જેતપુરના જેતલસરની હૈયું હચમચાવી દેતી ઘટના: 5 સભ્યના પરિવારમાંથી 4 લોકોને કોરોના ભરખી ગયો એકમાત્ર મહિલા બચી

કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટ જિલ્લામાં અનેક પરિવારના માળા વિખાયા છે, ત્યારે જેતપુરના જેતલસર ગામે પાંચ સભ્યના પરિવારમાં 4 સભ્યોના ત્રણ દિવસના અંતરે જ જીવનદીપ બુઝાયા છે. હવે માત્ર એક મહિલા બચી છે; તે પણ કોરોનાની સારવાર હેઠળ છે. જેતલસરના અગ્રવાત પરિવાર પર કોરોનાનું કાળચક્ર ફરી વળતાં નાનાએવા ગામમાં સોંપો પડી ગયો છે. કોરોનારૂપી રાક્ષસે પરિવારને વેરવિખેર કરતાં કઠણ હૃદયના માનવીની પણ આંખમાં આંસુ સરી પડે તેવો આ કિસ્સો છે.

રાજેશભાઇ અગ્રાવતનું ત્રણથી ચાર કલાકનું વેન્ટિલેટર પર સારવાર બાદ મોત

જેતલસર ગામે રહેતા રાજેશ પરસોતમભાઈ અગ્રાવત (ઉં.વ .49)ની ચારેક દિવસ પૂર્વે તબિયત નરમ લાગતાં તેઓ જેતલસર આરોગ્ય કેન્દ્ર ખાતે પોતાનો અને પુત્ર ઓમ (ઉં. વ. 17)નો આર્ટિફિશિયલ રિપોર્ટ કરાવતાં બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાંય તબિયત નરમ હોવાથી ઘરે દવા ચાલુ રાખી હતી. તેમાં 19 એપ્રિલે રાજેશભાઈની તબિયત લથડતાં તેમને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. અહીં માત્ર ત્રણથી ચાર કલાકના વેન્ટિલેટર પર સારવાર બાદ હોસ્પિટલ તંત્રએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પુત્ર-પૌત્રનાં મોતથી ભાંગી પડેલાં પતિ-પત્નીની તબિયત લથડી

બીજી બાજુ ઘરના બીજા સભ્યોની તબિયત પણ બગડતી જતી હોવાથી રાજેશભાઇની પુત્રી પોરબંદર સાસરે છે. તેણે દાદા પરસોતમભાઈ, દાદી મંગળાબેન, માતા રમાબેન અને ભાઈ ઓમને પોરબંદર લઈ જઈ ત્યાં (હોમ આઇસોલોટ) સારવાર ચાલુ કરી હતી. 21 એપ્રિલના રોજ ઓમની તબિયત લથડતાં તેને તરત જ હોસ્પિટલે લઈ જતાં ત્યાં થોડીવારની સારવાર બાદ તેનું પણ મોત થતાં બાકીનાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. પુત્ર અને પૌત્રના એકાએક મોતથી ભાંગી પડેલા પરસોતમભાઈ અને મંગળાબેનની પણ તબિયત લથડી હતી.

પત્નીના મોતના દોઢ કલાક બાદ પતિનું મોત

અગ્રાવત પરિવારને ત્યાં યમરાજે ધામાં નાખ્યા હોય તેમ મંગળાબેનની તબિયત લથડી અને હજુ સારવાર મળે એ પહેલાં જ તેમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું અને ત્યાર બાદ દોઢ કલાકના અંતરમાં જ પરસોતમભાઈનું પણ મોત થતાં કોરોનાએ અગ્રાવત પરિવારનો આખો માળો વીંખી નાખ્યો હતો. સાસુ સસરા, પતિ અને પુત્રના મોતથી ભાંગી પડેલાં રમાબેન પણ હાલ સારવાર હેઠળ છે. આમ, કોરોના જેતલસરના અગ્રાવત પરિવારના ચાર-ચાર સભ્યોને ભરખી ગયો જતા નાનાએવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

બપોર બાદ પતિ અને રાત્રે પત્નીએ વિદાય લીધી

રાજકોટ બી-ડિવિઝનમાં ફરજ બજાવતા ASI અમૃતભાઇ માયાભાઇ રાઠોડ (ઉં.વ.47) કોરોનાથી સંક્રમિત થયા હતા. ચાર દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્‍યો હતો, પરંતુ તબિયત બરાબર થઇ ન હોવાથી સિવિલમાં સારવાર હેઠળ હતા. 19 એપ્રિલના બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લેતાં શહેર પોલીસમાં શોક વ્યાપી ગયો હતો. પુત્ર-પરિવારજનો અંતિમવિધિ આટોપીને હજુ આવ્‍યા હતા ત્‍યાં મોડી રાતે એકાદ વાગ્‍યે અમૃતભાઇનાં ધર્મપત્‍ની લાભુબહેને પણ દમ તોડી દીધો હતો. તેમને પણ કોરોના થયો હોવાથી ઘરે જ સારવાર લઈ રહ્યાં હતાં.

સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર

અમૃતભાઇ અને લાભુબહેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, જેમાં પુત્ર સૌથી નાનો છે. ત્રણ ભાઈ-બહેનોએ બાર કલાકના ગાળામાં જ પહેલા પિતા અને પછી માતાને ગુમાવતાં નોધારાં થઈ ગયાં છે. રામનાથપરા પોલીસલાઇનમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. કરુણતા એ છે કે આવતા મહિને એટલે કે 24મી મેના રોજ આ દંપતીની એક દીકરીના લગ્ન લેવાયા હતા, જેના હાથે કન્‍યાદાન થવાનું હતું એ મા-બાપ જ હયાત ન રહેતાં રાઠોડ પરિવારના સપનાં વેરણછેરણ થઈ ગયાં છે.

ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે કોરોના ભરખી ગયો

ગોંડલ શહેરના જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. અહીં શનિવારે વસંતબેનનું નિધન થયું હતું અને જિતેન્દ્રભાઇનું રવિવારના નિધન થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો