નિર્દય માતાનું અમાનવીય કૃત્ય, માનવતા સબસે બડા ધર્મ લખેલી થેલીમાં માનું અમાનવીય કૃત્ય

ફતેપુરા તાલુકામાં પૂત્રી જન્મની દાઝથી અથવા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને ‘માનવતા મોટો ધર્મ ’ લખેલી થેલીમાં ભરીને બલૈયાની સુકીના નદીના પુલ ઉપરથી ફેકીને કોઇ વ્યક્તિ દ્વારા અમાનવિય કૃત્ય કરવામાં આવ્યું હતું. રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિ મુજબ શાલમાં વીટાળેલી હોવાથી માથામાં અતિ સામાન્ય ઇજા બાદ બાળકી ઉગરી ગઇ હતી.

દાહોદના સુખસરમાં બાળકીના જન્મ બાદ જનેતા માનવતા ચૂકી, નવજાત બાળકીને પુલ ઉપરથી ફેંકી પણ શાલમાં વીટાળેલી હોવાથી બચાવ

બુધવારે સવારના નવેક વાગ્યાના અરસામાં બલૈયા ગામમાં રહેતો કિશોર બલૈયા સુકી નદીના પુલ નીચે કુદરતી હાજત માટે જતાં ઝાડીઓમા બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો. તેણે પુલ ઉપરથી પસાર થતાં યુવકને આ બાબતની જાણ 108ને બોલાવાઇ હતી. ઇ.એમ.ટી. ધર્મેશ પ્રજાપતિ તથા પાયલોટ દિલીપસિંહ ચૌહાણ પહોંચી ગયા હતા અને પ્રાથમિક સારવાર બાદ આ નવજાત બાળકીને ફતેપુરા સી.એચ.સી.માં ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે સંતરામપુરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી સંતરામપુર સરકારી દવાખાનામાં લઇ જવામાં આવી હતી.

હાલ તેની સારવાર ચાલુ છે તેમજ બાળકીની તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે. બાળકીને ત્યજવા માટે થેલીમાં ભરનારે પુલ ઉપરથી નીચે ઝાડી ઝાંખરામાં નાખતા માથામાં ઇજા થઇ હતી તેમજ તેનો જમણો હાથ પણ વાંકો જોવા મળ્યો હતો. શાલમાં વીટાળેલી હોવાથી બાળકીને બચાવ થયો હતો. અધમ કૃત્ય આચરી ફરાર થનારાઓ સામે ઉપસ્થિત લોકો ફિટકારની લાગણી વરસાવતા જોવા મળ્યા હતા. આ મામલે સુખસર પોલીસ પણ એક્શનમાં આવી છે.

બાળકીની તબિયત સારી છે

સવારના 8.56 કલાકે બલૈયા સુકી નદીના પુલ નીચે થેલીમાં જીવીત નવજાત બાળક હોવા અંગેનો કોલ મળતાં ત્યાં પહોંચી ગયા હતા અને અમોએ તાત્કાલિક સ્થળ ઉપર જઇ કબજો મેળવી પ્રાથમિક સારવાર બાદ ફતેપુરા સી.એચ.સી. અને ત્યાંથી વધુ સારવાર માટે સંતરામપુર સરકારી દવાખાનામાં લઇ ગયા હતા. જ્યાં બાળકીની તબીયત સારી છે.-ધર્મેશ પ્રજાપતિ, ઇ.એમ.ટી. 108 એમ્બ્યુલન્સ બલૈયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો