નૈરોબી પટેલ સમાજ મહોત્સવમાં સર્જાયું મિની ભારત : મોદી સંબોધન કરશે

વસંત પટેલ દ્વારા નૈરોબી (કેન્યા). તા. 28 : પૂર્વી આફ્રિકી દેશ કેન્યામાં વધુ એક કચ્છ સંલગ્ન મહોત્સવનો શુક્રવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. અવસર છે કચ્છીઓના વેસ્ટ વિભાગ સંકુલને 25 વર્ષ પૂર્ણ થયાનો…

ઇ.સ. 1993થી અહીં શિક્ષણ, આરોગ્ય અને આવાસ સેવાનો મહત્ત્વાકાંક્ષી પ્રારંભ થયો હતો. ત્રિદિવસીય ઉત્સવની મંગળ શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેલિ કોન્ફરન્સ સંબોધનથી થનાર છે. આખાય ઉત્સવ માટે કેન્યાના કચ્છીઓમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે, તો સેંકડો કાર્યકરોના હાથે અનેકવિધ આયોજનોને આખરી ઓપ અપાઇ રહ્યો છે. મોદીના લાઇવ કાર્યક્રમ સહિતના રાત્રિ પ્રોગ્રામો રજૂ કરવા કન્યા વિદ્યામંદિર, આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના 54 સભ્યોની ટીમ નૈરોબી એરપોર્ટ પહોંચતાં સ્વાગત કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરિયા પાર નૈરોબીમાં વસતા કચ્છી માડુઓ સાથે આગામી તા.30મી માર્ચ ને શુક્રવારના રોજ ભારતીય સમય મુજબ બપોરે 12-30 વાગ્યે અને નૈરોબીના સમય અનુસાર સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી વાર્તાલાપ કરશે. કચ્છ લેવા પટેલ સેવા સમાજ નૈરોબીના રજત જ્યંતી ઉત્સવ પ્રસંગે શ્રી મોદી નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નિવાસસ્થાનેથી આ સંબોધન કરવાના છે. વડાપ્રધાન મોદી કચ્છનો ભૂકંપ પછીનો વિકાસ, વિશ્વનું નજરાણું બનેલા કચ્છનો રણોત્સવ, કચ્છીઓના ખમીર તેમજ કચ્છ અને નૈરોબી વચ્ચેના સંબંધ વિશે કચ્છી માડુઓ સાથે વાતચીત કરશે. આ માટે સાંસદ વિનોદ ચાવડા સંકલન કરી રહ્યા છે. નૈરોબી સમાજના ભીષ્મ પિતામહ દેવશી ધનજી વેકરિયાની સ્મૃતિમાં સર્જાયેલા મેમોરિયલ હોલમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. આખાય પરિસરને રોશનીથી નવડાવાયું છે. 100 જેટલા કાર્યકરોની ટીમ-25 છેલ્લા મહિનાઓથી તૈયારીમાં વ્યસ્ત છે.

એકબાજુ ધજાપતાકાઓ તો બીજીબાજુ રજત જયંતીની મુદ્રાને પ્રદર્શિત કરતા બેનર ઉત્સાહના પ્રતીક બન્યા છે. સમાજના પ્રમુખ આર.ડી. વરસાણી, કન્વીનર ધીરજ હાલાઇ તેમજ સર્વે કારોબારી સભ્યો, ટ્રસ્ટીગણ ઉત્સવને માર્ગદર્શિત કરી રહ્યા છે. યુગાન્ડા, તાન્ઝાનિયા, સિસલ્સ, યુ.કે. તથા અખાતી દેશોમાંથી લેવા પટેલ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઊમટે એવી તૈયારીઓ થઈ છે. માદરે વતન કચ્છથી આવેલા કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, સંસ્કારધામ તથા આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના છાત્ર-છાત્રાઓ તખતો ગજવવા જામો કેન્યાટા એરપોર્ટ આવી પહોંચતાં ટીમ-25ના સભ્યોએ અદકેરું સ્વાગત કર્યું હતું. બુધવારે આ ગ્રુપે કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, સમાજ સ્કૂલ સહિતના સ્થળોની મુલાકાત લઈ અવગત થયા હતા. દરમ્યાન ઉત્સવના ઉદ્ઘાટન સત્રમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છીઓને ટેલિફોનિક કોન્ફરન્સથી સંબોધન કરશે તે માટે પણ ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો