60 વીઘામાં પટેલ સમાજનો 19મો સમુહ લગ્નોત્સવ, બળદ ગાડામાં આવશે જાન

વિસાવદરનાં નાની મોણપરી ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ, લેઉવા પટેલ મહિલા મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા 29 એપ્રિલને રવિવારે 19મો સમુહ લગ્નોત્સવ યોજાશે. જેમાં જુની સંસ્કૃતિ અને પરંપરા મુજબ બળદ ગાડામાં વરરાજાનું સામૈયુ કરાશે અને નાનો મોણપરીમાં મહેમાનોને ઘેર-ઘેર ઉતારા અપાશે. જેનાથી એક બીજા પરિવારોમાં સદભાવનાની લાગણી જન્મે અને એક બીજા પ્રત્યે આત્મીયતા બંધાય એવું આયોજન કરાયું છે.

સમુહ લગ્નોત્સવનું 60 વિઘાથી વધારે જગ્યામાં આયોજન કરાયુ છે. જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકતવિધી મુજબ 57 દિકરા-દિકરીઓનાં લગ્ન કરાવાશે. જેમાં દિકરીઓને ઘર સામગ્રીનો કરિયાવર અપાશે અને સાથે ખુરશી મેળાનું પણ આયોજન કરાયું છે. જેમાં કૃષિ, સમાજને લગતા પ્રશ્નો, વિવિધ રિવાજો સહિતના સ્ટોલ ઉભા કરાશે અને આ લગ્નમાં જે દિકરા કે દિકરીનાં પરિવાર દ્વારા ખોટી રીતે વધુ ખર્ચ કરશે તેને 25 હજારનો દંડ ફટકારાશેે.

28 એપ્રિલે રાત્રીનાં સમુહ લગ્નનાં સ્થળે એક સાથે દાંડીયા રાસ લેવાશે અને 29 એપ્રિલે રાત્રીનાં 7 વાગ્યેથી લગ્નપ્રસંગ શરૂ થશે. આ સમુહ લગ્નોત્સવનાં ભોજનનાં મુખ્ય દાતા તરીકે ઉદ્યોગપતિ કાનભાઇ કાનકડ (મોટા કોટડા) રહેશે. આ સમુહ લગ્નોત્સવનાં માધ્યમથી ‘સમાજનો સારો વ્યવહાર એમાં જ સુખ છે’નાં સુત્રને સાર્થક કરી હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું છે. સમુહ લગ્ન સમિતીનાં પ્રણેતા હરસુખભાઇ વઘાસીયા, પ્રિતીબેને બી. વઘાસીયા, પ્રમુખ ડિમ્પલભાઇ રાખોલીયા, ખજાનચી જમનભાઇ રાખોલીયા, મંત્રી કમલેશભાઇ કિકાણી સહિત કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે.

સમુહ લગ્નોત્સવમાં કઇ રીતની તૈયારીઓ ?

લેઉવા સમાજનાં 19માં સમુહ લગ્નોત્સવમાં 57 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. જેમાં 57 ગામનાં જ્ઞાતિજનોનું સમુહ જ્ઞાતિ ભોજન થશે. જેમાં એક લાખથી વધુ લોકો જોડાશે. 60 વિઘાથી વધારે જમીન પર સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. 29 એપ્રિલે 57 બળદ ગાડામાં વરરાજાનું સામૈયુ કરાશે. મહેમાનોને મોણપરીમાં ઘે-ઘેર ઉતારા અપાશે. 1500 યુવાનો, 1500 બહેનો સેવા અાપશે, 20થી વધુ સીસીટીવીથી નજર રખાશે. ત્રણ મહિનાથી થઇ રહેલી કામગીરીમાં 57 ગામોમાં મિટીંગ કરવામાં આવી. અત્યાર સુધીમાં 1800 દિકરા-દિકરીઓનાં લગ્ન કરાવાયા.

સમાજનાં વિશિષ્ટ લોકોનું સન્માન કરાશે

સમુહ લગ્નોત્સવમાં સમાજનાં ગૌરવવંતી વ્યકિત વિશેષનું સન્માન કરવામાં આવશે. 29 એપ્રિલે સાંજે 5 વાગ્યે જાન આગમન, 6 વાગ્યે ગણેશ સ્થાપના, 6:30 કલાકે સામૈયુ, સાંજે 7 વાગ્યે હસ્તમેળાપ, સાંજે 7:30 કલાકે ભોજન સમારંભ અને 9 વાગ્યે જાનને વિદાય અપાશે. આ કાર્યક્રમમાં સમાજનાં અગ્રણી કાનભાઇ કાનકડ, કેબિનેટમંત્રી જયેશ રાદડીયા, ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઇ પટેલ, નર્મદા બાયોકેમ પ્રા.લી.નાં દિનેશભાઇ કુંભાણી, વસંતભાઇ ગજેરા અને વિરોધપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી પણ ઉપસ્થિત રહેશે.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો