ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં થાય છે ફાલસાની ખેતી

ઉત્તર ગુજરાતમાં વિજાપુર તાલુકાનું આનંદપુરા એક માત્ર એવું ગામ છે કે, જ્યાં ફાલસાની ખેતી થઇ રહી છે. ગામમાં 40 વર્ષ અગાઉ અંબાલાલ દ્વારકાદાસ પટેલ નામના શિક્ષકે માત્ર અખતરારૂપે ફાલસાની ખેતી કરી હતી. જે આજે ગામના 20 ખેડૂતોએ કાયમી ધોરણે અપનાવી લીધી છે અને દર વર્ષે માત્ર દોઢ મહિનાની મહેનતમાં લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

ઉ.ગુ.માં માત્ર આનંદપુરાના 20 ખેડૂતો ફાલસાની ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે

20 ખેડૂતો 20 વીઘામાં ફાલસાની ખેતી કરી રહ્યા છે

વિજાપુરના કુકરવાડા નજીક આવેલા આનંદપુરાના 20 ખેડૂતોએ 27 વીઘા કરતાં વધુ જમીનમાં ફાલસાની ખેતી કરી છે. ગામના ખેડૂત જીતુભાઇ સોમાભાઇ પટેલના જણાવ્યા મુજબ, એપ્રિલના અંતથી મે મહિનામાં મબલખ ઉત્પાદન મળી શકે છે. એક વીઘા જમીનમાંથી 40થી 100 મણ જેટલું ઉત્પાદન મેળવી શકાય છે. જેનો બજારભાવ 20 કિલોએ રૂ.2000થી માંડી રૂ.3000 સુધીનો મળે છે. ફાલસાની ખેતીમાં રોગ-જીવાતનો ભય રહેતો ન હોઇ તેમજ સારી માવજત કરાય તો બાગનું આયુષ્ય 35 થી 40 વર્ષ સુધીનું રહે છે.

ફાલસાનું વાવેતર આ રીતે કરી શકાય

– આ વાવેતર માટે બીજમાંથી રોપા તૈયાર કરવામાં આવે છે.
– ત્રીજા વર્ષથી ઉત્પાદન મળવાનું શરૂ થઇ જાય છે.
– ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે વર્ષમાં એક વખત કટીંગ કરવું.
– કટિંગ કર્યા બાદ તરત પિયત આપવું.
– છાણિયુ ખાતર, લીંબુડી કે પછી દિવેલાનો ખોળ આપી શકાય.
– ફુલ બેસવાનું બંધ થાય અને દાણાની શરૂઆત દેખાય ત્યારે પિયત આપવું, ત્યાર બાદ જમીનમાં ભેજના પ્રમાણને આધારે પિયત આપવા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો