ભાગેડુ નિત્યાનંદે અહીં વસાવી લીધો છે પોતાનો આખે આખો દેશ! જાણો એની અલગ દુનિયાની અજીબ વાતો

પોલીસ ગુના માટે નિત્યાનંદને અહીં શોધી રહી છે ત્યારે સ્વામી કૈલાશ પર છે. એ પણ હિમાલયના કૈલાશ પર નહિ, ઈક્વાડોરના એક ટાપુના કૈલાશ પર. આ ટાપુને નિત્યાનંદ દુનિયાનો સૌથી મહાન અને સૌથી શુદ્ધ હિન્દુ દેશ કહે છે. આટલું જ નહિ, અમદાવાદમાંથી ત્રણ દિગ્ગજો નિત્યાનંદની સાથે ત્યાં જ વસી જાય તેવી શક્યતા છે. તમને જાણીને નવાઈ લાગશે કે બળાત્કારના આરોપમાં જેની શોધખોળ ચાલી રહી છે તે નિત્યાનંદે પોતાનો જ એક અલગ દેશ- રિપબ્લિક ઑફ કૈલાસા સ્થાપી દીધો હોવાનું જણાઈ રહ્યું છે. અમદાવાદની ત્રણ મોટી હસ્તી તેમનું કોર્પોરેટ કે સામાજિક જીવન છોડીને સ્વામી સાથે તેમના ટાપુ પર વસવા જતી રહે તેવી ચર્ચા છે.

અમારા સહયોગી અખબાર અમદાવાદ મિરરની તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે નિત્યાનંદના પૈસાદાર અને વગદાર ભક્તોએ ઈક્વાડોરની સરકાર પાસેથી એક ટાપુ ખરીદ્યો છે. આ ટાપુ દક્ષિણ અમેરિકા પાસે આવેલો છે. પોલીસને આશંકા છે કે નેપાળ રૂટથી ભારત છોડીને ભાગનાર નિત્યાનંદ હાલ ઈક્વાડોર છે. ઑફ ટોબાગો નામના ટાપુનું નામ બદલીને ‘રિપબ્લિક ઑફ કૈલાસા’ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર અહીં ફક્ત એ જ લોકોને એન્ટ્રી મળશે જેને ત્યાંના વડાપ્રધાન કે કેબિનેટ મંજૂરી આપશે. નિત્યાનંદ કેસમાં આ વળાંક ભગવાન શ્રી રજનીશ કે ઓશોની યાદ અપાવી દે તેવો છે જેમણે ઓરેગોનમાં પોતાની એક અલગ જ દુનિયા વસાવી હતી.

ટાપુને હિંદુ દેશ જાહેર કર્યા બાદ અમદાવાદમાં બાબાના એકદમ નજીકના ભક્તોને ‘વિશ્વના સૌથી મહાન અને શુદ્ધ હિંદુ દેશ’ની નાગરિકતા મેળવવા માટે મેઈલ પણ આવ્યો હતો. જો કે આ નાગરિકતા કંઈ બિનશરતી નથી. જે લોકો તેના ભક્ત હોય, તેના કામ માટે દાન કરતા હોય ફક્ત તેને જ ટાપુ પર એન્ટ્રી આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક જાણીતી સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ જે ‘મા’ તરીકે ઓળખાય છે તેને આ દેશની વડાપ્રધાન બનાવી દેવાઈ છે. કર્ણાટકમાં રેપના આરોપ બાદ ભાગી ગયેલો નિત્યાનંદ અત્યારે ત્યાં કેબિનેટ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યો છે. આ દેશને હજુ સુધી દુનિયામાં કોઈ અલગ ઓળખ મળી નથી. પરંતુ તેમની પાસે પોતાનો એક ઝંડો, પાસપોર્ટ અને ચિહ્નો છે. આ ઉપરાંત તેમનું રાષ્ટ્રીય પ્રાણી, પક્ષી, ફૂલ અને વૃક્ષ પણ જાહેર કરાયું છે.

કૈલાસાનું રાષ્ટ્રીય પ્રાણી નંદી છે જે શિવજીનું વાહન મનાય છે. ત્યાંનું રાષ્ટ્રીય પક્ષી શરબમ છે જે પાંખવાળા સિંહ જેવું લાગે છે. જો આ દેશને બીજા બધા દેશો દ્વારા માન્યતા મળશે તો તે પૌરાણિક ચિહ્નને રાષ્ટ્રીય ચિહ્ન બનાવનાર ચીન પછી બીજો દેશ બની જશે. તેના ધ્વજને રિષભ ધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. તેના પર નંદી અને નિત્યાનંદ સોનાના સિંહાસન પર બેઠા હોય તેવો ફોટો છે. રાષ્ટ્રીય ફૂલ કમળ છે જ્યારે રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. નિત્યાનંદના દેશમાં ત્રણ ભાષા બોલાશે. મુખ્ય ભાષા અંગ્રેજી હશે, બીજી સંસ્કૃત અને ત્રીજી તામિલ.

વેબસાઈટના દાવા મુજબ આ દેશને કોઈ સીમા ન હોવાથી રિપબ્લિક ઑફ કૈલાસામાં 10 કરોડ શૈવ પંથીઓ અને 2 અબજ હિંદુઓની વસ્તી છે. મિરરે બે જુદા જુદા પ્રકારના પાસપોર્ટના ફોટા મેળવ્યા છે જે સ્વામી નિત્યાનંદની કેબિનેટની સઘન તપાસમાંથી પસાર થયા બાદ જ વ્યક્તિને આપવામાં આવે છે. અહીંના નાગરિકોને એવો કૈલાસા પાસપોર્ટ આપવામાં આવશે જે, “પરમશિવની કૃપાથી પાસપોર્ટ ધારકને 10 દિશા અને ચૌદ લોકમાં મફત પ્રવેશની પરવાનગી આપશે.”

ભારતથી વિરુદ્ધ રિપબ્લિક ઓફ કૈલાસાની સરકાર સાવ અલગ હશે. ત્યાં એક કેન્દ્ર સરકાર જ હશે જેના વરિષ્ઠ અધિકારીઓ તરીકે સેક્રેટરી અને અંડર સેક્રેટરીઓની નિમણૂંક કરવામાં આવશે. વેબસાઈટ પર ઉલ્લેખ છે કે કૈલાશ ચળવળ અમેરિકામાં શરૂ થઈ હતી. તેમાં 10 વિભાગ હશે જેમાં શિક્ષણ, નાણાં, વાણિજ્ય વગેરેનો સમાવેશ થાય છે. નિત્યાનંદની ઑફિસે આંતરરાષ્ટ્રીય સંબંધો અને સોશિયલ મીડિયા પર ડિજિટલ એન્ગેજમેન્ટના ખાતા પોતાની પાસે રાખ્યા છે. ત્યાંની સરકારે સનાતન હિંદુ ધર્મને પુનઃજીવન આપવા માટે એક અલગથી ખાતુ બનાવ્યું છે.

આ દેશનો દાવો છે કે તેમનું અર્થતંત્ર ધાર્મિક અર્થતંત્ર હશે. નિત્યાનંદે સંસ્થામાં દાન માટે એક હિંદુ રિઝર્વ બેંકની સ્થાપના કરી છે. તેનો ધ્યેય દાનની રકમને ક્રિપ્ટો કરન્સીમાં પરિવર્તિત કરવાનો છે. વેબસાઈટના દાવા મુજબ નિત્યાનંદનો દેશ ત્રાહિત હિંદુઓ માટે અંતિમ શરણ છે. તેમાં લખ્યું છે, “ઈતિહાસ મુજબ 56 દેશ અથવા હિંદુ રાષ્ટ્રીય જૂથમાં નેપાળ, ભૂટાન, શ્રીલંકા, કાશ્મીર અને કંબોડિયાનો સમાવેશ થાય છે. તેમાં 200 રાજ્યો, 1700 સંસ્થાન અને 10,000 સંપ્રદાય રહેલા છે. કૈલાસા એક એવો બિનરાજકીય દેશ છે જેનું ધ્યેય સમગ્ર માનવજાતને જાગૃત કરવાનું છે. આ ધ્યેય પૂરુ કરવા માટે તે પ્રાચીન હિંદુ સંસ્કૃતિને જાળવવા અને ફરી પ્રચલિત બનાવવા માંગે છે .”

નિત્યાનંદની વેબસાઈટ પર તેના જીવનના સંઘર્ષની વાત છે. વેબસાઈટ પર આરોપ મૂકાયો છે કે બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક વડા દલાઈ લામાએ જે રીતે ચીનથી ભાગીને તિબેટમાં શરણ લેવી પડી એવું જ ભારતમાં નિત્યાનંદ સાથે કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો