વડોદરામાં લવ-જેહાદનો મામલો: નાગરવાડાના મુસ્લિમ યુવકે બ્રાહ્મણ પ્રેમિકાને ભગાડી લઇ જઇ મુંબઇમાં ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરતાં હોબાળો

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત 2જી ડિસેમ્બરે ઘેરથી ભગાડી ને મુંબઈ લઈ ગયા બાદ 6 તારીખે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જયાં બંનેનું ચાર કલાક સુધી કાઉન્સેલીંગ કરાયું હતું. ઘટનાના પગલે બંને પક્ષના ટોળા અને હિન્દુ સંગઠનના કાર્યકરોના ટોળા કારેલીબાગ પોલીસ સ્ટેશને ઉમટી પડતાં એક તબક્કે પોલીસ સ્ટેશનની જાળી બંધ કરી દેવી પડી ટોળાને વિખેરવું પડયું હતું. લવજેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ થઇ ન હતી. બંનેને પોતપોતાના ઘરે મોકલી કાઉન્સેલીંગ શરૂ કરાયું હતું.

શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી બ્રાહ્મણ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતા વિધર્મી યુવક સાથે ત્રણેક વર્ષથી પ્રેમ સબંધ બંધાયો હતો અને બંને ગાઢ પરિચયમાં આવ્યા હતા. બંને 2જી તારીખે ઘેરથી ભાગી જઇ છોટાઉદેપુર ગયા હતા. ત્યાં લગ્નનો પ્રયાસ કર્યો હતો પણ ગુજરાતમાં કાયદાનું બંધન નડતાં સફળ થયા ન હતાં. જેથી બંને ધર્મ પરિવર્તનનો કાયદો અમલમાં નથી તેવા મહારાષ્ટ્ર રાજયમાં ગયા હતા. મુંબઇના બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવાયું હતું અને બંનેએ નિકાહ કરી લીધા હતા. ત્યારબાદ યુવતીએ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે તેણે આ વિધર્મી યુવક સાથે રાજી ખુશીથી લગ્ન કર્યા છે.

ગત રાત્રે યુવક અને યુવતી મુંબઇથી વડોદરા આવ્યા હતા અને યુવતીએ તેને દબાવવાનો પ્રયત્ન કરાશે તેવી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ દ્વારા બુધવારે સાંજે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન બોલાવાયા હતા. બંનેના પરિવાર પણ પોલીસ સમક્ષ પહોંચ્યા હતા જયાં યુવક અને યુવતીનું ચાર કલાક સુધી કાઉન્સેલીંગ કરાયું હતું અને ત્યારબાદ બન્ને પોતપાતાના ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલીગં શરુ કરાયુ હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશન પર લોકોના ટોળા ઉમટી પડતા ઉત્તેજના છવાઇ ગઇ હતી.

બીજી તરફ એડવોકેટ અને હિન્દુ સંગઠનના નેતા નીરજ જૈને જણાવ્યું હતું કે, ‘આ નવજાતનો મામલો છે. વડોદરામાં હિન્દુ યુવતીને વિધર્મી યુવક ગુજરાત બહાર લઈ જઇ ધર્મ પરિવર્તન કરાવી પાછો લાવ્યો છે. મુસ્લિમ કાયદા મુજબ ગેરકાયદેસર નિકાહનું પત્ર રજૂ કર્યું છે. તાજેતરમાં હિન્દુ દીકરીઓને વિધર્મી યુવક દ્વારા ભગાડવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ચાલી રહ્યું છે. આ કિસ્સામાં પણ જવાબદાર તમામ લોકોને સખત સજા કરવી જોઈએ તેમજ કાયદામાં પણ સુધારો વધારો કરવા રાજ્ય સરકારને મારી અપીલ છે કે ઉત્તરપ્રદેશની જેમ ગુજરાત રાજ્યમાં પણ લવ જેહાદ મુદ્દે કાયદો બનવો જોઈએ.’

આ અંગે એડવોકેટ કોમલ કુકરેજાએ જણાવ્યું હતું કે યુવકે ગુજરાત બહાર કાયદો લાગુ ન પડે તે માટે લઈ જઈ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી ખોટી રીતે નિકાહનામું બનાવ્યું છે. વાસ્તવમાં મુસ્લિમ યુવક-યુવતી હોય તો જ નીકાહનામું બને. પરંતુ આ કિસ્સામાં યુવક મુસ્લિમ અને યુવતી હિંદુ હોઇ, નિકાહનામું માન્ય ગણાય નહીં. આ લવજેહાદનો એક ભાગ છે. રાજ્ય સરકારે આ અંગે ગંભીર નોંધ લઇ તાકીદે પગલા ભરવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓમાં યુવતી યુવકની માયાજાળમાં ફસાઇ ગયા બાદ બહાર આવવું મુશ્કેલ હોય છે. ત્યારે રાજ્ય સરકાર આવા કેસોની ગંભીર નોંધ લઇ ચોક્કસ નિરાકરણ લાવે તેવું જરૂરી બન્યું છે. જેથી અન્ય દીકરીઓ કોઈ ષડયંત્રનો ભોગ ન બને.

મને બાંદ્રાની મસ્જિદમાં લઈ જઈ લગ્ન કરાવ્યાં હતાં: યુવતી

ધર્મ પરિવર્તન કરનારી બ્રાહ્મણ યુવતીએ કહ્યું હતું, હું અને અયાઝ બંને છ વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. મિત્રો થકી અમારો એકબીજા સાથે સંપર્ક થયો હતો અને ત્યાર બાદ અમે સતત એકબીજાના સંપર્કમાં હતાં. અમારો આ પરિચય પ્રેમમાં ફેરવાયો હતો. એ બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પાંચ દિવસ પહેલાં તે મને લગ્ન કરવા માટે મુંબઈ લઈ ગયો હતો અને ત્યાં મારી સાથે તેણે લગ્ન કર્યાં હતાં. જોકે ત્યાર પછી હું બુધવારે વડોદરા આવી હતી. આ બનાવ બાદ મને જે સપોર્ટ મળ્યો છે તેને જોતાં હું મારા નિર્ણય પર વિચારી રહી છું, મને હવે સ્વતંત્રત રીતે વિચારવાની હિંમત મળી છે અને મારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.

જેથી હું હવે મારા આ નિર્ણય પર ફરીથી વિચારી રહી છું. બાંદ્રાની મસ્જિદમાં મને લઇ જવાઇ હતી અને મારા લગ્ન થયાં હતાં. હવે હું અયાઝને હિન્દુ બનવા માટેનું કહીશ. મને ગઈકાલ રાતથી ઘણા લોકોનો સપોર્ટ મળ્યો છે અને તેમની સાથે મારી વાતચીત થઈ રહી છે, જેથી હવે મને હિંમત આવી છે અને હું ફરીથી યોગ્ય નિર્ણય લઈ મેં પહેલાં જે નિર્ણય કર્યો હતો એ વિશે વિચારી રહી છું. મને આજે ઘણા લોકો સમજાવવા આવ્યા હતા અને મને સમજાવી છે. તેથી હું હવે થોડી કોન્ફિડન્ટ થઇ છું અને મે જે પહેલાં નિર્ણય કર્યો હતો એ અંગે હવે હું હિંમત રાખીને વિચારી રહી છું. હું વિચારીશ અને બે ત્રણ દિવસમાં હું નિર્ણય લઇ લઇશ.

નિકાહ કરી લેનાર યુવક યુવતી બંને પુખ્ત વયના છે બંનેએ લગ્ન કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. સંવેદનશીલ મામલો હોવાથી તપાસ ચાલુ છે. બંનેના નિવેદન લેવાયા છે. > ભરત રાઠોડ, એસીપી

આ લગ્ન કાયદેસરના નથી. ગુજરાતની છોકરીને જયાં કાયદો લાગું પડતો નથી તેવા રાજયમાં લઇ જઇ ધર્મ પરિવર્તન કરાવી નિકાહનામુ કરાયું છે.જે અયોગ્ય છે. > કોમલ કુકરેજા, મંત્રી વડોદરા ભાજપ

આ લવ જેહાદનો મામલો છે. દિકરીને ગુજરાતની બહાર ભગાડી જઇ દબાણ કરી તેનું ધર્મ પરિવર્તન કરાવાયું છે. સરકારે કાયદામાં સંશોધન કરવું જોઇએ જેથી વિધર્મીઓ આવું ન કરે.> નિરજ જૈન, હિન્દુ અગ્રણી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો