ભાજપ-જનસંઘને જે કરતા 39 વર્ષ લાગ્યા તે આમ આદમી પાર્ટીએ 9 વર્ષમાં કરી દીધું

દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસનું છેલ્લાં ઘણા સમયથી ધોવાણ થઇ રહ્યું છે અને તેની સામે આમ આદમી પાર્ટી ધીમે ધીમે પણ મક્કમ ગતિએ આગળ આવી રહી છે.રાજકારણના જાણકારોનું માનવું છે કે ભાજપ માટે હવે ખતરાની ઘંટડી કોંગ્રેસ નહી, પણ આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસ તો આઝાદીના પહેલાથી જ હતી પરંતુ તેની સામે ટક્કર ઝીલીને જનસંઘ ભાજપે આગળ આવવા વર્ષો સુધી મહેનત કરી પડી જેની સામે આમ આદમી પાર્ટી ખૂબ ઝડપથી આગળ આવી છે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાની 4 રાજ્યોમાં સત્તા જાળવી રાખી છે. પંજાબ તો આમ પણ પહેલેથી ભાજપનું નહોતુ, આ વખતે પણ ન થયું. પરંતુ આમ આદમી જેવી નવી પાર્ટીએ દિલ્હીની જેમ સત્તારૂઢ કોંગ્રેસના પંજાબમાં સુપડા સાફ કરી નાંખ્યા.

આજે ભલે કોંગ્રેસની રાજકીય સ્થિતિ ખરાબ દેખાઇ રહી છે, પરંતુ દેશને અંગ્રેજાના શાસનમાંથી આઝાદ કરવામાં કોંગ્રેસના યોગદાનને ભુલી શકાય તેમ નથી. આઝાદી સમયે અને તે પછી પણ લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનો ગર્વ કરતા હતા.કોંગ્રેસ એક પક્ષ સાથે એક વિચારધારા પણ હતી. ભારતમાં રાજકીય ચળવળની પ્રારંભિક પરંપરાનો પાયો આઝાદી પહેલા નંખાયો હતો. આમા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું વિશેષ યોગદાન છે.

કોંગ્રેસ દેશની પહેલી અને સૌથી મોટી રાજકીય પાર્ટી છે. આઝાદી પછી લગભગ 75 વર્ષમાં આ રાજકીય પક્ષની દેશમાં સૌથી વધુ સરકાર રહી. દેશના બંધારણની રચનાથી લઇને દેશની દરેક વ્યવસ્થામાં કોંગ્રેસની છાપ જોવા મળે છે. દેશના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ નેતાઓ, ભલે પછી તેઓ આઝાદીના આંદોલન સાથે જોડાયેલા હોય કે આઝાદી પછી, બધાના મૂળ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા.જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષ ચંદ્ર બોઝથી લઇને અનેક મોટા નામો છે જેમના રાજકીય જીવનની શરૂઆત કોંગ્રેસથી શરૂ થઇ હતી.

કોંગ્રેસની સ્થાપના 1885માં એક અંગ્રેજ એઓ હ્યુમે કરી હતી. કોંગ્રેસની રચના પછી અનેક પાર્ટી તુટી, વિરવિખેર થઇ, અનેક વખત પડી, પરંતુ આજ સુધી તેનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહી.

હવે આમ આદમી પાર્ટીની વાત કરીએ. વર્ષ 2011માં India Against Corruption નામની સંસ્થાએ અણ્ણા હજારેના નેતૃત્વમાં જન લોકપાલ આંદોલન દરમ્યાન ભારતીય રાજકીય પક્ષો દ્વારા જાહેર હિતની ઉપેક્ષા સામે અવાજ ઉઠાવ્યો હતો.

અન્ના ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ ચળવળને રાજકારણથી દૂર રાખવા માગતા હતા, જ્યારે અરવિંદ કેજરીવાલ અને તેમના સહયોગીઓનો મત હતો કે ચૂંટણી એક પક્ષ તરીકે લડવી જોઈએ. આ હેતુથી કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી અને વર્ષ 2013માં પહેલીવાર ઝાડુના નિશાન સાથે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી અને 28 બેઠકો પર જીત મેળવી હતી.

તે પછી આપ પાર્ટીએ કોંગ્રેસના સમર્થનમાં દિલ્હીમાં સરકાર બનાવી. અરવિંદ કેજરીવાલ દિલ્હીના 7મા મુખ્યમંત્રી બન્યા હતા. જો કે 49 દિવસ પછી 14 ફેબ્રુઆરી,2014ના દિવસે વિધાનસભા દ્રારા જન લોકપાલ બિલ રજૂ કરવાના પ્રસ્તાવમાં સમર્થન ન મળવાને કારણે કેજરીવાલે રાજીનામુ આપી દીધું હતું.

દિલ્હીના લોકોએ વર્ષ 2015માં ફરી એકવાર ચૂંટણીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ ચૂંટણી કેજરીવાલને ફળી. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી 67 બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.

કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે દિલ્હી વિધાનસભમાં માત્ર 3 સીટ મેળવી હતી, જયારે કોંગ્રેસનું ખાતું પણ ખુલી શક્યું નહોતુ. હવે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 117 બેઠકોમાંથી 90 બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસનો જબરદસ્ત સફાયો કરી નાંખ્યો હતો. મતલબ કે આમ આદમી પાર્ટીની સ્થાપનાના 9 વર્ષ પછી ટુંકા ગાળામાં દિલ્હી પછી પંજાબમાં પગપેસારો કરી દીધો છે. તેમના લોકસભામાં 1 અને રાજ્યસભામાં 3 એમ મળીને 4 સાંસદો પણ છે. આ રીતે આમ આદમી પાર્ટીની સફળતાની ઝડપ ભાજપ કરતા ખૂબ જ વધારે છે.

જો ભાજપની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ પણ સંઘર્ષ પૂર્ણ રહ્યો અને એકધારી મહેનત પછી આજે સફળતાના શિખરો પર પહોચીં શકી છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઇ હતી, પરંતુ તેના મૂળમાં શ્યામાપ્રસાદ મુખરજી દ્રારા 1951માં સ્થાપવામાં આવેલું ભારતીય જનસંઘ છે. ભાજપના સંસ્થાપક પ્રમુખ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી રહ્યા હતા, જયારે મુસ્લિમ ચહેરા તરીકે સિકંદર બખ્ત મહાસચિવ બન્યા હતા. જોકે, ભાજપને પોતાના બળે કોઇ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે 10 વર્ષ લાગ્યા હતા. જો જનસંઘને ગણતરીમાં લઇએ તો 39 વર્ષ લાગ્યા હતા. વર્ષ 1951માં જનસંઘની સ્થાપના પછી ભૈરોસિંહ શેખાવત 1990માં ભાજપના ચીફ મિનિસ્ટર પહેલીવાર બન્યા હતા. તે વર્ષમાં જ યુપી, હિમાચલ, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભાજપે સરકાર બનાવી. ત્યારબાદ 1995માં ગુજરાતમાં સરકાર બની હતી.

ભાજપની સ્થાપનાના ચાર વર્ષે 1984ની ચૂંટણીમાં ભાજપ માત્ર બે બેઠકો જ મેળવી શકી હતી. પરંતુ આજે 42 વર્ષ પછી ચિત્ર બદલાયું છે અને કેન્દ્રમાં તો ભાજપનું શાસન છે જ, પરંતુ દેશના 12 રાજ્યોમાં ભાજપે પોતે અથવા ગઠબંધનમાં સરકાર બનાવેલી છે. પરંતુ આ બધુ કરતા ભાજપને ખૂબ જ લાંબો સમય લાગ્યો હતો. જ્યારે આપ બહુ જ તેજ ગતિથી આગળ વધી રહી છે.

તાજેતરની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જોઇએ તો એમ લાગે છે કે ભાજપ માટે ખતરાની ઘંટડી કોંગ્રેસ નહી, પરંતુ આમ આદમી પાર્ટી છે જે મહેનતથી અને કોઠા-સુઝથી ઝડપથી આગળ આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો