રાજકોટમાં અધૂરા મહિને જન્મેલ બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી કોરોના સામે મેળવી જીત

રાજકોટના ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી હતી. બાળક હસતું રમતું હોય તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પિંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું શરીર કોઈ પણ હિંમતવાનને હચમચાવી દેવા માટે પૂરતું છે. આ પરિસ્થિતિમાં બાળકે નવજીવનની હિંમતભેર શરૂઆત કરી. માત્ર 14 દિવસમાં સિવિલના પીડિયાટ્રિક વિભાગના દેવદૂતોએ બાળક અને તેના પરિવારજનોની આ પીડાનો અંત લાવી ફરી ખુશીની લહેર લહેરાવી છે. સારીકાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રિમેચ્યોર ડિલિવરી કરવાની ફરજ પડી હતી.

બાળકના માતા સારીકાબેન સોરઠીયા અને પિતા ભાવિનભાઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારીકાબેન ગર્ભવતી હોય તેમને ખાનગી દવાખાનામા સારવાર દરમિયાન સંજોગોવસાત પ્રિમેચ્યોર ડિલિવરી કરવી પડી હતી. બાદમાં બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવિડ હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું. જન્મ સમયે બાળકનું વજન માત્ર બે કિલો હતું. બાળકની પરિસ્થિતિ ગંભીર હોય સિવિલના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની ખાસ સારવાર શરુ કરવામાં આવ્યું હોવાનું ડો. કોમલ મેંદપરાએ જણાવ્યું હતું.

ડો. કોમલે વધુમાં જણાવ્યું છે કે, બાળકની સારવાર માટે તમામ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં ડી-ડાઈમર, એફ. ફેરિટિનમાં વધુ વેલ્યુ આવતા તેને ખાસ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં. શરૂઆતમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ સ્થિતિ સુધરતા તેને શરૂઆતમાં એર-વે અને ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન બાળકને માતાનું દૂધ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકની રિકવરી ખૂબ ઝડપથી થતા 14 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી.

રાજકોટની સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા અને ઈન્ચાર્જ અધિક્ષક ડો. પંકજ બૂચના જણાવ્યા અનુસાર ત્રણ દિવસનું જ બાળક કોરોના પોઝિટિવ સાથે દાખલ કર્યું હતું. માત્ર 2 કિલો વજન ધરાવતા આ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી એટલે ડો.કોમલ અને ડો. આરતીએ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી અને અલગ પ્રકારના ટેસ્ટ કર્યા હતા. જેમાં ડી ડાઈમર સહિતના માર્કર વધુ આવ્યા હતા એટલે કે તેના લોહીમાં ગઠ્ઠા થઈ રહ્યા હતા. લોહી પાતળું કરવા માટે ઈન્જેક્શન અપાયા હતા અને અમે ત્રણેય સતત બાળક પર નજર રાખી રહ્યા હતા અંતે ધીરે ધીરે વેન્ટિલેટર મૂકી ઓક્સિજન પર આવ્યું હતું. ત્યારબાદ તેને ડિસ્ચાર્જ કરાતા હાલ ખાનગી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે.

અમે બંને પોઝિટિવ હતા એટલે ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. આ દરમિયાન સારિકાની તબિયત બગડતા ડિલિવરી કરવી પડી હતી. અમે બાળકને અડ્યા નથી અને તેને સીધો જ બાળકોની હોસ્પિટલમાં લઈ ગયા હતા. બે દિવસ પછી ખબર પડી કે તે પોઝિટિવ છે. અમારી સાથે આ વિચિત્ર અને યુનિક ઘટના બની હતી. જો કે અમે જીત મેળવી અને હાલ તબિયત સુધરી રહી છે. તેથી અમે આહાન નામ રાખ્યું બધા કહે છે કે યુનિક નામ છે. આ નામનો અર્થ સૂર્યનું પહેલું કિરણ છે, અને સાચે જ આહાન એક નવી આશા સાથે અમારા જીવનમાં આવ્યો છે. – ભાવિનભાઈ સોરઠિયા

બાળકોને ગર્ભમાં કોરોનાનો ચેપ લાગે તેવું હજુ સુધી બન્યું નથી. રાજકોટમાં જ 50 કરતા વધુ પોઝિટિવ દર્દીઓની ડિલિવરી થઈ છે તેમાંથી એક જ બાળક પોઝિટિવ આવ્યું છે. એવું પણ બની શકે કે આ બાળક પ્રિ-મેચ્યોર હતું અને તેવા કિસ્સામાં બાળકના ફેફસાં નબળાં હોય છે અને જો સહેજ ઈન્ફેક્શન લાગે તો સ્થિતિ બગડી જાય છે. – ડો. કમલ ગોસ્વામી, સિવિલ હોસ્પિટલ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો