કચ્છી લેવા પટેલનો નાઇરોબીનો “સમાજ મહોત્સવ” કચ્છી અસ્મિતાનું પ્રતીક

વસંત પટેલ દ્વારા’ કેરા, (તા. ભુજ), તા. 15 : કચ્છથી કેન્યા હિજરત કરી વિશ્વભરમાં પથરાઇ ગયેલા કચ્છીઓ પૈકી સામાજિક સંગઠનના માધ્યમે સ્થાનીય અને માદરે વતનની સેવાઓમાં શિરમોર કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના વેસ્ટલેન્ડ વિભાગના સર્જનને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી મહોત્સવ તા. 30 માર્ચથી ઊજવાશે. સંસ્થાએ નક્કી કર્યા મુજબની વિગતો આપતાં પ્રમુખ આર.ડી. વરસાણીએ આ `સમાજ મહોત્સવ’ને કચ્છી અસ્મિતાનું પ્રતીક ગણાવ્યું હતું. પૂર્વી આફ્રિકી દેશો કચ્છીઓની પ્રગતિ અને વિશ્વભરના ફેલાવાનું કેન્દ્ર રહ્યા છે. અહીં અંદાજે 17થી 18 હજાર કચ્છીઓ નામ-દામ બંને કમાયા છે. એક પ્રશ્નના જવાબમાં મૂળ સામત્રાના અને હાલ કેન્યામાં મુઠ્ઠી ઊંચેરા વ્યવસાયિક એવા આર.ડી.એ કહ્યું, કચ્છીઓની સૌથી મોટી સફળતા તેનું સંગઠન, આપસી વિશ્વાસ અને સ્થાનીય સેવા છે. ઇ.સ. 1993માં સ્થપાયેલા વેસ્ટલેન્ડ સંકુલે 25 વર્ષની સફર પૂર્ણ કરી છે. આ અઢી દાયકાએ અનેક પરિવર્તન જોયાં છે.

રાષ્ટ્રકક્ષાની શાળા, વિવિધ રમતો માટે મેદાન, દવાખાનું, દેવશી ધનજી મેમોરિયલ હોલ અને આવાસ સર્જન પછી સમાજ વધુ મજબૂત બન્યું છે. ચોવીસીના આ પીઢ આગેવાને ઉમેર્યું કે કેન્યામાં મેડિકલ સારવાર અને આવાસ ખૂબ મોંઘા છે તો શિક્ષણના ખર્ચા પણ ઘણાં છે. આ ત્રણેય બિંદુઓને સમાવતા વેસ્ટલેન્ડ સંકુલ માટે એક એક કચ્છીનાં હૈયે આદર છે જે આ ત્રિદિવસીય મહોત્સવનું બળ-પ્રેરકબળ ‘ બન્યા છે.

યુ.કે., કેન્યા,યુગાન્ડા, તાન્ઝાનિયા, અખાતી દેશો, સ્વીડન, સિસલ્સ, ઓસ્ટ્રેલિયા અને માતૃસંસ્થા કચ્છ ચોવીસીને સપરિવાર આમંત્રણ પાઠવાયાં છે. કચ્છી લેવા પટેલ સમાજ નાઇરોબીની કાર્યવાહક સમિતિ, ટ્રસ્ટી મંડળ, વર્તમાન-પૂર્વ દાતાઓ, શુભેચ્છકો, યુવક-યુવતી, મહિલા મંડળના સહિયારા પ્રયાસથી ઊજવાનારા ત્રિદિવસીય મહોત્સવમાં કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, પૂર્વ આફ્રિકા સ્વામિ. મંદિર, ગાદી સંસ્થાન મંદિર મોમ્બાસા, નકુરુ, કીસુમુ, એલ્ડોરેટ, થીકા, મલિન્ડી સહિતની સંસ્થાઓ સહયોગી છે. ભુજથી કન્યા સંસ્કારધામ, કન્યા વિદ્યામંદિર અને આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના 42 છાત્ર-છાત્રાઓ પ્રમુખ હરિભાઇ કેશરા હાલાઇ તથા સમાજની ત્રણેય પાંખના કાર્યવાહક સમિતિ સભ્યોના માર્ગદર્શનમાં જોડાશે અને અતિવિશિષ્ટ સાંસ્કૃતિક રજૂઆતો કરશે, તે માટે ભુજ ખાતે ટ્રસ્ટી કેશરાભાઇ પિંડોરિયા, મંત્રી વસંત પટેલ, સમાજ મંત્રી રામજીભાઇ સેંઘાણીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ થઇ રહી છે. યુ.કે. કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી અધ્યક્ષ માવજીભાઇ વેકરિયાની આગેવાની હેઠળ ત્યાંના યુવક-યુવતીઓ વિવિધ હરીફાઇઓમાં ભાગ લેવા પહોંચશે. વિશ્વવાસી લેવા પટેલો આ મહોત્સવમાં ખુલ્લા આમંત્રિત છે.’

કાર્યક્રમની વિગતો-સ્થાનીય સેવા’ કન્વીનર ધીરજલાલ એન. રત્નાની યાદી મુજબ પ્રથમ સત્ર તા. 30 માર્ચ ઉદ્ઘાટન સત્ર સમારોહ દેવશી ધનજી મેમોરિયલ હોલમાં, બપોરે રમતગમત હરીફાઇઓ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ રમાશે, જેમાં વોલીબોલ, થ્રો બોલ, ટેબલ ટેનિસ, પુલ, તરણ, કેરમ, રાઉન્ડર્સ, ચેસ,બેડમિન્ટન, કબડ્ડી, ડાર્ટસ, ખોખો, સોસર, ડોગબોલ, રસ્તાખેંચ સહિતનો સમાવેશ કરાયો છે. હરીફાઇઓ યુવક, યુવતી બંને વિભાગમાં રમાશે. પ્રથમ દિવસે સાંજે વિશ્વવાસી કચ્છીઓએ તૈયાર કરેલી સાંસ્કૃતિક રજૂઆતો થશે. તા. 31ના રમતગમત પછી સમાજચિંતન, તા. 1ના રક્તદાન, આંતરરાષ્ટ્રીય લીડર ફોરમ બાદ પૂર્ણાહુતિ થશે. સમગ્ર આયોજનની ફળશ્રુતિરૂપે સંસ્થા દ્વારા મોટા પાયે સ્થાનીય સેવાઓ કરાશે જેમાં આરોગ્ય, શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે. મહોત્સવના ભાગરૂપે છેલ્લા એક વર્ષથી મેડિકલ કેમ્પના માધ્યમે હજારો કેન્યન હબસી નાગરિકોને સહાયરૂપ થવાયું છે. ભાષા, રીત-રિવાજ, સ્થાનીય પરિસ્થિતિ, ભૂપૃષ્ટથી અજાણ કચ્છીઓને આફ્રિકાની ધરતી પર રોપાઇ જવા જગ્યા આપનાર નાઇરોબી સંકુલનો મહોત્સવ ઐતિહાસિક બનશે તેમાં શંકા નથી.’

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો