કચ્છ પોલીસની બર્બરતાઃ યુવકના ગુપ્ત ભાગમાં પેટ્રોલનાં પોતા નાખ્યા, વીજ શોક આપ્યો, મોત થતાં ખળભળાટ

કચ્છ જિલ્લાના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકને પોલીસે ચોરીની શંકાના આધારે ગેરકાયદે રીતે પૂરી રાખ્યો હતો. આ દરમિયાન ઢોર માર મારતા તેનું મોત થઈ ગયું હતું. મોતના બનાવ બાદ યુવકને ગોંધી રાખનાર ત્રણેય ખાખાધારી ગુંડાઓ ફરાર થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે યુવકને એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો હતો કે તેનું મોત થઈ ગયું છે. જે બાદમાં યુવકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસે ક્રૂરતાની હદ વટાવતા યુવકને ગુદાના ભાગે પેટ્રોલના પોતા મૂક્યા હતા. એટલું જ નહીં તેને વીજળીના ઝટકા આપવામાં આવ્યા હતા. યુવકના મોત બાદ અન્ય બે યુવકોને પણ ચોરીના શંકાના આધારે પોલીસે ગોંધી રાખ્યાનું માલુમ પડ્યું હતું. આ લોકોને પણ ગુદાના ભાગે વીજ શોક આપવામાં આવ્યો હતો.

3 પોલીસ કર્મીઓ સામે હત્યાની ફરિયાદ

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, મુન્દ્રા નજીક આવેલાં સમાઘોઘામાં ગામમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે શંકાના આધારે 3 યુવકોની અટકાયત કરી હતી. તેમાંથી એક યુવાન અરજણ ગઢવી હતો. 12મી જાન્યુઆરીએ પોલીસે તમારું પાર્સલ આવ્યું હોવાનું કહીને તેને ઉઠાવી ગયા હતા. અને પોલીસના મારમાં અરજણનું મોત નિપજ્યું હતું. પોલીસે મામલો દબાવવા હાર્ટ એટેકનું નામ આપ્યું હતું. પણ લોકોના ભારે વિરોધ બાદ ત્રણ પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.

મૃતકના કૌટુંબિક ભાઈ અને વ્યવસાયે વકીલ એવાં દેવરાજભાઇ રતનભાઈ ગઢવીએ લખાવેલી ફરિયાદ મુજબ ગત 13 જાન્યુઆરીની સવારે મૃતક અરજણ ખેરાજ ગઢવી (ઉ.વ.27 રહે સમાઘોઘા)ને તે પ્રાગપર ચાર રસ્તા પર હતો ત્યારે તેનું પાર્સલ આવેલું હોવાનું કહી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હોવાની કેફિયત આપી છે. અને ત્યારબાદ સતત છ દિવસ સુધી તેને સમાઘોઘા ચોરીના શકમંદ તરીકે કાયદેસરની અટક બતાવ્યા વિના ગુનાની કબૂલાત કરાવવા ઢોર માર મારવામાં આવ્યો હોવાથી તેનું મોત નીપજ્યું હોવાનું લખાવ્યું હતું. જે બાદ પોલીસે શક્તિસિંહ ગોહિલ,અશોક કનાદ અને જયદેવસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો હતો.

અરજણ નીચે જમીન પર બેઠો હતો. તે સમયે મૃતક અરજણે પોતાના ભાઈઓને પોતાના પર થયેલાં દમનની વાત કરતા કહ્યું કે તેણે કોઈ ચોરી કરી નથી. છતાં આ ત્રણેય કોન્સ્ટેબલોએ તેને ખૂબ માર માર્યો છે. ગુપ્ત ભાગે પેટ્રોલના પોતાં ભરાવે છે અને વીજળીનો કરંટ આપે છે. અરજણે તેનો પગ બતાડતાં તે ખૂબ સુઝી ગયેલો હતો. તેણે કહ્યું હતું કે હવે મારી લિમિટ પૂરી થઈ ગઈ છે. હું ચાલી પણ શકતો નથી. એક પોલીસવાળો મારીને જાઈ એટલે બીજો પોલીસવાળો આવીને માર મારે છે.

સમગ્ર ઘટના ત્યારે બહાર આવી કે જ્યારે મુન્દ્રા પોલીસના મારથી મૃતક અરજણ ગઢવીનું મોત થયું ત્યારે મુન્દ્રા પોલીસના ત્રણેય આરોપી કર્મચારી મૃતક યુવાન અરજણ ગઢવીને હોસ્પિટલ લઈ ગયા હતા. અને ત્યાં કહ્યું કે આ મોત હાર્ટ એટેકથી નીપજ્યું છે તેવું જણાવી અરજણના મૃતદેહને સરકારી દવાખાનામાં મૂકીને નીકળી ગયા હતા.

ફરાર પોલીસકર્મીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર

પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘે જણાવ્યું કે, મૃતકના સ્વજનોએ જે રજૂઆત કરી હતી તે મુજબ ત્રણે કોન્સ્ટેબલ વિરુધ્ધ હત્યા (આઈપીસી 302) અને ત્રણ કે તેથી વધુ દિવસ સુધી ગેરકાયદે ગોંધી રાખવા (આઈપીસી 343)ની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરી લીધી છે. હતભાગીના પગ સહિતના અંગોમાં ઈજાના નિશાન જોવા મળ્યાં હતા. જો કે તેનું મૃત્યુ ખરેખર કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સ્પષ્ટ થશે. પોલીસે શક્તિસિંહ ગોહિલ,અશોક કનાદ અને જયદેવસિંહ ઝાલા નામના ત્રણ કર્મી સામે ગુનો નોંધ્યો છે. જોકે, ત્રણેય આરોપીઓ શકમંદનું મોત થયું ત્યારબાદથી ફરાર થઈ ગયા છે. આ મામલે ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

પોલીસે મધરાત્રે એફઆઈઆર રજિસ્ટર કરી હતી. ચોરીના ગુનામાં અરજણની જેમ બીજા બે ગઢવી યુવકોને પણ ગેરકાયદે ગોંધી રખાયાં હોવાનું બહાર આવ્યું હતું. ગઢવી સમાજે બંને યુવકોને મુક્ત કરવા માંગણી કરતાં પોલીસે હરજુગ હરિભાઈ ગઢવી અને શામરા પબુ ગઢવી નામના બે યુવકોને મુક્ત કર્યાં હતા. આ બંને પર પણ સખત દમન ગુજારાયું હતું. એક જણ તો ચાલી પણ શકતો નહોતો. બેઉને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાયાં હતા.

મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથનો મામલે પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ અને જવાબદાર પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાએ કહ્યું કે કાયદાના રક્ષકો ભક્ષક બને એ દુઃખદ ઘટના. પોલીસ સ્ટેશનમાં માથાભારે પોલીસકર્મીના કારણે ગુન્હાહિત પ્રહુતી વધી છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો