અનોખી સેવા: કોરોના મૃતકોની નનામી બાંધવા પણ કોઈ તૈયાર નથી, ત્યારે આ અમદાવાદી યુવાન નનામી બાંધવાથી લઈ ડેડબોડીને સ્મશાન સુધી પહોંચાડે છે

ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને પગલે હોસ્પિટલોથી લઈ સ્મશાનો હાઉસફૂલ છે. જે રીતે એકપણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી એ રીતે જ વેઈટિંગ ન હોય એવું કોઈ સ્મશાન નથી. જેને પગલે હવે લોકો પણ સ્મશાનમાં જતાં પણ ડરી રહ્યા છે. અન્ય લોકો તો દૂર રહ્યા કોરોના મૃતકના સ્વજનો પણ ડેડબોડી પાસે જતા ડરે છે. મૃતકની નનામી બાંધવા પણ તૈયાર થતા નથી. ત્યારે મૃતકના કોઈ કુટુંબના સભ્યો ન હોય તો અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલા સમ્રાટનગરમાં રહેતા મૃગેશભાઈ રસાણીયા પોતે સાજ-ખાપણની વસ્તુઓ લઈને મૃતકના ઘરે પહોંચી જાય છે. ત્યારબાદ સામાજિક રીત-રિવાજ મુજબ તેઓ અંતિમવિધિ માટે નનામી બાંધી સ્મશાન સુધી પણ લઈ જાય છે. કોરોનાકાળમાં તેઓએ આ સેવા બંધ નથી કરી અને બે મહિનામાં 53 મૃતકોની નનામી બાંધી સેવા કરી છે. 7 મૃતકોને તો મુખાગ્નિ આપ્યો છે.

મૃતકના મુખમાં ગંગાજળ મુકી અંતિમ વિધિ કરાવે છે

સમ્રાટનગરના નાનકડા ભાડાના મકાનમાં પત્ની અને એક દીકરા સાથે રહેતા મૃગેશ રસાણીયાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં લોકો હવે સ્મશાને જતા ડરે છે. તેઓમાં ડર છે કે સ્મશાનમાં હવે કોરોનાની ડેડબોડી આવે છે, જેથી તેને પણ ચેપ લાગી શકે છે. મૃતકના સ્વજનો ડેડબોડી પાસે જતા ડરતા હોય અથવા કોઈ કુટુંબના સભ્યો ન હોય ત્યારે મિત્રોની મદદથી તેઓ ત્યાં પહોંચી સામાજિક રીત-રિવાજ પ્રમાણે સાજ-ખાપણનો સામાન લઈ પહોંચી જાવ છું, કોઈપણ ડર વગર મૃતકની સન્માનપૂર્વક નનામી બાંધું છે. સાથે સાથે પવિત્ર ગંગાજળની બોટલ રાખે છે. મૃતકના મુખમાં ગંગાજળ પણ મૂકે છે. ઘણીવાર તો હું PPE કીટ પહેરીને પણ નનામી બાંધવા જાવ છું.

મૃતદેહને કાંધ આપવા પણ સગાં નથી આવતાં

શહેરના થલતેજમાં આવેલા સ્મશાનમાં એક મહિલાનું મૃત્યુ થતાં શબવાહિનીમાં મૃતદેહની અંતિમક્રિયા કરવા પતિ અને દીકરી બે જણ આવ્યાં હતાં. આવા સંકટના સમયે કોરોનાના સંક્રમણથી સ્વજનો પણ આવતાં ગભરાય છે. એવામાં કોઈના ખભે માથું મૂકીને રડી શકાય તેવાં સ્વજનો પણ સાથે ન હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.જ્યારે કેટલાક કિસ્સાઓમાં અન્ય સ્વજનો કોરોનાગ્રસ્ત હોવાથી શરીરમાં નબળાઈના લીધે કાંધ આપી શકે તેવી પણ સ્થિતિમાં ન હોવાથી પૈસા આપીને કાંધિયા બોલાવવા પડે તેવા મામલા પણ સામે આવી રહ્યા છે.

ફોન આવતાં જ રિક્ષા શોધવા નીકળી જાય છે

ફોન આવતાં જ મૃગેશભાઇ તત્કાલ રિક્ષા શોધીને સાજ ખાપણનો સામાન લેવા નીકળી પડે છે. પોતાનું ટુવ્હીલર અન્ય જગ્યાએ મૂકી તેઓ રિક્ષા પકડીને અવસાન પામેલાના ઘરે પહોંચી જાય છે. કેટલાક કિસ્સામાં અવસાન થયું હોય તે ઘરના લોકો તેમને કહી દે છેકે, તમે સાજખાંપણનો સામાન લઇ આવજો અને અમે તેમને તેની કિંમત ચૂકવી આપીશું. કેટલાક કિસ્સામાં જ્યાં આવી રકમ મળવાની શક્યતા ન હોય ત્યાં કેટલાક મિત્રો મૃગેશભાઇની મદદે આવે છે. તેઓ કહે છેકે, આ પરિવાર પાસેથી નાણાં નહીં લેતાં મારી પાસેથી જ મેળવી લેજો.

પરિવારને પૂછી સમાજ પ્રમાણે વિધિ કરે છે

સાવ સામાન્ય નોકરી કરતાં અને મણિનગરમાં ભાડાના મકાનમાં રહેતા મૃગેશભાઇના પુત્રને બાયપાસ સર્જરી કરવ્યા બાદ તેમને લાગ્યું કે, દુનિયામાં અનેક પ્રકારે લોકોની સેવા કરવી જોઇએ. છેલ્લા બે મહિનાથી તેમણે કોરોના દર્દીઓને હિંદુ ધર્મ પ્રમાણે અંતિમ વિધિ થાય તે માટે એક નવી જ પહેલ શરૂ કરી છે. જ્યારે પણ કોઇના ઘરેથી તેમના પર ફોન આવે કે તેઓ સાજ ખાપણના સામાન સાથે પહોંચી જાય છે. તેઓ પરિવારને પૂછીને તેમના સમાજ પ્રમાણે જે પણ જરૂરી વિધિ હોય તે કરે છે.

ચિતામાં ઘી-તલ પણ નાખે છે

કેટલાક પરિવારમાં જ્યાં માત્ર પુત્રી સંતાન જ હોય તો તેમને સાથે સ્મશાને લઇ જઇ તેમની પાસે પણ મૃતકને મુખાગ્નિ મુકાવે છે. કોઇ આખો પરિવાર ક્વોરન્ટીન હોય અથવા તો જે પરિવારના તમામ સભ્યો બહાર રહેતા હોય તો તેવી સ્થિતિમાં મૃગેશભાઇ પોતે જ પાર્થિવ દેહને મુખાગ્નિ મૂકે છે. તેઓ ચિતા પર મૃતદેહને સુવડાવીને તેને ઘી લગાવવું, તલ નાંખવા સહિતની પ્રક્રિયામાં જોડાય છે. જ્યાં કેટલાક કિસ્સામાં મૃતકની સાથે આવેલા સબંધીઓ પણ ગભરાતા હોય તેવી સ્થિતિમાં મૃગેશભાઇ મૃતદેહની તમામ કામગીરીમાં જોડાઇ જાય છે. તેઓ કહે છેકે, અનેક લોકોના પરિવારમાં કોઇ વ્યક્તિ નથી હોતી, ક્યાંક તો 4 કે 5માં માળેથી મૃતદેહને નીચે ઉતારવો અઘરો હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો