા, વિસનગર, મહેસાણા, સિદ્ધપુર તાલુકામાંથી 31 રથ શોભાયાત્રા રૂપે આવ્યા હતા. મહેસાણા તાલુકાના 21 રથ સાથેના સંઘોને ઉનાવા એપીએમસીમાં જમવાની વ્યવસ્થા કરાઈ હતી, જે ગામે તેમજ એપીએમસી અને સ્ટાફે ઉપાડી હતી. અહીં 21 હજારથી વધુ પદયાત્રીઓએ ભોજન પ્રસાદ લીધો હતો. તેમજ સિદ્ધપુર, ઊંઝા, વિસનગરથી આવેલા 10 રથો અને પદયાત્રીઓની ઉમિયા મંદિરમાં ભોજન વ્યવસ્થા કરાઈ હતી.

મહાયજ્ઞની માહિતીના રોજ પાંચ કરોડ ઈ-મેલ સાયબર ટીમ મોકલી રહી છે

ઊંઝા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞની ઝીણામાં ઝીણી માહિતી વિશ્વના ખૂણે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉમિયા માતાજી સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડાઇ રહી છે. રોજ પાંચ કરોડ ઈ-મેઇલ સોશિયલ મીડિયા મોકલી રહ્યું છે તેમ કમિટીના ચેરમેન હિતેશ જે. પટેલે જણાવ્યું હતું.  ચેરમેને જણાવ્યું કે, છેલ્લા પાંચ માસથી નિયમિત ઉમિયા માતાજી સંસ્થાન અને લક્ષચંડી મહાયજ્ઞના વિવિધ ધાર્મિક સમાચાર અને વિવિધ કાર્યક્રમોની માહિતી માઈભક્તો સુધી પહોંચાડવામાં આવે છે. ધર્મોત્સવના મોટા પ્રસંગોનું જીવંત પ્રસારણ કરી વિશ્વના તમામ લોકોને માતાજીના ધાર્મિક પ્રસંગ સાથે સાંકળવાનું કાર્ય થઇ રહ્યું છે.

પ્રથમ ચોવીસ કલાક ઉમિયા માતાજી નીજમંદિરથી માતાજીના લાઈવ દર્શનનો શુભારંભ કરાયો. લક્ષચંડી માહિતી સભર ઓડિયો વિડીયો કલીપો બનાવી માહિતી આપવાનું પણ કાર્ય સોશિયલ મીડિયા કમિટી દ્વારા થઇ રહ્યું છે. ઉપરાંત, ગુજરાત અને દેશ વિદેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સાડા ચાર હજારથી વધુ વોટ્સપ ગ્રુપ 150 ભાઈ/બહેનો દ્વારા સંચાલિત કરાઇ રહ્યું છે. શ્રી લક્ષમ વેબ એપ્લીકેશન પણ બનાવાઇ છે, જેમાં સ્વયંસેવકો એમના ઓફિસ કે ઘરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. મહોત્સવનું જીવંત પ્રસારણ ઉમિયા માતાજીના યુ-ટયુબ અને ફેસબુક પેજ umiyamatajiunjha પર થનાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો