વડોદરાના સાવલીના BJPના MLA કેતન ઈનામદારનું ધારાસભ્યપદેથી રાજીનામું, વાંચો, કેતન ઇનામદારનો રાજીનામાનો પત્ર

ધારાસભ્ય કેતન ઈનામદારે આપેલા રાજીનામા પાછળ અનેક કારણો ચર્ચામાં રહ્યા હતા. નારાજ ધારાસભ્યને મનાવવા ગુરુવારે પ્રદેશ પ્રમુખ આવીને તેમની સાથે ચર્ચા કરશે. ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સાવલી-મંજૂસર રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતું આ રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જવા ઉપરાંત રોડની ક્વોલીટી અંગે કલેક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. ચર્ચા એવી છે કે,આ કોન્ટ્રાક્ટર સામે થયેલી તપાસ બંધ કરવા માટે કેતન ઈનામદારે કલેક્ટર શાલીની અગ્રવાલ તેમજ સરકારમાં રજૂઆત કરી હતી. જોકે આ તપાસ બંધકરવામાં ન આવતા કેતન ઈનામદારને કલેક્ટર અને સરકારમાં બોલાચાલી પણ થઈ હતી.

નગરપાલિકાના બેન્ક ખાતા સીઝ કરી દેવાયા
સાવલી-ભાદરવા રોડ ખરાબ ક્વોલીટીનો બન્યો હોવાથી આ રોડને નવેસરથી બનાવવા માટે કેતન ઈનામદારે નીતીન પટેલને રજૂઆત કરી હતી. જોકે આ નિયમ અનુસાર નવો રોડ બન્યા બાદતેને ફરીથી સાડા સાત વર્ષ બાદ નવો બનાવવામાં આવે છે. આ રોડને સાડા સાત વર્ષ પુરા ન થયા હોવાથી નીતીન પટેલે 6 મહિના પછી મંજૂરી મળવાનું જણાવતા કેતન ઈનામદાર અને નીતીન પટેલ વચ્ચે ધારાસભ્યોના કોઈ કામ થતા નથી તેવી બોલાચાલી થઈ હોવાની ચર્ચા છે. સાવલી નગરપાલિકાનું લાખો રૂપિયાનું વિજ બીલ બાકી હોવાથી જીઈબી દ્વારા વિજ કનેક્શન કાપી નાંખવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે ધારાસભ્ય કેતન ઈનામદારે મધ્યસ્થી કરીને 10 ટકા રકમ ભરવાનો ઉકેલ લાવ્યા હતા. પરંતુ નગરપાલિકાના કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડના નાણા પ્રોવિડન્ડ ફંડ કચેરીમાં જમા ન થતા પીએફ કચેરી દ્વારા નગરપાલિકાના બેન્ક ખાતા સીઝ કરી દેવાયા હતા. જેથી જીઈબીને 10 ટકા રકમ ચૂકવાય તેવી ન હતી. મંત્રી કક્ષાએ ઉર્જા મંત્રીને આ અંગે વાત કરતા સૌરભ પટેલે બીલ તો ભરવું પડશે તેમ જણાવતા બોલાચાલી થઈ હતી. સાવલી-ડેસર તાલુકામાં 34 ગામોમાં સિંચાઈ યોજનાઓની વ્યવસ્થા નથી. કેતન ઈનામદારે 2014-15 થી 34ગામોમાં સિંચાઈ માટે પાણી મળે તે અંગે કરેલી રજૂઆતોને ધ્યાને લેવાઇ નથી. અતિવૃષ્ટિમાં સાવલી તાલુકામાં 44 ગામ સિવાયના ખેડુતોને ઉચ્ચક રકમ આપવાનો પરીપત્ર બહાર પાડતા ધારાસભ્ય નારાજ થયા હતા.

હવે જવાબદારી રૂપાણીની અને સરકારી તંત્રની છેઃ કોંગ્રેસ પ્રવક્તા

અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ગુજરાત સરકારમાં ચાલતી પોલીસી પેરેલેસિસનો ઈનામદારે ઈમાનદારી પૂર્વક સ્વીકાર કર્યો. હવે જવાબદારી રૂપાણીની અને સરકારી તંત્રની છે. જેથી પોલીસી પેરેલિસિસ અને તંત્રની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ.

હજુ સુધી રાજીનામાનો પત્ર મને મળ્યો નથી
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું તે અંગે મીડીયામાંથી જાણ થઈ છે. પરંતું મને ધારાસભ્ય કેતન ઈનામદાર મળવા આવ્યાંનથી અને તેમનું રાજીનામું પણ મને મળ્યું નથી. – રાજેન્દ્ર ત્રિવેદી, અધ્યક્ષ,ગુજરાત વિધાનસભા

રાજીનામાં અંગે મને કોઈ પણ જાણ નથી
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું તે અંગેના કારણ વિશે પણ કોઈ જાણકારી નથી. જ્યારે સાવલીના ધારાસભ્ય બાદ જિલ્લામાંથી પણ ભાજપના કોઈ સભ્ય કે નેતાએ પણરાજીનામું આપ્યું હોય તેવું મારી જાણકારીમાં નથી. – દિલુભા ચુડાસમા,વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ

કેતન ઈનામદારનો સંપર્ક કરી તેમની નારાજગીનું કારણ જાણીશું: ભરત પંડ્યા
ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વડોદરાના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેઓએ પોતાના મતવિસ્તારના કર્યો સમયસર પૂર્ણ ન થવાને કારણે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામુ આપ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે તેમનો સંપર્ક કરી તેમની નારાજગીનું કારણ જાણવામાં આવશે તેમજ ધારાસભ્યની અનેકવાર રજૂઆતો છતાં પ્રજાના હિતમાં પગલા ન લેનાર અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. ગુજરાતની ભાજપ સરકાર પ્રમાણિકતા અને પારદર્શિતા સાથે જનહિતના કાર્યો કરી રહી છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપનાં કાર્યકર કેતન ઈનામદાર પોતાના જનતાના સેવાના કાર્યમાં લાગશે અને પોતાનું ધારાસભ્ય પદેથી આપેલ રાજીનામું પાછું ખેંચશે.

કેતન ઇનામદારની લાગણીઓ ધ્યાને ક્ષતિઓ હશે તે દુર કરીશું: જીતુ વાઘાણી
ગુજરા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારે કેતનભાઈ સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે. પોતાના મતવિસ્તારના અમુક વિકાસકાર્યો બાબતે તેમની માગણીઓ હતી તે બાબતે તેમની સાથે વિગતવાર ચર્ચા થઈ છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી મેં એમને બાહેધરી આપી છે કે તેમના પ્રશ્નોનું યથાયોગ્ય નિરાકરણ થશે. વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા તેજ ગતિએ કાર્યરત છે ત્યારે કેતન ઇનામદારની પણ લાગણીઓ ધ્યાને લઈ જે કંઈ ક્ષતિઓ હશે તે દુર કરવામાં આવશે તેમની નારાજગી સંપૂર્ણ દૂર થઈ છે.

કેતન ઇનામદારનો રાજીનામાનો પત્ર

માનનીય અધ્યક્ષ શ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર,સુજ્ઞમહાયશયશ્રી,વંદેમાતરમ સહ જણાવુ છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર 135, સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરૂ છું. મારા મત વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ/રજૂઆતો સંદર્ભે સરકાર અને વહીવટીતંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન-સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને રજુઆતો કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા મારા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુઃખદ બાબત છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓને બહાર લાવવા તથા મારી અવગણના એ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતોની અવગણના છે. મારા પ્રજાજનોના હિતો માટે અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. મારા ભારે હ્રદયે પક્ષની તમામ શિસ્ત અને વિચારધારાને આજ દિન સુધી નિભાવેલ છે અને નાછુટકે હું કેતનકુમાર ઇનામદાર 135-સાવલી વિધાનસભા ધારાસભ્ય પદ પરથી પ્રજાના હિતમાં રાજીનામુ આપું છું.
-કેતનકુમાર મહેન્દ્રભાઇ ઇનામદાર, ધારાસભ્ય, 135-સાવલી વિધાનસભા

આ મારા એકલાનો અવાજ નથી,તમામ જન પ્રતિનિધીઓનો અવાજ છેઃ કેતન ઇનામદાર
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, આ આજની વાત નથી મારી વિકાસ કામો માટે અવાર-નવારની રજૂઆતો કરવા છતાં મારા વિસ્તારના કામો થતાં ન હોવાના કારણે જ મેં રાજીનામું આપ્યું છે. મેં કોઇ હોદ્દા માટે રાજીનામું આપ્યું નથી. મેં દુખી મને નિર્ણય લીધો છે. આ મારા એકલાનો અવાજ નથી. તમામ જન પ્રતિનિધીઓનો અવાજ છે. આ નારાજગી પાર્ટી સામે નથી. પરંતુ, વહીવટી અધિકારીઓ સામેની નારાજગી છે. મેં અવારનવાર ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. મારું સ્વપ્ન છે. મારા તાલુકામાં કંઇક આપું. આવનારી પેઢી યાદ કરે. પ્રાથમિક સુવિધા મૂળભૂત અધિકારી છે. પણ નવું કંઇક આપવા માંગુ છું તો મને આવનારી પેઢી યાદ કરે. મંજુસર જીઆઇડીસીમાં 10 હજાર જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. કામદાર વિમા યોજનાની હોસ્પિટલ સાવલીમાં બને તે માટે વાત કરી હતી. આવા અનેક કામો થયા ન હોવાથી મેં રાજીનામું આપ્યું છે. હાલ પક્ષ છોડવાની કોઇ વાતજ નથી.

વિધાનસભાની ચૂંટણી પછી નારાજ ધારાસભ્યો સર્કિટ હાઉસમાં ભેગા થયા હતા
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના ધારાસભ્યો યોગેશભાઈ પટેલ,જીતુભાઈ સુખડિયા,મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદાર વડોદરા સર્કિટ હાઉસ ખાતે ભેગા થયા હતા. આ મીટીંગમાં પક્ષ દ્વારા ધારાસભ્યોને કોઈ સાંભળતું ન હોવાની ફરિયાદો ઉપરાંત કોઈ કામો પણ થતા ન હોવા અંગે હોબાળો કરાયો હતો.

ગઢ બચાવવા રાજ્યના નેતાઓને દિલ્હીથી કડક શબ્દોમાં ચેતવણી
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું પડતા હવે ગુજરાતના પક્ષીય સંગઠનમાં રઘવાટ વધ્યો છે. નેતાઓ આક્રમક અંદાજમાં ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમવા ઉત્સુક છે પણ પૂછડીયા બેટ્સમેન મેદાન છોડી ભાગવાના મૂડમાં છે. ઇનામદાર સિવાય પણ અનેક ધારાસભ્યો દિલમાં દાઝનો જ્વાળામુખી શાંત કરીને બેઠાં છે અને હવે આ રાજીનામાં બાદ ગમે ત્યારે સક્રીય થાય અને તેનો લાવા આખા સંગઠન અને સરકારને ન દઝાડે તે માટે ગુજરાત ભાજપમાં ડેમેજ કંટ્રોલની કવાયત શરુ કરી દેવાઇ છે. ગુજરાત ભાજપના એક ખૂબ વરિષ્ઠ નેતાના જણાવ્યાં અનુસાર હવે સંગઠન સંરચના કરતાં સંગઠન સંરક્ષણ કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. લાકડીયા તારની જેમ ઇનામદારનો બળવો હવે બીજા ધારાસભ્યો અને પક્ષના નેતાઓને બહાર આવવા દુષ્પ્રેરણા પૂરી ન પાડે તે કરવું જરુરી બન્યું છે અને તેના માટે પક્ષના રાજ્યસ્તરના તમામ ઉચ્ચ પદે બિરાજતા નેતાઓને તાકીદ કરી દેવાઇ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો