મોંઘવારી સામે ગૃહિણીઓનો આક્રોશ: મોંઘવારી રોજેરોજ વધી રહી છે, આને અચ્છે દિન કહેવાય? સરકારને બે હાથ જોડીને વિનંતી કે મોંઘવારી ઘટાડો

કોરોના મહામારી વચ્ચે પ્રજા અસહ્ય મોંઘવારીનો માર સહન કરી રહી છે. તાજેતરમાં રાંધણ ગેસ અને દૂધના ભાવમાં ફરીવાર વધારો થયો છે. 25 રૂપિયાના વધારા સાથે ગેસ સિલિન્ડરની નવી કિંમત 841 રૂપિયા પહોંચી છે. જ્યારે અમૂલે પણ એક લિટર દૂધના ભાવમાં રૂ.2નો વધારો કર્યો છે. આ ઉપરાંત શાકભાજી અનાજ-કરીયાણું, દૂધ, દહીં, તેલમાં પણ અસહ્ય ભાવ વધારો થયો છે. જેને પગલે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમાં પણ ગરીબ અને મધ્યમ વર્ગ પરિવાર માટે આ કમ્મરતોડ ભાવ વધારો સાબિત થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આવક વધતી નથી, સામે ખર્ચા વધી રહ્યા છેઃ હેમાંગીની પટેલ
અમદાવાદના ગૃહિણી હેમાંગીની પટેલે જણાવ્યું હતું કે રાંધણ ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે.દર 2-3 મહિના ભાવમાં વધારો થતો રહે છે.ઉપરાંત તેલના ડબ્બા અને દૂધમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. અમને જે ઘર ખર્ચ મળે છે તે ફિક્સ હોય છે. આવક વધતી નથી. પરંતુ સામે ખર્ચા વધી રહ્યા છે, જેના કારણે અમારા બજેટ પર અસર પડે છે. સતત ભાવ વધારાને કારણે અમારું બજેટ ખોરવાય છે. મહામારીની સ્થિતિમાં ભાવ ઘટાડાની જગ્યાએ ભાવ વધારો થઈ રહ્યો છે કે યોગ્ય નથી.

ભાવ ઘટાડી ન શકે તો ભાવ વધારો પણ ના કરેઃ નિલાબેન
જ્યારે નિલાબેન શાહે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને કારણે આર્થિક મુશ્કેલી વધી છે, સામે આ પ્રકારે ભાવ વધારો થઇ રહ્યો છે, જેનાથી હજુ બોજ વધશે. તાજેતરમાં દૂધના ભાવમાં વધારો થયો છે અને હવે ગેસના બાટલામાં 25 રૂપિયા વધશે. સરકાર ભાવ ઘટાડો ના કરી શકે તો ભાવ વધારો પણ ના કરે. તમામ વર્ગના લોકોને અત્યારે મુશ્કેલીમાં છે તો ભાવ વધારનો ના કરવો જોઈએ.

સિસ્ટમમાં ક્યાંક ખામી છેઃ અમીબેન
મોંઘવારીના માર અંગે રાજકોટમાં રહેતા અમીબેન ભટ્ટએ જણાવ્યું હતું કે, સતત વધતી મોંઘવારીથી લોકોના બજેટ ખોરવાયા છે. ઘરમાં એક વ્યક્તિ કમાનારા હોય છે અને આ કોરોનાકાળમાં આવા લોકોની પરિસ્થિતિ ખુબજ કફોડી બની છે. સિસ્ટમમાં ક્યાંક ખામી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું હતું કે, આજે અમીર માણસ વધુને વધુ અમીર થતો જઇ રહ્યો છે જ્યારે મધ્યમ વર્ગીય પરિવાર આ બધી મુશ્કેલીનો સામનો કરી મૂંઝવણમાં મુકાઇ રહ્યો છે. ભાવવધારા હાલની સ્થિતિમાં લાગુ ન થાય તેનું સરકારે ધ્યાન રાખવું જોઈએ.

મોંઘવારીએ માણસની કમર તોડી નાખીઃ હેતલ પટેલ
તો અન્ય ગૃહિણી હેતલ પટેલે જણાવ્યું હતું કે, સતત વધતી મોંઘવારીએ માણસની કમર તોડી નાખી છે અને કોરોનાએ લોકોને ઘૂંટણિયે પાડી દીધા છે ત્યારે લોકો જમીનદોસ્ત થાય તે પહેલાં સરકાર જાગે તો સારું. સરકારને બે હાથ જોડી વિનંતી છે કે ભાવ વધારા પર અંકુશ કરી મધ્યમ વર્ગીય પરિવારની ચિંતા કરે તો લોકો સરકારને ચૂંટણી સમયે મત આપી ફરી સતા પર બેસાડશે.

મોંઘવારી રોજેરોજ વધી રહી છે, આને અચ્છે દિન કહેવાય?
વડોદરાના હરણીમાં રહેતા ગૃહીણી પ્રિતબેન મકવાણાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં હાલત કફોડી બની છે. ત્યારે સરકાર રાહત આપવાને બદલે રોજેરોજ મોંઘવારીનો ડોઝ આપી રહી છે. બે દિવસ પહેલાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. તે બાદ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 25 નો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડિઝલમાં થઇ રહેલા ભાવ વધારાની સીધી અસર જીવન જરૂરી વસ્તુઓ ઉપર પડી રહી છે. શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. શાકભાજીના વિકલ્પ ગણાતા કઠોળમાં પણ ભાવ વધારો થયો હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. મોંઘવારી સાથે આવક વધતી હોય તો કદાચ અમે બે છેડા ભેગા કરીએ. પરંતુ, ઘરની આવકમાં કોઇ વધારો થતો નથી. અને મોંઘવારી રોજ રોજ વધી રહી છે. આને અચ્છે દિન કહેવાય?

સરકાર લોકોને રાહત આપવાને પદલે સરકાર પડતા ઉપર પાટુ મારી રહી છેઃ જાગૃતિબેન બોરીચા
શહેરના ગોત્રીમાં રહેતા ગૃહિણી જાગૃતિબેન બોરીચાએ જણાવ્યું કે, કોરોનામાં માંડ માંડ દિવસો પસાર કર્યા છે. સરકાર લોકોને રાહત આપવાને પદલે સરકાર પડતા ઉપર પાટુ મારી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત થઇ રહેલા વધારાના કારણે તમામ જીવન જરૂરી ચિજવસ્તુઓના ભાવોમાં વધારો થઇ ગયો છે. સવારે ઉઠીને જે પહેલાં જરૂર પડે તે દૂધના ભાવમાં વધારો થઇ ગયો છે. દૂધનો ભાવ સહન કરવાનો માંડ પ્રયાસ કર્યો ત્યાં ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો થઇ જતાં, હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. હવે મોંઘવારીનો માર વેઠવાની તાકાત રહી નથી. ઘરની આવક સામે કમરતોડ મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. સ્કૂલોમાં પણ ફી વધારો થઇ ગયો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે પ્રવર્તમાન સરકારમાં જીવવું મુશ્કેલ થઇ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો