અમદાવાદના નવા મેયર કુંવારા અને સંઘના સ્વયંસેવક, ચાલીના એક રૂમના છાપરાંવાળા મકાનમાંથી AMCનો વહીવટ સંભાળશે, મેયર બંગલોમાં નહીં રહે

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદે હિતેષ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપનેતા બન્યાં છે. અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે એક મેસેજ આપ્યો છે. ગરીબ પરિવારમાંથી આવતી વ્યક્તિ પણ શહેરનું સર્વોચ્ચ સ્થાન પામી શકે છે. નવા મેયર કિરીટ પરમાર ચાલીની અંદર છાપરાંવાળા એક રૂમના મકાનમાં રહે છે. સંઘના સ્વયં સેવક એવા કિરીટ પરમાર કુંવારા છે. તેઓ મેયર બંગલોમાં રહેવા ન જવાના હોવાથી એક રૂમના મકાનમાંથી અમદાવાદનો વહીવટ કરશે.

ભાજપે સામાન્ય માણસ પણ કોર્પોરેટર બની શકે છે એવો એક મેસેજ આપ્યો છે. ત્યારે શહેરના નવા મેયર વિશે પણ લોકોને જાણવાની જિજ્ઞાશા હોય છે. આ વખતે અમદાવાદના મેયર કોઈ પોશ વિસ્તારમાંથી નહીં, પણ સામાન્ય વિસ્તારની એક ચાલીમાં રહેતો સામાન્ય માણસ છે. શહેરના બાપુનગર વિસ્તારમાં સ્થિત સ્લમ ક્વાર્ટર પાછળ હીરાભગતની ચાલી ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આ ચાલીના છાપરાંવાળા મકાનમાં શહેરના નવા નગરપતિ રહે છે.

કિરીટભાઈ રોજ સવારે નિયમિતપણે RSSની શાખામાં જાય છે. તેઓ છેલ્લી બે ટર્મથી કોર્પોરેટર છે. કોર્પોરેટર બન્યા બાદ સૌકોઈની લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે, પરંતુ કિરીટ પરમાર આજે પણ છાપરાંવાળા ઘરમાં રહે છે. આ ઘરમાં કોઈ સોફા કે રાચરચીલું નથી, પરંતુ માત્ર જીવનજરૂરિયાત સિવાયની કોઈ વસ્તુ નથી. આ મકાનમાં તેઓ એકલા જ રહે છે. કિરીટભાઈને સ્પોર્ટ્સનો પણ શોખ છે. મ્યુનિસિપાલિટી તરફથી તેમને વાર્ષિક રમતોત્સવમાં શ્રેષ્ઠ બોલરનું ઈનામ પણ આપવામા આવ્યું છે. તે ઉપરાંત તેઓ ગણેશોત્સવ જેવા ધાર્મિક કાર્યોમાં પણ આયોજક રહી ચુક્યા છે અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે.

મેયર બનનાર કિરીટ પરમારે કહ્યું હતું કે હું પક્ષનો આભારી છું. સામાન્ય પરિવાર અને ચાલીમાં જન્મ લઈને કોર્પોરેશનની સ્કૂલમાં ભણનાર, નાના પરિવારમાંથી આવનાર માણસને શહેરની પ્રતિષ્ઠિત પોસ્ટ પર બેસાડવા માટે હું ભાજપનો આભારી છું. હું ત્રણ વોર્ડમાંથી ઈલેક્શન લડ્યો છું. ત્રણેયમાંથી જીતીને આવ્યો છું. અહીંની ભૌગોલિક સ્થિતિથી હું વાકેફ છુ. કોર્પોરેશનના વિકાસનાં કામ ચાલી રહ્યાં છે, તેથી નાના માણસો સુધી પહોંચી શકીશ. ડેપ્યુટી મેયર બનનાર ગીતા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને પાર્ટીનો જે આદેશ હશે એ મુજબ શહેરનું સારી રીતે કામ કરીશ. નિષ્ઠાથી કામ કરીશ.

પૂર્વ મેયર અને હાલ પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય કાનાજી ઠાકોરને જ્યારે સત્તા મળી ત્યારે પણ તેઓ બંગલોમાં રહેવા જવાને બદલે એક રૂમમાં રહેતા હતા. આજે પણ તેઓ એ જ રૂમમાં રહે છે. એક સમયે રેલવેકર્મચારી એવા કાનાજી જ્યારે સક્રિય રાજકારણમાં આવ્યા ત્યારે જ ચૂંટણીઓ પાછી ઠેલાતાં બેકાર પણ બની ગયા હતા, જેને પગલે ખાવાનાં પણ ફાંફાં પડી ગયાં હતાં. કાનાજી ઠાકોરની સ્વચ્છ છબિ ધરાવતા નેતાઓમાંના એક છે. તેમની સક્રિય રાજકારણમાં એન્ટ્રીની પણ રસપ્રદ ઘટના છે.

રાજકારણમાં આવ્યા બાદ તેમણે ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. તેઓ હાલ શહેરના મધ્યમાં આવેલા મધુપુરાગામના ઠાકોર વાસમાં પરિવાર સાથે રહે છે. બે વાહન માંડ જઇ શકે એવી સાંકડી ગલીમાં જતાં ખૂણામાં કાનાજી ઠાકોરનું ઘર આવેલું છે. કાનાજી રોજ જય રણછોડ કહેતાં કહેતાં સમગ્ર શહેરમાં ફરે છે. લોકો તેમને જોઈને ટોળે વળે છે, પણ તેઓ સામાન્ય વ્યક્તિ નહિ, પણ પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય છે. જેઓ ટિકિટ વહેંચણી અને મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવામાં તેમનો અભિપ્રાય આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો