રાજકોટમાં પિતા કરતાં મા વધુ તરછોડાઈઃ 5 વૃદ્ધાશ્રમમાં 411 વડીલ, 179 પિતા, 232 માતાને સંતાનોએ ઘર છોડાવ્યું

વૃદ્ધાશ્રમો ખોલવાની જરૂર કેમ પડી?, ઘર મોટા થયાં પરંતુ દિલ નાના થયા, સંબંધો ટૂંકા થવા લાગ્યા, જે મા એ નવ નવ મહિના પેટમાં રાખ્યા અને સમજણા થયા ત્યાં સુધી ખોળામાં નિભાવ્યા એજ દીકરાઓએ માતાને ત્યજી કેમ દીધી?, આ સવાલ માત્ર રાજકોટ જ નહીં વિશ્વના વૃદ્ધાશ્રમોમાં ઘૂમરા મારે છે. રાજકોટ શહેરમાં ત્રણ અને શહેરની ભાગોળે રતનપરમાં બે વૃદ્ધાશ્રમ આવેલા છે, અમે આ વૃદ્ધાશ્રમોએ ગયા ત્યારે ત્યાં રહેતા વડીલોને જોઇને એક ચિત્ર ઊડીને આંખે આવ્યું કે પિતાઓ કરતા માતાઓની સંખ્યા આ વૃદ્ધાશ્રમોમાં વધુ હતી.

15 માતાએ ભૂતકાળ વાગોળ્યો

રાજકોટના રમણીકકુંવરબા વૃદ્ધાશ્રમમાં 45 વડીલો છે જેમાં 23 મહિલા અને 20 પુરુષો છે, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં 50 વડીલો જિંદગીનો અંતિમ પડાવ પાર પાડી રહ્યા છે અને અહીં 23 મહિલાઓ અને 27 પુરુષ છે, સદભાવના વૃદ્ધાશ્રમમાં 256 વૃદ્ધો છે અહીં 136 પુરુષ અને 120 મહિલા મૃત્યુની વાટે જીવી રહ્યા છે. રતનપરમાં બે વૃદ્ધાશ્રમ છે જે બંનેમાં માત્ર માતાઓ જ છે, મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં 45 અને માતૃછાયા વૃદ્ધાશ્રમમાં 15 માતા ભૂતકાળને વાગોળીને દિવસો ટૂંકાવી રહ્યા છે.

માતાઓની વધુ સંખ્યા અમને હચમચાવી ગઇ, અમે જ્યારે રમણીકકુંવરબા વૃદ્ધાશ્રમના ગૃહમાતા કુસુમબેન સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, ‘સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. સાસુ-વહુ વચ્ચે જનરેશન ગેપ છે, સાસુ પોતાના સમયની વાત છોડી શકતા નથી, અને વહુ વર્તમાન અને ભવિષ્યના સ્વપ્ન જીવવા ઇચ્છે છે, બાંધછોડ કરવા કોઇ તૈયાર નથી ત્યારે હાર વૃદ્ધોની થાય છે અને વૃદ્ધાશ્રમ જ તેનું આશ્રયસ્થાન બને છે. દીકરાના ઘરના ગૃહપતિ પ્રફુલભાઇ પરીખે પણ આજ વાત દોહરાવી અને જતું કરવાની ભાવનાનો અભાવ અને અહમને કારણભૂત ગણાવ્યા હતા. મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમના મેનેજર મોહિત દૂધરેજિયાએ કહ્યું કે, પુરુષો ઘરની બહાર નીકળી જાય છે, એ કોઇની દુકાને કે જાહેર ઓટલા પર બેસી સમય કાઢી નાખે છે જ્યારે મહિલા સતત ઘરમાં જ હોય છે અને વહુ સાથે તેનો સતત સંપર્ક અને બંને વચ્ચેના વિચારભેદ સાસુ વહુ વચ્ચે વધુ અંતર કરી નાખે છે.

રાજકોટના રૈયા ચોકડી પાસે રહેતા એક પરિવારના 80 વર્ષના વૃદ્ધા મંજુલાબેનને દશ દિવસ પૂર્વે જ તેનો પુત્ર રતનપરના વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, વૃદ્ધાને સંતાનમાં ત્રણ પુત્ર અને ચાર પુત્રી છે. મંજુલાબેનના પતિ પોસ્ટમાં નોકરી કરતા હતા, તેમના નિધન બાદ વૃદ્ધાને પેન્શન આવે છે અને મંજુલાબેનના નામના ત્રણ મકાન છે પરંતુ પુત્રવધૂ સાથે સતત વિવાદ થતો હોય અંતે મંજુલાબેનનું આશ્રય વૃદ્ધાશ્રમ બન્યું છે. સાત સંતાનોનો ઉછેર કરનાર વૃધ્ધા આજે નિ: સહાય બની છે અને વૃધ્ધાશ્રમનો આશરો લેવો પડ્યો છે. પોતાના સંતાન વિશે વાત કરતી વેળાએ વૃધ્ધાની આંખમાંથી આંસુ નીકળી ગયા હતા.

રોજ રાહ જોવ છું, આજે મારો દીકરો મને લઇ જશે

74 વર્ષના શાંતુબેનની આંખ નબળી પડી ગઇ છે, ધૂંધળું દેખાઇ છે, વાત કરતી વખતે પણ શરીર ધ્રૂજે છે, પાંચ વર્ષથી વૃદ્ધાશ્રમને જ પોતાનું ઘર બનાવીને રહે છે, તેમણે નિશાશા સાથે કહ્યું હતું કે, દરરોજ સવાર પડે ત્યારે આશા જાગે છે કે આજે મારો દીકરો આવશે અને મને ઘરે લઇ જશે, આખો દિવસ રાહ જોવ છું, ગૃહમાતા રૂમમાં આવે ત્યારે મને એમ જ થાય કે મારો દીકરાના સમાચાર લઇને આવ્યા હશે પરંતુ એવું થતું નથી, મારે મારા પુત્રના ઘરે જવું છે તેની સાથે રહેવું છે, હવે કેટલા દિવસની જિંદગી એ તો ખબર નથી પણ અંતિમશ્વાસ મારે ઘરે લેવા છે, હું તો હંમેશા તેનું ભલું થાય તેવા જ આશીર્વાદ આપું છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો