બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક કેરીની ખેતી કરનાર ખેડૂત

બહુચરાજીના ઉદ્યોગ સાહસિક અનિલભાઈ લાટીવાળાએ બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

બહુચરાજીથી સાત કિમી દૂર સીણજ ગામની સીમમાં 150 વીઘા જમીનમાં પથરાયેલા ઓર્ગેનિક ફાર્મમાં થતી કચ્છની મધમીઠી કેસર કેરીની સુવાસ આજે સમગ્ર ચુંવાળ પંથક ઉપરાંત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર સુધી પ્રસરી છે. અહીંની કેસર કેરીનો એકવાર સ્વાદ ચાખી જનારા તેના દિવાના બની જાય છે. એટલે જ આજે ફાર્મ પર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા વગેરે સ્થળોએથી ખાસ કેરીની ખરીદી માટે આવનાર સ્વાદરસિકોની સંખ્યા વધુ હોય છે. અહીં કેસર કેરીની સાથે ઓર્ગેનિક જામફળ, લીંબુ, ચીકુ અને આમળાની ખેતીમાંથી ખેડૂત વર્ષે 35થી 40 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

બહુચરાજીના અગ્રણી અનિલભાઈ લાટીવાળાનું પ્રહલાદજી શેઠ એન્ડ સન્સ નામે સીણજ ગામની સીમમાં ઓર્ગેનિક ફાર્મ આવેલું છે. પહેલા આ 150 વીઘા જમીનમાં બિલકુલ ખેતી થતી ન હોઇ ગાંડાબાવળ ઊગી નીકળ્યા હતા, અહીં ખેતી થઇ શકે તેવો વિચારી જ ન કરી શકાય એવી બંજર જમીનમાં સ્વભાવે સાહસિક અનિલભાઈએ ઓર્ગેનિક ખેતી કરવાનું સાહસ ખેડ્યું. એટલું જ નહીં પણ કાળી જમીન, ઓછો વરસાદ અને અપ્રમાણસર ગરમીના પડકાર વચ્ચે તેમણે કેસર કેરી કરવાનું નક્કી કર્યું. કહેવાય છે ને કે ‘સાહસ વિના સિદ્ધિ’ નહીં. તેમણે વર્ષ 2002માં 150 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતીના મંડાણ કર્યા. જેટલા લોકો અહીંથી નીકળે એટલા લોકો કહેતા કે શેઠને ઓર્ગેનિક ખેતીનું ભૂત વળગ્યું છે.

બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક કેરીની ખેતી કરનાર ખેડૂતબહુચરાજીના સીણજ ગામમાં બંજર જમીન, ઓછો વરસાદ અને કાળઝાળ ગરમી જેવા વિપરીત પ્રવાહોની સામે સફળ ઓર્ગેનિક કેરીની ખેતી કરનાર ખેડૂત વર્ષે લાખોની કમાણી કરે છે.

હિંમત હારે એ ખેડૂત શાનો. બંજર જમીનમાંથી ગાંડા બાવળ કાઢી આખી જમીન સરખી કરી નાખી, પછી તેમાં એક ભાગમાં છાણિયું ખાતર ભરી દીધું, નજીકમાં જ વિશાળ ખેત તલાવડી પણ બનાવી. આ જમીનમાં કચ્છની મધમીઠી કેસર કેરીના 4500 આંબા રોપ્યાં. ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ની જેમ સાત વર્ષે આંબે કેરીનો લીલોછમ પાક બેઠો. તે દિવસથી આજ દિન સુધી વર્ષે ત્રણથી સાડા ત્રણ હજાર મણ કેરીનો પાક ઉતરે છે. જેમાંથી તેમને 15થી 20 લાખની આવક થાય છે. ઓર્ગેનિક ખેતીના સફળ ખેડૂત અનિલભાઈ લાટીવાળાએ જણાવ્યું કે, અમારો ઉદ્દેશ ઓર્ગેનિક કેરી ઉત્પાદનનો છે, એટલે જ લગભગ 4500 અંબાને ડ્રીપ ઈરિગેશનથી જ પાણી આપીએ છીએ, જેનાથી પાણીનો બચાવ થાય છે. દવાનો બિલકુલ છંટકાવ કરતા નથી. આંબાના સંવર્ધન માટે માત્ર છાણિયા ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ. એટલું જ નહીં આંબા ઉપર ગમે એટલી કેરીઓ લટકતી હોય પણ કુદરતી રીતે ખરીને નીચે ન પડે ત્યાં સુધી ઉતારતા નથી.

કેરીનું ગ્રેડીંગ-પેકિંગ જાતે જ કરાય

મેનેજર બચુભાઈ પ્રજાપતિ કહે છે, કેરીઓ ભેગી કર્યા બાદ તેનું સોર્ટિંગ અને ગ્રેડીંગ કરાય છે, નાની-મોટી કેરી જુદી કર્યા બાદ 5 અને 10 કિલોના પેકિંગ કરાય છે. આ ફાર્મની ઓર્ગેનિક કેરી બહુચરાજી, કડી, દેત્રોજ, વિરમગામ, મહેસાણા વિસ્તારમાં ખૂબ જાણિતી છે. આ કેસર કેરીનો એકવાર સ્વાદ ચાખનાર લોકો છેક મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરથી ખાસ અહીં આવે છે.

જામફળ, ચીકુ, બોર પણ ઓર્ગેનિક

ઓર્ગેનિક ફાર્મમાં 50 વીઘામાં કેરીના 4500 આંબા, 35 વીઘામાં લીંબુના 3000, 30 વીઘામાં ગોલાબોરના 2000, 10 વીઘામાં જામફળના 500, 10 વીઘામાં ચીકુના 700 અને 10 વીઘા જમીનમાં આંબળાના 500 છોડ છે. આ તમામ છોડોને પણ ડ્રિપ ઈરીગેશનથી પાણી અપાય છે. આ ફળોમાંથી વર્ષે 35થી 40 લાખ રૂ.નું ઉત્પાદન ખેડૂત મેળવી રહ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો