પાટણના સંડેરમાં 30 વીઘા જમીનમાં બનશે ખોડલધામ, સાથે શિક્ષણ અને આરોગ્ય સંકુલનું પણ નિર્માણ થશે, નરેશ પટેલે કહ્યું- આ સંકુલ દરેક સમાજને ઉપયોગી થશે

ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા નીચે પાટણ તાલુકાના સંડેર ગામે 30 વીઘા જમીનમાં નિર્માણ પામનાર ખોડલધામ સંકુલના સ્થળ નિરીક્ષણ માટે આવેલા ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ સંકુલના માધ્યમથી ઉત્તર ગુજરાતમાં સારા કાર્યો કરી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ સંકુલ પાટીદાર સમાજ ઉપરાંત દરેક સમાજને ઉપયોગી બનશે તેવો મત વ્યક્ત કર્યો હતો. બને તેટલા વહેલા સંકુલના કાર્યની શરૂઆત કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ નરેશ પટેલે જણાવ્યું હતું.

સંડેર ગામે 30 વીઘા જમીનમાં ખોડલધામ શિક્ષણ અને આરોગ્ય માટેના કાર્યો માટે સંકુલનું નિર્માણ થવાનું છે. આ સંકુલ માટે સૂચિત કરાયેલી જગ્યાના નિરીક્ષણ માટે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે શનિવારે સ્થળ મુલાકાત લીધી હતી તેમણે બાલીસણા ખાતે ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું બાદમાં પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમનને પગલે પાટીદાર યુવાનોમાં ભારે ઉત્સાહ નો માહોલ સર્જાયો હતો. વાહનોના કાફલા સાથે તેઓ સંડેર ગામે પહોંચતા બાલિકાઓએ તેમનું સામૈયું કર્યું હતું.

આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ખોડલધામની સ્થાપના પછી ઘણા બધા સપનાઓ સાકાર કર્યા છે અને હજુ અઢળક સપનાઓ સાકાર કરવાના છે તેના ભાગરૂપે ઉત્તર ગુજરાતના સંડેર ગામે ખોડલધામના નેજા નીચે સંકુલ બનાવવાનું છે. આ સંકુલ પાટીદાર સમાજ ઉપરાંત દરેક સમાજોને ઉપયોગી થશે ખોડલધામની સ્થાપના પછી સમાજ સંગઠિત થયો છે અને ઘણા બધા પ્રશ્નો ખોડલધામના નેજા નીચે હલ કરી શક્યા છીએ. કદાચ ઉત્તર ગુજરાતમાં આ કાર્ય શરૂ નથી કર્યા પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સમાધાન પંચો સ્થાપ્યા છે.

પારિવારિક પ્રશ્નો બાબતે પોલીસ સુધી નથી જવું આપણા વડીલો અને આપણું પંચ જે કહે તે સ્વીકારીને આગળ વધવું છે. પંચના ખૂબ સારા પરિણામો મળે છે. આવા સારા કાર્યો ઉત્તર ગુજરાતમાં કરી શકીએ તે માટે આ સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ. આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી ધારાસભ્ય કિરીટ પટેલ દિનેશ બાભણીયા, અલ્પેશ કથેરિયા અને ખોડલધામ ટ્રસ્ટના અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

ખોડલધામ અને અન્ય સંકુલના નકશા પ્લાન હવે તૈયાર થશે

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, ખોડલધામ બનાવવા માટે જમીન મેળવવાની કાર્યવાહી સરકારમાં ચાલી રહી છે અને ટૂંકમાં આ કામ પૂરું થઈ જશે. ખોડલ ધામમાં આકાર પામનારા મંદિર અને અન્ય સંકુલના નકશા પ્લાન વગેરે હવે તૈયાર થશે. એક વખત સ્થળ નિરીક્ષણ થઈ ગયા પછી તે કામો ઝડપથી કરી શકાશે.

એકસાથે ચાર સંકુલ તૈયાર થશે

લેઉવા પાટીદાર સમાજના યુવા કાર્યકર હાર્દિક પટેલે જણાવ્યા મુજબ, ખોડલધામમાં મંદિર, ખેતી સંશોધન કેન્દ્ર, શૈક્ષણિક સંકુલ અને આરોગ્ય સંસ્થાન ઊભું કરાનાર છે.

ખોડલધામ બનાવવા માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ અને આ પ્રક્રિયા ગાંધીનગર સુધી પહોંચાડવામાં ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પ્રયાસો કર્યા હોઇ તેમની કામગીરી બિરદાવાઇ હતી. પંચાયતનો પણ સહયોગ મળ્યો હોવાનું કાર્યક્રમમાં જણાવ્યું હતું.

ઉ.ગુ.ના સામાજિક સંગઠન પછી આ મોટું સંકુલ બનશે

પાટણ જિલ્લામાં ઉ.ગુજરાતના 42 લેઉવા પાટીદાર સમાજના 110થી વધુ ગામોનું એક સામાજિક સંગઠન દોઢેક વર્ષ અગાઉ બનાવાયું હતું. જેમાં સામાજિક સુધારા સૂચિત કરાયા હતા. આ પછી સૌથી મોટા ધાર્મિક અને શૈક્ષણિક સામાજિક સંસ્થાન ખોડલધામ આકાર પામવા જઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો