રાજકોટના દંપતીનો અનોખો સેવા યજ્ઞ: 15 હજાર વોશેબલ માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક આપ્યા

કોરોના નામનો દૈત્ય આજે સમસ્ત વિશ્વને ધમરોળી રહ્યો છે. રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે માસ્ક અને સેનિટાઇઝર સક્ષમ પરિબળ બન્યા છે. સામાન્ય રીતે લોકો પોતાના હાથ રૂમાલ કે માસ્કથી મોઢું ઢાંકીને કોરોનાના સંક્રમણથી રક્ષણ મેળવે છે. પરંતુ ઘણાં જરીયાતમંદ લોકો એવા છે જે માસ્ક ખરીદી શકતા નથી. તેમના પ્રત્યે સંવેદના દાખવી રાજકોટના મૌસમીબેન કલ્યાણી માસ્કનો અનોખો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. તેઓ ગુણવત્તાયુક્ત સુતરાઉ કપડાંમાંથી વોશેબલ માસ્ક બનાવીને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે માસ્ક વિતરિત કરી રહ્યા છે. અત્યાર સુધીમા મૌસમીબેન 15 હજારથી વધુ માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોને આપી ચૂક્યા છે. આમ જોવા જઈએ તો એક માસ્કની પડતર કિંમત 10 -12 રૂપિયા છે. આથી 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ મૌસમીબેનને થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મૌસમીબેને હજારો માસ્ક જરૂરીયાત મંદ લોકોને પહોંચાડ્યાં

મૌસમીબેન કલ્યાણી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વિચાર તેમને દેશમાં જ્યારે પ્રથમ લોકડાઉન જાહેર થયું ત્યારે આવ્યો હતો. જો ઘરેથી સુતરાઉ કાપડના માસ્ક બનાવીને ગરીબો સુધી પહોંચાડવામાં આવે તો તેઓ માસ્ક પહેરી સંક્રમણથી બચી શકે છે. આ વિચારને સાર્થક કરવામાં તેમને પરિવારનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે. મૌસમીબેન ઘરે પોતાના સિલાઇ મશીનમાં ગુણવત્તાયુક્ત સુતરાઉ કાપડના માસ્ક બનાવવાનું શરૂ કરીને સેવાયજ્ઞનો શુભારંભ કર્યો હતો. સૌ પ્રથમ તેમણે રાજકોટની દરેક સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કર્યો અને જરૂરિયાતમંદ લોકોની યાદી મેળવી. યાદી મુજબ માસ્કનો જથ્થો તૈયાર કર્યો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી શરૂઆતમાં જ 1 હજાર જેટલા વોશેબલ માસ્ક બનાવીને પહોંચાડ્યા. ત્યારબાદ નિરંતર સેવાની સરવાણી શરૂ થઈ. જેનો આંકડો આજે 15 હજાર જેટલો થવા આવ્યો છે. હાલ સમગ્ર રાજકોટમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શોધીને કલ્યાણી દંપતી તેમને માસ્ક પહોંચાડી આવે છે. આ ઉપરાંત જેટલી પણ સેવાભાવી સંસ્થાઓ રાહત રસોડા ચલાવે છે. તેમના પણ પ્રત્યેક કાર્યકરોને તેમણે માસ્ક પ્રદાન કર્યા છે.

કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું અતિ આવશ્યક છે

મૌસમીબેને વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું અતિ આવશ્યક છે. મારો વોશેબલ માસ્ક બનાવવાનો એક જ હેતુ છે કે જરૂરિયાતમંદ લોકો રોગથી રક્ષણ મેળવી શકે. અન્યને મદદરૂપ થવું એ જ સાચો માનવ ધર્મ છે. આ સમયમાં જરૂરિયાતમંદ લોકોની મારે સેવા કરવી હતી. માસ્ક બનાવીને હું મારો માનવ ધર્મ નિભાવી રહી છું. તેમની વાતમાં સહમત થતા તેમના પતિ હેમાંગભાઈ કલ્યાણી જણાવે છે કે, હું મારી પત્નીના કાર્યને બિરદાવું છું, આપણી આસપાસ ઘણાં એવા લોકો હશે જેમની પાસે આવશ્યક ચીજવસ્તુઓનો પણ અભાવ હોય. આવા જરૂરિયાતમંદ લોકોને માસ્ક આપીને અમે એમને રોગના સંક્રમણથી બચાવવા માંગીએ છીએ.

લોકડાઉન-1 અને 2માં મૌસમીબેને 5 હજાર માસ્ક બનાવ્યા હતા

મૌસમીબહેને પહેલા અને બીજા લોકડાઉન દરમિયાન 5 હજાર જેટલા જરૂરિયાતમંદ લોકો સુધી તેમણે માસ્ક પહોંચાડી દીધા હતાં. તેમના આ ભગીરથ કાર્યમાં તેમને પોલીસ તંત્રનો પણ સહયોગ મળ્યો હતો. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. સેજલબેન પટેલે મૌસમીબેનના ઉત્કૃષ્ટ કાર્યની સરાહના કરી અને તેમના ધ્યાનમાં જે જરૂરિયાતમંદ લોકો હતા તેમને મૌસમીબેનના માધ્યમથી માસ્ક પહોંચાડ્યા. મૌસમીબેનના આ સેવાયજ્ઞમાં ઘણાં લોકો નાણાં પણ આપવા માંગતા હતા. પણ મૌસમીબેને બધાને એક જ વિનંતી કરી કે, જો કંઈ આપવું જ હોય તો ઉત્તમ કવોલિટીનું સુતરાઉ કાપડ આપો જેથી વધુને વધુ માસ્ક બની શકે અને જરૂરિયાત મંદ લોકોને માસ્ક મળી શકે. મૌસમીબેનના આ વિચારને અનુલક્ષીને મોઢ અગ્રણી ધર્મેશભાઇ જીવાણીએ 28 મીટર સુતરાઉ કાપડ અને ઉપયુક્ત માત્રામાં ઇલાસ્ટિક, હરેનભાઈ મહેતાએ 24 મીટર સુતરાઉ કાપડ અને રાધિકા સ્કૂલના ચેરમેન ભરતભાઈ ઢોલરિયાએ માસ્ક બનાવવા માટેનું રો-મટીરીયલ પ્રદાન કર્યુ છે. કલ્યાણી દંપતીએ માત્ર જરૂરિયાતમંદ લોકોને જ નહીં પરંતુ અનેક સેવાભાવી સંસ્થાઓને અસંખ્ય માસ્ક પહોંચાડ્યા છે. આમને આમ માસ્કના માધ્યમથી તેઓ માસની સેવા તેઓ કરતા રહે. ઉલ્લેખનીય છે કે મૌસમીબેન હાલ રાધિકા ડે સ્કૂલમાં એડમિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સંભાળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો