ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પહેલીવાર 131.20 મીટરની જળ સપાટીએ ઓવર ફ્લો,

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે 1.30 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે કુલ 24 દરવાજા 0.92 સેમી ખોલાયા છે અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. જોકે અત્યારે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અને ડેમના ઉપરવાસમાંથી 5.50 લાખ ક્યુસેકની આવક થઇ રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સીએમ વિજય રૂપાણીએ નર્મદા ડેમની મુલાકાત લીધી

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આજે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડેમની મુલાકાત લીધી હતી. અને સીએમની સૂચનાથી નર્મદા ડેમમાંથી 6 લાખથી વધારીને 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જોકે હાલ ઘટાડીને 3 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ક્લાસ વન શ્રેણીના 10 અધિકારીઓને તહેનાત કરાયા

ગુરુવારે મોડી સાંજે ડેમમાં 29,745 એમસીએમ પાણીનો જથ્થો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે કાંઠા વિસ્તારોમાં હાઇ એલર્ટની સ્થિતિ સર્જાઈ છે. તકેદારીના પગલાના ભાગરૂપે ક્લાસ વન શ્રેણીના 10 અધિકારીઓને કાંઠા વિસ્તારના 42 ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે તહેનાત કરાયા છે. અધિકારીઓને સ્થાનિક મામલતદાર, સરપંચ, તલાટી તથા પોલીસ સાથે સંકલન સાધવા જણાવવામાં આવ્યું હતું. સાથે જ રાહત અને બચાવ કામગીરી માટે ટ્રેક્ટર, જેસીબી તૈયાર રખાયા હતા. નર્મદા જિલ્લામાં કાંઠા વિસ્તારના મોટાભાગના ગામો ઊંચાઈ પર આવેલા છે. તેમ છતાં પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

નદી કાંઠા વિસ્તારમાં અવર જવર નહીં કરવા સૂચના

રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા,ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ અપાયું. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા વિસ્તારમાં અવર જવર નહિ કરવા સૂચના આપી દેવાઈ. ઉલ્લેખનીય છે કે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની પરવાનગી આપી હતી. એ પછી ડેમ 131 મીટર સુધી ભરાય પછી જ પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો.

250 મેગાવૉટના 3 ટર્બાઇન ધમધમ્યા

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં પાણીની 5.50 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે અને દર કલાકે 23 સેમી નો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધતી સપાટીમાં બ્રેક મારવા બે વર્ષથી બંધ રિવરબેડ પાવરહાઉસના 250 મેગા‌વૉટના બે ટર્બાઇન શરૂ કરી દેવાયા છે. જ્યારે કેનલ હેડ પાવર હાઉસ ના 50 મેગા‌વૉટના 3 ટર્બાઇન પણ શરૂ કરી દેવાયા છે. જેથી પાણી છોડવાની સાથે વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે. રિવરબેડ પાવર હાઉસનું એક ટર્બાઇન 23000 થી 25000 ક્યુસેક પાણી વાપરી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ગોરા બ્રિજ અવરજવર માટે બંધ કરાયો

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગોરા ગામનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ પણ કહેવામાં આવે છે અને ચોમાસામાં આ બ્રિજની રેલિંગ પણ કાઢી નાખવામાં આવે છે. નર્મદા ડેમથી સૌથી પહેલો આ બ્રિજ છે જે પથ્થરો થી બનેલો છે. વડોદરા જિલ્લા કલેક્ટરે આ બ્રિજ પર અવરજવર બંધ કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો