નૈરોબીમાં વિશ્વવાસી કચ્છીઓ સામાજિક છત્રે થયા એકરૂપ

વસંત પટેલ દ્વારા’ નૈરોબી (કેન્યા), તા. 30 : સ્કોટિશ બેન્ડના ત્રીસ યુવાનો સંગીતની સુરાવલિ સાથે લયબદ્ધ તાલ આપતા આગળ વધી રહ્યા છે. તે પાછળ સંગઠનની મિશાલ સમી મશાલ નૈરોબી સમાજના પ્રમુખ આર.ડી. વરસાણીએ જલાવી તો સમાજની બહેનોએ રંગબેરંગી પટ્ટીઓવાળા ગુચ્છ લહેરાવતાં મહોત્સવને સંસ્કારિત કરતી આગળ વધી રહી છે. સંપ, સંગઠન અને સદાચારના જય જયકાર સાથે શુક્રવારે સવારે સ્થાનિય 9 વાગ્યાના સમયે કેન્યામાં કચ્છીઓના ઐતિહાસિક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હતો. વિશ્વભરના કચ્છી કણબી યુવાન-યુવતીઓ વચ્ચે રમત-ગમત હરીફાઇનો પ્રારંભ થયો હતો. તો ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ ઉત્સવને આશીર્વાદ પાઠવ્યા હતા.

પ્રથમ દિને પાંચેક હજાર જ્ઞાતિજનો ઊમટી પડતાં પરિસર સાંકડું બની ગયું હતું. 25,000 વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવાયો હતો. કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરની ગણવેશ સજ્જ સ્કોટિશ પાઇપ બેન્ડ સાથે યુવતી બેન્ડની સુરાવલિઓ વચ્ચે માર્ચપાસ્ટ પરેડે વેસ્ટલેન્ડ સંકુલના રામજી રત્ના હાઇસ્કૂલ વિભાગ પાસેથી પ્રસ્થાન કર્યું ત્યારે 35,000 જેટલી અંદાજિત વસ્તી ધરાવતા કચ્છ લેવા પટેલ યુ.કે. કોમ્યુનિટીના અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા, ભુજ લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, મંત્રી કેશરાભાઇ પિંડોરિયા, સમાજમંત્રી રામજી સેંઘાણી, સિસલ્સ સમાજ પ્રમુખ નંદુભાઇ રાઘવાણી, પર્થ, સિડની, મેલબોર્ન સહિતના ઓસ્ટ્રેલિયન કેન્દ્રો, કિસુમુ, નકુરુ, મોમ્બાસા લેવા પટેલ સમાજ, યુગાન્ડાના કમ્પાલા, તાંઝાનિયાના દારે-એ-સલામ, અખાતી દેશો અને કચ્છ ‘ચોવીસી સમાજોના પ્રતિનિધિઓ નૈરોબી સમાજના એકછત્રે `સંગઠનના માધ્યમે સેવા’નો સંકલ્પ દોહરાવ્યો હતો.

કેન્યામાં ભારતીય રાજદૂતાલયના પ્રથમ સેક્રેટરી, એમ.સી.એ. નૈરોબી શ્રી માલદે, બી.જે.પી. ઓવસિયલ શ્રી રઘુપતિની હાજરીમાં દબદબાભેર નીકળેલી મશાલયાત્રાને દરેક જ્ઞાતિજને ગૌરવભેર હાથમાં લીધી હતી. વાજતેગાજતે આગળ વધતી યાત્રામાં કેન્યન-ભારતીય ધ્વજ રાષ્ટ્રીય માહોલ સર્જતા હતા. તો બંને દેશોના રાષ્ટ્રગાને કચ્છીઓના વિવેક-આદરની અભિવ્યક્તિ કરાવી હતી. આ પ્રસંગે સમાજના પૂર્વ પ્રમુખો રામજીભાઇ દેવશી વેકરિયા, મનજીભાઇ કાનજી રાઘવાણી, વડીલ કરશન લાલજી વેકરિયા, કમ્પાલાથી પરબત ભીમજી સિયાણી, નારાણભાઇ રામજી વરસાણી સહિત અનેક સંસ્થાઓના હોદ્દેદારો, કાર્યકરો, પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, પૂર્વ આફ્રિકા સત્સંગ સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરોના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા. તો ભુજ મંદિરના કોઠારી રામજીભાઇ દેવજી વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ શુભેચ્છા પાઠવી હતી. તો આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, મોટા બાપજી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ, ભુજ મંદિરના મહંત ધર્મનંદનદાસજી સ્વામી, મણિનગર ગાદી સંસ્થાન અધ્યક્ષ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી, એસ.જી.વી.પી. ગુરુકુળ અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી, આર.આર. પટેલે શુભેચ્છા-આશીર્વાદ પાઠવ્યા હતા. લાલ રંગી ટી-શર્ટ પર ઉત્સવ મુદ્રાનો હરખ ટીમ-25ને હતો, તો વડીલો ખાસ પટ્ટી જડેલા બિલ્લાં ધારણ કરી માર્ગદર્શન આપતા નજરે પડતા હતા.

રમતગમત હરીફાઇ નૈરોબી નેશનલ પાર્ક વોક, ટેબલ ટેનિસ, તરણ, કેરમ, પુલ, પેવેલિયન, ક્રિકેટ, વોલીબોલ, ટેનિસ જેવી અનેક રમતગમત હરીફાઇઓ યોજાઇ હતી. જેમાં 627 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રદર્શન ખુલ્લું મુકાયું સમાજની 65 વર્ષ અને સંકુલની 25 વર્ષની યાત્રાને ઉજાગર કરતું વિવિધલક્ષી સાંસ્કૃતિક પ્રદર્શને ભારે આકર્ષણ જગાવ્યું હતું. કણબી પરિવેશ, જૂની રીતિ, વાસણો, વત્રો, અલંકારો, રહેણીકરણી પ્રદર્શિત કરાઈ હતી તો કાષ્ટમંડિત વૃક્ષો પર જ્ઞાતિજનો સંગઠનનો સંદેશ લખતા નજરે પડયા હતા. મસાઈ સંગીતવાદકો વાતાવરણને આફ્રિકન રંગે રંગતા હતા. ‘કચ્છના છાત્રો છવાયા કન્યા સંસ્કારધામ, આર.ડી. વરસાણી, લેવા પટેલ કન્યા વિદ્યા મંદિરની સાંસ્કૃતિક રજૂઆતોએ દિલ જીત્યાં હતાં, તો સંગીતવૃંદે શ્રોતાઓને શરૂઆતથી જ ડોલાવ્યા હતા. શબ્દ સંકલન પ્રભાબેન કિશોર વરસાણીએ કર્યું હતું. ‘ટીમ-રપએ રંગ રાખ્યો લાલ રંગી ટી-શર્ટ સાથે સજ્જ ટીમ-રપની યુવા ટીમે સમગ્ર ઉત્સવને ઝીણવટપૂર્વક સર્જ્યો હતો અને આગળ વધારી રહી છે. સાતથી 45 વર્ષની વયજૂથના યુવક-યુવતીઓ ભોજન, સભાગૃહ, સાંસ્કૃતિક, આવાસ સહિતની વ્યવસ્થા ઉત્સાહભેર આગળ ધપાવી રહ્યા છે. સમગ્ર ટીમની જ્ઞાતિએ પ્રથમ તબક્કે જ પીઠ થાબડી હતી. ‘

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો