આઈટીઆઈમાં આદિમજૂથ યુવતીઓને તાલીમ સાથે કીટ આપવાની યોજનામાં ટ્રેનિંગ અને સિલાઈ મશીનની કીટ આપ્યા વગર ટ્રસ્ટે બોગસ બિલ મૂકી રૂ. 10 લાખનો ચેક ચૂકવી કૌભાંડ આચર્યું

વ્યારાની ઇન્દુ ગામની આઈટીઆઈમાં આદિમજૂથ યુવતીઓને તાલીમ સાથે કીટ આપવાની યોજનામાં 100 લાભાર્થીઓને સિલાઈ મશીન ટ્રેનિંગ અને મશીન આપવાની કામગીરી એક ટ્રસ્ટને આપી હતી, પરંતુ ટ્રેનિંગ અને સિલાઈ મશીન કીટ આપ્યા વગર ટ્રસ્ટે બોગસ બિલ બનાવી 10 લાખનો ચેક પાસ કરાવી લીધો છે. બીજી તરફ આઈટીઆઈએ પણ પૂરતી પૂર્તતા વગર ચેક આપી દેતા સિલાઈ મશીન પ્રકરણમાં કૌભાંડ બહાર આવ્યું છે.

તાપી જિલ્લામાં વસતા આદિવાસીઓ લોકો પગભર બને અને વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ મેળવી સ્વરોજગાર મેળવે એ માટે સરકાર વિવિધ ગ્રાન્ટ ફાળવી રહી છે. આ ગ્રાન્ટથી લોકોની સુવિધા હેતુથી વિવિધ ગ્રાંટ આઈટીઆઈ, રોજગાર કચેરીઓ, તાલુકા પંચાયત અને વિવિધ એનજીઓને ફાળવી દેવામાં આવે છે. અમલીકરણ અધિકારીઓ ગ્રાન્ટની ચૂકવણી સમયે પૂરતી તપાસ કરતા નથી અને એનજીઓને ગ્રાન્ટ ચૂકવી દેતા હોય છે. વ્યારાના ઇન્દુ આઈટીઆઈમાં મહિલાઓને સિલાઇ ટ્રેનિંગ અને સિલાઇ મશીન કીટ આપવા માટે અંદાજિત 14 લાખની ગ્રાન્ટ મળી હતી, જે ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટને કામ અપાયું હતું. અંદાજિત 100 ગરીબ આદિવાસી મહિલાઓને સિલાઇ માટે ટ્રેનિંગ અને સિલાઇ મશીન આપવાનું હતું, જે માટે ટ્રસ્ટે વ્યારાના છીંડિયા સહિત વિવિધ ગામોમાં મહિલાઓને ટ્રેનિંગ આપી, મશીન વિતરણ, નાસ્તો સહિતના ખોટા બિલ મૂકી 10,01,000 રૂપિયાનો ચેક લઈ લીધો હતો. ઇન્દુ આઈટીઆઈના અધિકારી દ્વારા બીલોની ખરાઈ કે લાભર્થીઓને મળ્યા વગર બિલ મંજૂર કરી ચેક આપી દેવામાં આવ્યો હતો. જે બાબતે દિવ્ય ભાસ્કરના પત્રકારને માહિતી મળતા વ્યારાના છીરમા ગામે લાભર્થીઓને મળતા કોઈને ટ્રેનિંગ અને સિલાઇ મશીન મળ્યા ન હોવાનું જણાવ્યું હતું.

ટ્રસ્ટે લાભર્થીઓની યાદી બનાવી મૂકી દેવાઈ હતી, જેમાં છીરમા ગામના મધુબેન કોટવાડીયાના નામે બે ફોર્મ ભર્યા હતા, જેમાં એક ફોર્મમાં મધુબેન અભણ હોવા છતાં તેમના નામની સહી અને એકમાં મધુબેનના અંગુઠો મરાયો છે. આઈટીઆઈમાં લાભાર્થીઓ યાદી બાબતે તમામના નિવેદનો લેવાઈ એ જરૂરી છે.

10 લાખની મજૂરી માટે ટ્રસ્ટ દ્વારા દુકાનના નામ પરંતુ દુકાનના એડ્રેસ વગરના 90,000, 8,00,000 , 31000, 45,000 અને 45,000ના બીલો મૂકી 10,01,000 ના બિલ મજુર કરાવવામાં આવ્યા હતા, જેમાં 2જી ફેબ્રુઆરી અને માર્ચ માસના ચાનું બિલ( 90,000) મૂકી દેવાયું હતું, જો ટ્રેનિંગ જ મળી ન હોય તો આટલી મોંઘી ચા કોણે પીધી…. ?

સિલાઇ શીખવવામાં આવશે અને તમને સિલાય મશીન આપી રોજગારી આપશે, એમ કહી આધાર કાર્ડ લઈ ફોર્મ પર સહી કરાવી ગયા હતા. પરંતુ આજ દિન સુધી કોઈ આવ્યું નથી. – રસમિકા કોટવાડીયા, છીરમા, વ્યારા

અમને કોઈ ટ્રેનિંગ નથી અપાઈ, સિલાઇ મશીન પણ મળ્યા નથી. આ વિસ્તારમાં અંદાજિત 22 જેટલા લોકોના આધાર કાર્ડ અને ફોટા લઇ ગયા હતા. અમને ટ્રેનિંગ અને સિલાઇ મશીન મળ્યા નથી. – આસ્કાબેન કોટવાડીયા, છીરમા, વ્યારા

અમારી પાસે આધાર કાર્ડ અને ફોટા લેવાયા છે. મને કોઈ ટ્રેનિંગ નથી અપાઈ કે નથી કોઈ સીલાઇ મશીન અપાયા નથી. હું કોઈ ચોપડી ભણેલી નથી, મારી સહી કોણે કરી એ પણ ખબર નથી. – મધુબેન કોટવાડીયા, છીરમા, વ્યારા

વ્યારા આઇટીઆઇ સાથે અન્ય આઈટીઆઈ ચાર્જમાં હોવાનું જણાવી આ સમગ્ર મામલે ધ્યાન ન આપી શકાયું. તમામ બિલોને ફરી ચકાસણી કરી નોટિસ આપવામાં આવશે. – શિલ્પા ચૌધરી, અમલીકરણ અધિકારી,આઈટીઆઈ ઈન્દુ ,વ્યારા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો