જામનગરના ધ્રોલમાં સરેઆમ 5 રાઉન્ડ ફાયરિંગ કરી યુવકની હત્યા, બે આરોપીઓની ધરપકડ
જામનગરના ધ્રોલમાં સરેઆમ પાંચ ગોળીઓ ધરબી એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધ્રોલનાં ત્રણબત્તી ચોક પાસે પેટ્રોલપંપ નજીક કારમાં આવેલાં 3 શખ્સોએ દિવ્યરાજ જાડેજા ઉપર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે હોસ્પિટલનાં તબીબીઓ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે નાકાબંધી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મૃતક યુવાન દિવ્યરાજ જાડેજા ખનીજ માફિયા અને હત્યાના ગુનાનો આરોપી હતો. અંગત અદાવતમાં તેને મોતને ઘાટ ઉતારાયો હોવાની આશંકા છે. આ મામલે પોલીસ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપશે.
સરેઆમ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા
જામનગરના ધ્રોલના ત્રણબત્તી ચોક પાસેના પેટ્રોલપંપ નજીક દિવ્યરાજ જાડેજા ઉભો હતો. તે સમયે જ સ્વિફટ કારમાં ત્રણ શખ્સો આવ્યા હતા. અને કારમાંથી નીચે ઉતરીને દિવ્યરાજ પર ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. પાંચ ગોળીઓ ધરબી દેતાં દિવ્યરાજ ત્યાં લોહીનાં ખાબોચિયામાં ફસડાઈ પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયો હતો. પણ હોસ્પિટલમાં હાજર તબીબોએ દિવ્યરાજને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી હથિયારો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
સરેઆમ ધોળા દિવસે ફાયરિંગની ઘટનાથી પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દીધી હતી. દિવ્યરાજને ગોળીઓ મારી સ્વિફ્ટ કારમાં ભાગતાં આરોપીઓએ પોલીસ ઉપર પણ કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. મોરબી પોલીસે નાકાબંધી કરીને કારમાં ભાગતાં બે આરોપીઓ અનિરૂદ્ધસિંહ અને મુસ્તાકને લોડેડ હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્રીજા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે.
આ મામલે જામનગરના SP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ધ્રોલમાં ફાયરિંગ થયું છે. આરોપીઓ સ્વીફ્ટ કારમાં આવ્યા હતા અને ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. રાજકોટ રેન્જ પર મોરબી પોલીસ અને નાકાબંધીની મદદથી અમે બે આરોપીને લોડેડ હથિયાર સાથે પકડી પાડ્યા છે. વધુ વિગત અમે મીડિયાને પ્રેસ કોન્ફરન્સ કરી આવતીકાલે આપીશું. 2 કલાકથી ઓછા સમયમાં અમે આરોપીઓને ઝડપી લીધા છે. જામનગર પોલીસ અને મોરબી પોલીસની કામગીરીને બિરદાવું છું.
હત્યાનો બદલો લેવાં કે ખનીજ પ્રકરણમાં હત્યા થઈ હોવાની ચર્ચા
મૃતક દિવ્યરાજ જાડેજા મજેઠા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. તે ખનીજ માફિયા તરીકે કુખ્યાત હતો અને અગાઉ પણ તે હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો. હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે બંને આરોપીઓની સઘન પુછપરછ શરૂ કરી છે. અને હત્યાના ગુનાનો બદલો લેવા કે ખનીજ ચોરીના પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા ઉઠી છે. જો કે સાચું કારણ તો આવતીકાલે પોલીસ જ જણાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

