રાજકોટમાં મૈત્રી કરારથી યુવતીએ આઘેડનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી 28 લાખ પડાવ્યા, અંતે વૃદ્ધે કંટાળી આપઘાત કર્યો

રાજકોટની ભાગોળે બીજા રિંગ રોડ પર ફ્લેટમાં રહેતી ત્યક્તા જીજ્ઞાશાના ઘરે જાઇવાના 65 વર્ષના વૃદ્ધ ધનજીભાઇએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ત્યક્તાએ બે વર્ષ પૂર્વે વૃદ્ધ સાથે મૈત્રી કરાર કરી પોતાની જાળમાં ફસાવ્યા હતા અને ત્યક્તાના બે મળતિયાઓએ ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂ.28 લાખ પડાવ્યા હતા. વધુ પૈસાની માંગ કરી ધમકાવતા હોય કંટાળેલા વૃદ્ધે આપઘાત કરી લીધો હતો. જેમાં જીજ્ઞાશા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

ધનજીભાઇ મંદિર બનાવવાનું બિલ્ડર તરીકે કામ કરતા

ધ્રોલના જાઇવા ગામે રહેતા અને મંદિર બનાવવાનું બિલ્ડર તરીકે કામ કરતાં ધનજીભાઇ રામજીભાઇ કાસિયાણી (ઉ.વ.65) શુક્રવારે બપોરે પોતાના ગામથી રાજકોટમાં બીજા રિંગ રોડ પર રત્નમ રેસિડેન્સિમાં રહેતી તેની સ્ત્રી મિત્ર જીજ્ઞાશા (જાગુ) વસિયાણીના ઘરે જવા નીકળ્યા હતા. બપોરે જાગુએ 108ને ફોન કરી તેના ઘરે ધનજીભાઇ કાશિયાણીએ દવા પી લીધાનું કહેતા 108 દોડી ગઇ હતી અને વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત નીપજ્યું હતું. જાગુએ જાણ કરતાં ધનજીભાઇના પુત્ર બાલકૃષ્ણભાઇ સહિતના પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ ઠાકર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

જીજ્ઞાશાએ બે વર્ષ પૂર્વે છેતરપિંડી કરી ધનજીભાઇ સાથે મૈત્રી કરાર કરી લીધા હતા

બાલકૃષ્ણભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેના પિતા મંદિર બાંધકામના સ્પેશિયાલિસ્ટ હતા અને તેણે ગુજરાતમાં 500 જેટલા મંદિર બનાવ્યા હતા. જીજ્ઞાશાએ બે વર્ષ પૂર્વે છેતરપિંડી કરી ધનજીભાઇ સાથે મૈત્રી કરાર કરી લીધા હતા અને મૈત્રી કરાર બાદ જીજ્ઞાશા અને તેના બે સાગરીત બાબુ આહીર અને હરીયાએ મળી ધનજીભાઇને ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી આપી રોકડ અને દાગીના પડાવવાનું શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં 28 લાખ જેટલી રકમ પડાવી હતી. જીજ્ઞાશાના ઘરમાં જતા પહેલા ધનજીભાઇએ જાઇવા સ્કૂલના પ્રિન્સિપાલ અને તેના કાકા શાંતિલાલ કાશિયાણીને ફોન કરી જીજ્ઞાશા અને તેના બંને મળતિયાઓ બ્લેકમેઇલ કરતા હોવાની વાત કરી હતી અને પોતે જીજ્ઞાશાના ઘરમાં જઇ રહ્યાની જાણ કરી હતી, થોડીવાર બાદ ધનજીભાઇએ ફરીથી તેમના કાકાને ફોન કર્યો હતો અને જીજ્ઞાશા સહિતનાઓએ ઝેરી દવા પીવડાવી દીધાનું કહ્યું હતું. ધનજીભાઇને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધાનો કાશિયાણી પરિવારે આક્ષેપ કર્યો હતો, જોકે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં બ્લેકમેઇલિંગ કરતી ગેંગે વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કર્યાનું ખુલતાં પોલીસે જીજ્ઞાશા, બાબુ અને હરિયા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી જીજ્ઞાશા, બાબુ આહીર અને હરીયાની ધરપકડ કરી લીધી હતી.

આપઘાત કરતા પૂર્વે તેના પ્રિન્સિપાલ કાકાને ફોનમાં કરેલી અંતિમ વાતો

પ્રિન્સિપાલ:તું પોલીસ સ્ટેશને પહોંચી જા, આ બધું લખાવી દે,

ધનજીભાઇ:તમે મારી વાત ફોનમાં રેકોર્ડ કરો.

પ્રિન્સિપાલ:કાયદો આપણી પાસે છે, કોણ કોણ સંડોવાયા છે એના નામ તો દે.

ધનજીભાઇ:બાબુ, હરિયો અને જાગુડી, જાગુના ભાઇઓ ધ્રોલમાં રહે છે, બાબુ અને હરિયાના નંબર મારા મોબાઇલમાં છે.

પ્રિન્સિપાલ:ક્યાં જાશ તું આખું સરનામું કહે.

ધનજીભાઇ:રત્નમ રેસિડેન્સિ, એસઆરપી કેમ્પ સામે.

પ્રિન્સિપાલ:હજુ સુધી એ લોકો પૈસા પડાવે છે?, અત્યાર સુધીમાં કેટલા પડાવ્યા?

ધનજીભાઇ:25થી 28 લાખ.

પ્રિન્સિપાલ:તે આટલા બધા પૈસા આપ્યા તો પોલીસને જાણ કેમ કરી નહીં?

ધનજીભાઇ:મને ખબર જ ન પડી, એનો ફોન આવે અને કહે આવી જા.

પ્રિન્સિપાલ:ફોટો છે, એ નામે બ્લેકમેઇલિંગ કરે છે?

ધનજીભાઇ:હા ફોટા છે, વીડિયો પણ કદાચ હશે.

પ્રિન્સિપાલ:એણે ધમકી આપી છે?

ધનજીભાઇ:હા બાબુએ ત્રણ વખત ધમકી આપી હતી કે, ઝેર પીવડાવી મારી નાખશું.

પ્રિન્સિપાલ:સીધો પોલીસ સ્ટેશને જતો રહે, મારી સાથે પીએસઆઇને વાત કરાવ.

ધનજીભાઇ:હું અત્યારે એના ઘરે જાવ છું, આપણે એને પહોંચી શકી તેમ નથી.

પ્રિન્સિપાલ:અરે કાયદો બધે પહોંચી જાય છે, ગમે તેવા ખેરખાં કેમ નથી?, ભારતનો કાયદો મજબૂત છે.

ધનજીભાઇ:આપણા ગામનો નવલ મરી ગયો તેમાં પણ આ બાઇ હતી.

પ્રિન્સિપાલ:આપણો કાયદો મજબૂત છે. તને રક્ષણ આપશે, ધમજી મારું માન હો.

(બીજો ફોન) ધનજીભાઇ:મને દવા પીવડાવી દીધી છે, બોલાતું નથી, મારી ગાડી એણે પડાવી લીધી છે, કેટલાય દિવસથી કહેતી હતી પૈસા દઇશ, પૈસા દઇશ, કાંઇ દીધા નથી.

પ્રિન્સિપાલ:તું અત્યારે પોલીસ ચોકી જા, કઇ જગ્યાએ છો અત્યારે.

ધનજીભાઇ:અત્યારે હું એના ઘરની નીચે ઊભો છું..

પ્રિન્સિપાલ:ત્યાં શુ કામ જાશ?, એના ઘરે શું કામ ગયો?, તું ઝડપથી પોલીસ ચોકી જા, મારૂં માન તું. અમે ભેગા જ છીએ, એવું લાગશે તો આવશું. પોલીસ ચોકી જતો રહે, ત્યાં ઉભો રહેતો નહી.

અગાઉ પણ જીજ્ઞાશાએ પૈસા માગ્યા હતા

પોલીસે જણાવ્યું હતું કે, જીજ્ઞાશાએ બે વર્ષથી ધનજીભાઇ સાથે મૈત્રી કરાર કર્યા હતા. દોઢ મહિના પૂર્વે જીજ્ઞાશા જાઇવા ગામે પહોંચી હતી અને ધનજીભાઇના ઘરે જઇ પૈસાની માગ કરતા ધનજીભાઇના પરિવારજનોને સંબંધની જાણ થઇ હતી.

પાંચ લાખ આપી દેશું એટલે છોડી દેશે

પોસ્ટમોર્ટમ રૂમે હાજર લોકોમાં ચર્ચાતું હતું કે, બે દિવસ પૂર્વે ધનજીભાઇએ તેના પુત્રને ગામમાં આવેલી પોતાની વાડીએ બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, જીગુ અને તેના મળતિયાઓ રૂ. 5 લાખની માગ કરે છે, અને તેને રૂ.5 લાખ આપી દેશું ત્યારબાદ તેઓ છોડી દેશે હેરાન કરશે નહી. જીજ્ઞાશા અને તેની ગેંગે અન્ય લોકોને પણ આ રીતે ફસાવ્યાની શંકા સેવાઇ રહી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો