દીકરાનો ગલ્લો તોડી દંડ ભરવા આવેલા રિક્ષાવાળાને જોઈ પોલીસ ઈન્સ્પેક્ટરનું હ્રદય દ્રવી ઉઠ્યું, ઈન્સ્પેક્ટરે દંડ ભરી હસતા ચહેરે ઘરે મોકલ્યો

ગુનેગારો જેમના નામથી જ ફફડી ઉઠે તેવા સખ્ત પોલીસ અધિકારીઓ પણ આખરે તો માણસ જ હોય છે. ક્યારેક ગરીબ કે જરુરિયાતમંદની યથાશક્તિ મદદ કરવામાં પણ પોલીસ પાછી નથી પડતી હોતી. આવા જ એક કિસ્સામાં દીકરાનો ગલ્લો તોડીને પરચૂરણ સાથે પોલીસ સ્ટેશનમાં દંડ ભરવા આવેલા એક ગરીબ રિક્ષાચાલકને જોઈને પોલીસ ઈન્સ્પેક્ટરનું દિલ દ્રવી ઉઠતા તેમણે દંડની રકમ ભરી દઈ રિક્ષાવાળાને ટ્રાફિકના નિયમ ના તોડવાની સમજણ આપી હસતા ચહેરે ઘરે મોકલ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહારાષ્ટ્રના નાગપુરની આ ઘટના સિતાબુલ્દી ટ્રાફિક ઝોનમાં બની હતી. જેના ઈનચાર્જ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અજય માલવિય છે. સ્વચ્છ છબી ધરાવતા અને નો-નોનસેન્સ અધિકારી તરીકેની છાપ ધરાવતા PI અજય માલવિય બે હજાર રુપિયાનો દંડ ભરવા આવેલા રિક્ષાચાલકની વેદના જોઈ નહોતા શક્યા. આ રિક્ષાચાલક તેના દીકરાનો ગલ્લો લઈને પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો, અને પરચૂરણ ગણીને દંડ ચૂકવી રહ્યો હતો.

રિક્ષાચાલક રોહિત ખડસેને 8 ઓગસ્ટના રોજ નો-પાર્કિંગમાં રિક્ષા મૂકવા બદલ મેમો આપવામાં આવ્યો હતો. તેની હિસ્ટ્રી તપાસતા પોલીસને જાણવા મળ્યું હતું કે ખડસેએ ભૂતકાળમાં પણ અનેકવાર દંડ નથી ભર્યો. આખરે પોલીસે તેને બે હજાર રુપિયાનો મેમો પકડાવ્યો હતો. ભૂતકાળનો દંડ પણ બાકી હોવાથી તેની રિક્ષા પણ ડિટેઈન કરી લેવામાં આવી હતી.
ચાર સભ્યોનો પરિવાર ધરાવતો રોહિત ખડસે રિક્ષાનું મહિને છ હજાર રુપિયા ભાડું ચૂકવતો હતો. જોકે, તે જ જપ્ત થઈ જતાં તેના માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. બીજી તરફ, દંડ ભરવાના પૈસા ના હોવાથી તેના માટે રિક્ષા છોડાવવી પણ અશક્ય થઈ ગઈ હતી. બાપને આ સ્થિતિમાં જોઈ તેનો પાંચ વર્ષનો દીકરો પોતાનો ગલ્લો લઈને તેની પાસે આવ્યો હતો.

રોહિતે ભારે હ્રદયે દીકરાનો ગલ્લો તોડીને પરચૂરણ ગણ્યું તો તે બે હજાર રુપિયાની આસપાસ થતું હતું. 10 ઓગસ્ટે તે આ ચિલ્લર લઈને સિતાબુલ્દી ટ્રાફિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જોકે, પરચૂરણમાં દંડની રકમ સ્વીકારવાનો પોલીસ આનાકાની કરી રહી હતી. બીજો કોઈ વિકલ્પ ના હોવાથી આખરે રોહિત પોલીસ ઈન્સ્પેક્ટર પાસે ગયો, અને પોતાની વ્યથા વર્ણવી.

રિક્ષાચાલકને ચિલ્લર લઈને દંડ ભરવા આવેલો જોઈ ઈન્સ્પેક્ટર માલવિયને પહેલા તો નવાઈ લાગી હતી. તેનું કારણ પૂછતા રોહિતે તેમને જણાવ્યું હતું કે પોતાની પાસે પૈસા ના હોવાથી તે દીકરાનો ગલ્લો તોડીને દંડ ભરવા આવ્યો છે. આ સાંભળીને ઈન્સ્પેક્ટરનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું, અને રોહિત વતી તેમણે દંડ ભરી દીધો હતો અને તેના દીકરાના ગલ્લાના રુપિયા સાથે તેને ઘરે મોકલ્યો હતો. તેમણે રિક્ષાચાલકને ચેતવણી પણ આપી હતી કે હવેથી તે ટ્રાફિકના નિયમનો ભંગ ના કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો