કોરોનાના નામે બેવડા ધોરણ: નવરાત્રીમાં ગરબા નહીં થાય પણ ચૂંટણી પ્રચારમાં સભાઓ યોજાશે, ‘પ્રજા’પર પ્રતિબંધની લગામ અને રાજનેતાઓને ઉઘાડી છૂટ
કોરોના મહામારીના કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહીં એ માટે રાજ્ય સરકારે નવરાત્રીમાં કોઇપણ પ્રકારના ગરબા યોજાશે નહીં તેવી ગાઈડલાઈન જાહેર કરી છે. જ્યારે બીજી તરફ વિધાનસભાની 8 બેઠકો પરની પેટાચૂંટણી દરમિયાન પ્રચારની છૂટ આપવામાં આવી છે. જેને લઇને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી છે અને એ જ સમયે ચૂંટણી પ્રચાર થશે. એટલે કે નવરાત્રીમાં ઢોળ નહીં ઢબુકે, ગરબા નહીં રમાય, શેરી અને જાહેર ગરબા નહીં થાય પરંતુ ચૂંટણી પ્રચાર થશે, પ્રચારમાં ઢોલ પણ ઢબુકશે, રાજકીય પક્ષના કાર્યકર્તાઓ ગરબા પણ રમશે, સભાઓ કરશે અને ગ્રૃપ મીટિંગો પણ કરશે.
જાહેર કે શેરી ગરબા નહીં યોજાય
આજે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.
પેટાચૂંટણીમાં પ્રચાર માટે છૂટ
ગુજરાતમાં 8 બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે, જેની સામે જનતામાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે, કેમ કે 17 ઓક્ટોબરથી આવી રહેલા નવ દિવસના નવરાત્રી મહોત્સવ ઊજવવા પર પ્રતિબંધ મૂકાયો છે, તો બીજીબાજુ ચૂંટણીપંચે નવરાત્રીમાં જ રાજકીય પક્ષો ચૂંટણીપ્રચાર કરી શકે એ મુજબની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટેના ઉમેદવારીપત્ર 16 ઓક્ટોબર સુધી ભરવામાં આવશે, જયારે મતદાન 3 નવેમ્બરના રોજ યોજાશે. એ જોતાં નવરાત્રી દરમિયાન જ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે.
નવરાત્રી સહિતના તહેવારો માટે સરકારની ગાઈડલાઇન
- આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં.
- એટલે કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત યોજી શકાશે નહીં.
- નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય.
- આ માટે સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે.
- 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.
- કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.
- છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
- સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.
- થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાનાં રહેશે.
- હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.
- સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ હિતાવહ છે.
- જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.
ચૂંટણીની ગાઇડલાઇન
- ચૂંટણી સાથે જોડાયેલી કોઇ પણ પ્રક્રિયા વખતે માસ્ક પહેરવું જરૂરી રહશે.
- ચૂંટણી માટે ઉપયોગમાં લેવાતા રૂમ, હોલ અથવા કોઇ પણ એરિયાના ગેટ પર થર્મલ સ્કેનર, સેનિટાઇઝર, સાબુ અને પાણી રાખવું પડશે. દરેક વ્યક્તિનું સ્કેનિંગકરવામા આવશે.
- સરકારી નિર્દેશો પ્રમાણે સોશિયાલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી. તેના માટે મોટા હોલની પસંદગી કરીને સ્પોટ બનાવવામા આવે.
- ચૂંટણી અધિકારીઓ, સુરક્ષામાં લાગેલા લોકોના ટ્રાન્સપોર્ટેશન માટે કોરોના ગાઇડલાઇન અનુસાર જરૂરી સંખ્યામાં વાહનો રાખવા પડશે.
EVM/વીવીપેટ
- પહેલા અને બીજા EVM સાથે સંકળાયેલું દરેક કામ મોટા હોલમાં થવું જોઇએ.
- સેનિટાઇઝર જરૂરી માત્રામાં હાજર રહે.
- EVM/વીવીપેટની કામગીરી કરી રહેલા દરેક અધિકારીને ગ્લવ્ઝ ઉપલબ્ધ કરાવવામા આવે.
નોમિનેશન પ્રક્રિયા
- નોમિનેશન ફોર્મ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામા આવશે. તેને ઉમેદવારો ઓનલાઇન જ ભરી શકશે. તેની પ્રિન્ટ ચૂંટણી અધિકારીને સોંપવી પડશે.
- સોગંદનામુ પણ ઓનલાઇન દાખલ કરી શકાય છે. તેની પ્રિન્ટ પાસે રાખી શકાય છે. નોટરાઇઝેશન બાદ તેને નોમિનેશન સાથે ચૂંટણી અધિકારીને સોંપી શકાય છે.
- ઉમેદવાર ડિપોઝીટની રકમ ઓનલાઇન જમા કરાવી શકશે. કેશ આપવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.
- નોમિનેશન ફોર્મ સોંપતી વખતે ઉમેદવાર સાથે બેથી વધુ લોકો નહીં આવી શકે. તેમને બેથી વધુ ગાડીઓ લઇ જવાની મંજૂરી નહીં મળે.
- નોમિનેશન ફોર્મ લેવાની , તેની સ્ક્રૂટિની તેમજ ચૂંટણી ચિહ્ન આપવાની પ્રક્રિયા જ્યાં પૂર્ણ થાય ત્યાં પૂરતી જગ્યા રહે.
- ઉમેદવારોને અલગ અલગ સમયે બોલાવવામા આવે. ઉમેદવારો માટે વેઇટિંગ એરિયા પણ મોટો હોવો જોઇએ.
પોલિંગ બૂથ
- એક પોલિંગ બૂથ પર 1500ની જગ્યાએ 1000 મતદારોને જ બોલાવવામા આવે.
- વોટિંગના એક દિવસ પહેલા પોલિંગ સ્ટેશન સેનિટાઇઝ કરવામા આવે.
- દરેક બૂથના એન્ટ્રી પોઇન્ટ પર થર્મલ સ્કેનર લગાવવામા આવે. દરેક મતદારની એન્ટ્રી પર થર્મલ ચેકિંગ થાય.
- જો કોઇ મતદારનું પહેલું રીડિંગ નિર્ધારિત તાપમાનન કરતા ઉંચું આવે તો તેનું ટેમ્પરેચર ફરી માપવામા આવે. બીજી વખત પણ જો ટેમ્પરેચર વધારે આવે તો તેને ટોકન/સર્ટિફિકેટ આપીને વોટિંગના છેલ્લા કલાકમાં બૂથ પર આવવાનું કહેવામા આવે. વોટિંગના છેલ્લા કલાકમાં આ પ્રકારના મતદારોને વોટિંગ કરવાની સગવડ આપવામા આવે.
પોસ્ટલ બેલેટ દ્વારા કોણ મતદાન કરી શકશે ?
- દિવ્યાંગ.
- 80 વર્ષથી વધુની ઉંમરના લોકો.
- જરૂરી સેવાઓમાં સામેલ લોકો.
- કોરોના પોઝિટિવ/શંકાસ્પદ અથવા ક્વોરેન્ટીન કરવામા આવેલા લોકો
ચૂંટણી પ્રચાર કેવી રીતે થશે ?
- ઉમેદવાર ઘરે ઘરે જઇને ચૂંટણી પ્રચાર કરવા જાય ત્યારે સુરક્ષાકર્મી સિવાય 5થી વધુ લોકોને સાથે નહીં લઇ જઇ શકે.
- રોડ શો દરમિયાન કાફલાના એક ભાગમાં 5 ગાડીઓ જ રહી શકશે. અડધા કલાક બાદ 5 ગાડીઓનો બીજો કાફલો જઇ શકશે. પહેલા 10-10 ગાડીઓના 2 કાફલા વચ્ચે 100 મીટરના અંતરનો નિયમ હતો.
- કોરોના અંગેની ગાઇડલાઇનનું પાલન કરીને જ ચૂંટણી સભા આયોજિત કરી શકાશે. ચૂંટણી સભાના સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે નિશાન બનાવવામા આવશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલી સંખ્યાથી વધુ લોકો રેલીમાં સામેલ થઇ શકશે નહીં.
આ નિર્ણય અમારો નથી, ચૂંટણીપંચનો નિર્ણય છે, કોઈ ઉલ્લંઘન કરશે તો પંચ કાર્યવાહી કરશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણી થાય કે ન થાય આ નિર્ણય સરકાર નહીં, ચૂંટણી પંચ કરે છે. આ એક બંધારણીય પ્રક્રિયા છે. કોરોના ફેલાય નહીં એટલા માટે અમે ગરબા પર રોક મૂકી. લોકોના હિતમાં આ નિર્ણય છે. હું નેતાઓને કહેવા માગીશ કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. નિયમોનું ઉલ્લંઘન થશે તો ચૂંટણી પંચ કાર્યવાહી કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

