કોરોનાના કપરા કાળમાં દર્દી માટે પરિવાર બન્યો પ્રાણવાયુ: પિતાને પોર્ટેબલ બાટલાથી પુત્રએ આપ્યો ઓક્સિજન, ચાર કલાક સુધી પુત્રવધૂએ રિક્ષામાં સાસુની સેવા કરી

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. દર્દીઓને સારવાર માટે ડોક્ટર પહોંચી શકતા નથી. ખાનગી હોસ્પિટલમાં બેડ મળતાં નથી. સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. દર્દી એમ્બ્યુલન્સ,ખાનગી વાહન, રિક્ષામાં ઓક્સિજન પર હોય છે. ત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીને બચાવવા માટે તેનાં સ્વજનો એડીચોટીનું જોર લગાવી દે છે અને સેવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ પણ ભુલાઈ જાય છે. દર્દીને પાણી આપવાથી લઇને ઓક્સિજન આપવા સહિત સ્વજનો જે સહાય કરે છે એ ડોક્ટરની સારવારથી જરા પણ કમ હોતી નથી.

દીકરાએ દી વાળ્યો, પિતાને પુત્રે પોર્ટેબલ બાટલાથી ઓક્સિજન આપ્યો

ગોંડલના ખાંડાધાર ગામના ગોવિંદભાઇ રામજીભાઇ ડાંગરને રવિવારે સવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમનાં પરિવારજનોએ ગોવિંદભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઓક્સિજનના બાટલા પણ ગોંડલમાં ઉપલબ્ધ નહોતા, અંતે, મેડિકલ સ્ટોરમાંથી ઓક્સિજનના પોર્ટેબલ બાટલા મળતાં એ ખરીદ કર્યા હતા. પરિવારના સભ્યે ગોવિંદભાઇને ખોળામાં સુવડાવી હાથથી પોર્ટેબલ બાટલાથી ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું અને તેણે બે પોર્ટેબલ બાટલાની મદદથી પ્રૌઢને હેમખેમ હોસ્પિટલે પહોંચાડ્યા હતા.

લગ્ન બાદ અનેક દીકરાઓ પોતાનાં માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેતા હોય છે, ત્યારે આજની યુવા પેઢીને પ્રેરણારૂપ આપતું એક દૃશ્ય એ સૌકોઈને લાગણીસભર બનાવી દીધા. પિતા કોરોનાગ્રસ્ત હતા. એમ્બ્યુલન્સ ન મળી તો પુત્ર ઈકો કારમાં પિતાને લઈને સિવિલ હોસ્પિટલે લાવ્યો. ઓક્સિજન ચાલુ હતો, પરંતુ પિતાને ગભરામણ થઇ અને પરસેવો વળતાં પુત્રએ પોતાના શ્વાસથી પિતાની ગરમી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાના પિતાને ઝડપથી સારવાર મળે એ માટે સતત ચિંતા કરતો રહ્યો હતો.

ચાર કલાક સુધી પુત્રવધૂએ રિક્ષામાં સાસુની સેવા કરી

રવિવારે સિવિલમાં કોરોનાગ્રસ્ત સાસુની સેવા માટે તેની પુત્રવધૂ ડોક્ટરથી પણ ચડિયાતી સાબિત થઇ. બાબરિયા કોલોનીમાં રહેતાં રંજનબેન ગોસાઈ કોરોના પોઝિટિવ આવ્યાં. તેઓ ઘરે જ આઈસોલેટેડ થયાં હતાં. રવિવારે તેમની તબિયત બગડી. એમ્બ્યુલન્સ ન મળી તો તેના પુત્ર અને પુત્રવધૂ રિક્ષામાં ચાલુ ઓક્સિજને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા. સવારે સિવિલમાં પહોંચ્યા બપોરે 1.00 વાગ્યા સુધી તેમને સારવાર ન મળી. 40 ડીગ્રીમાં પુત્રવધૂએ રંજનબેનને સારવાર ન મળી ત્યાં સુધી સાસુની સેવા કરી. સાસુને તડકો ન લાગે તે માટે રિક્ષામાં જ પડદો કર્યો અને ફાઈલની મદદથી સતત પવન નાખતા રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો