ભલભલાના રુંવાટા ઊભા કરી દેતો વીડિયો, અંધ મહિલાના બાળકને બચાવવા માટે રેલવે કર્મચારી ધસમસતી ટ્રેનની સામે દોડી ગયો

આ વીડિયો જો તમને કોઈ સીધો જ બતાવી દે તો એવું જ લાગે કે કોઈ દુઃસ્વપ્ન હશે અથવા કોઈ સુપરહીરો ફિલ્મનો સીન હશે. પરંતુ મુંબઈની ફાસ્ટ ફોરવર્ડ ધબકતી રિયલ લાઈફનો આ 30 સેકન્ડનો વીડિયો તમારા રુંવાટા ઊભા કરી દેવા માટે પૂરતો છે. એ સાથે 30 સેકન્ડમાં શું થઈ શકે છે તે પણ સમજાવી શકે છે. આપણે ત્યાં કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે’ જાણે આ કહેવત ખરા અર્થમાં ચરિતાર્થ થતી હોય તેમ સોમવારે મુંબઈના એક રેલવે પ્લેટફોર્મ પર પોતાના નાના બાળક સાથે ચાલીને જતી અંધ માતાનું બાળક રેલવે ટ્રેક પર પડ્યું. તો એ જ ટ્રેક પર વિજળીની ઝડપે એક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પાવો વગાડતી દોડીને આવી રહી હતી. અશુભની આશંકાએ માતા મદદ માટે ચીસાચીસ કરી રહી હતી અને જાણે વિધિની ઠોકરથી આજીવન અંધારાનો અભિશાપ ભોગવતી માતાની આ દ્રવ્યનાક ચીસો સાંભળીને ખુદ વિધાતાને પણ પ્રેરણા મળી હોય તેમ અચાનક એક વ્યક્તિ દોડીને આવ્યો અને 30 સેકન્ડમાં ધસમસતા મોત સામેથી બાળકને બચાવી લીધો તે પણ કોઈપણ જાતના નુકસાન વગર.

વાંચીને જ હાથપગ ઠંડા પડી જાય તેવી આ ઘટના મુંબઈના મુખ્ય સ્ટેશન સીએસએમટીથી 100 કિમી દૂર આવેલા વાંગણી રેલવે સ્ટેશનની છે. જો સ્ટેશનના સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ ન થઈ હોત તો કોઈને માનવામાં પણ ન આવે. વાંગણી રેલવે સ્ટેશન પરથી ઉદયન એક્સપ્રેસ તેની ફૂલ સ્પીડથી પસાર થવા માટે આવી રહી હતી તેવામાં રેલવેના કર્મચારી મયુર શેલકે(30)ના કાને અચાનક જ એક બાળકના રડવાનો અવાજ અને એક મહિલાની ચીસાચીસ સાંભળવા મળી. શેલકે રેલવેમાં પોઇન્ટ્સમેનની ફરજ બજાવે છે તેનું કામ છે રેલવેના સિગ્નલ ચેક કરવાનું. તેણે અવાજી દિશામાં જોયું તો એક 6 વર્ષનો બાળક પ્લેટફોર્મ પરથી પડીને પાટા પર પડ્યો હતો.

બાળક પ્લેટફોર્મ પર ચડવા માટે હવાતિયા મારતો હતો અને મહિલા મદદ માટે આર્તનાદ કરી રહી હતી. જોકે મહિલા પોતે અંધ હોવાથી બાળકને પ્લેટફોર્મ પર ખેંચી શકે તેમ નહોતી. મહિલાની હાવભાવ અને એક્શન જોઈને શેલકેને આ વાતનો અંદેશો આવી ગયો અને તેણે એક પળનો પણ વિચાર કર્યા વગર પ્લેટફોર્મ પરથી ટ્રેક પર કૂદીને બાળક તરફ દોડ મૂકી. આ દરમિયાન ટ્રેન પણ તેની ઝડપે ધસમસતી બાળક અને શેલકે તરફ આવી રહી હતી.

જુઓ વીડિયો

શેલકે દોડીને બાળક સુધી પહોંચ્યો અને તેણે બાળકે ઉઠાવીને પ્લેટફોર્મ પર ચડાવ્યો અને પોતે પણ ખૂબ જ ઝડપથી પ્લેટફોર્મ પર ચડ્યો. બસ તે પછી સેકન્ડમાં ટ્રેન પાવો મારતી ધસમસતી પસાર થઈ. આ ઘટનામાં જો ફક્ત 5-6 સેકન્ડનું પણ આઘુપાછું થાત તો એક મોટી કરુણાંતિકા સર્જાઈ જાત. સેન્ટ્રલ રેલવેના મુખ્ય પીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું કે શેલકે સેન્ટ્ર્લ રેલવેમાં પોઇન્ટ્સમેન તરીકે ફરજ બજાવે છે. તેમની ફરજ છે કે ટ્રેનનું સિગ્નલ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં તે ચેક કરવાનું. તેમના સાહસભર્યા પગલાથી આજે એક દિવ્યાંગ માતાનો પુત્ર બચી ગયો છે અને તેણે શેલકેનો ખૂબ આભાર માન્યો છે.

શેલકેના આ કામની સુવાસ રેલવે પ્રધાન પિયુષ ગોયલ સુધી પહોંચી અને તેમણે શેલકે વ્યક્તિગત ફોન કરીને શાબાસી આપવા સાથે તેના વખાણ કર્યા હતા. ગોયલે આ ઘટના અંગે ટ્વિટ કરીને પણ જણાવ્યું કે ‘રેલવે મેન મયુર શેલકેના આ કાર્ય પર અમે ખુબ જ ગૌરવાંવિત છીએ જેણે ખૂબ જ અદમ્ય સાહસ સાથે પોતાનો જીવ જોખમમાં નાખીને બાળકનો જીવ બચાવ્યો છે.’

એશિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સપોર્ટ ડેવલોપમેન્ટે શેલકેને રુ. 50000નું ઇનામ જાહેર કર્યું છે. શેલકે જેણે 6 મહિના પૂર્વે જ રેલવેમાં નોકરી મેળવી હતી. જેણે પોતોના આ સાહસિક કાર્ય પ્રત્યે ખૂબ જ નમ્રતા સાથે કહ્યું કે, ‘જ્યારે મે આ બાળકને ટ્રેક પર જોયો ત્યારે હું ડ્યુટી પર હતો. એક સેકન્ડ માટે તો હું અચકાયો કે શું કરું. પરંતુ પછી મે નક્કી કરી લીધું કે મારે બાળકને બચાવવો જોઈએ અને હું એકદમ દોડી ગયો કે જેથી ટ્રેન પહોંચે તે પહેલા હું પહોંચી જાઉં.’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો