પોરબંદરમાં ઘરેથી ભાગી છુટેલી યુવતીની દરિયા કિનારેથી અડધી સળગેલી અને દાટેલી અવસ્થામાં મળી લાશ

પોરબંદર શહેરનાં SVP રોડ પર રહેતી એક યુવતિ ઘરેથી ગૂમ થયા બાદ તેની લાશ ઇન્દીરાનગર દરિયાકાંઠા પાસે બાવળની ઝાડી નજીકથી અડધી સળગેલ અને અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી. આ યુવતિના લગ્ન ડિસેમ્બર માસમાં લેવાયા હતા અને ગઇકાલે પ્રેમીને મળવા નાશી છૂટી હતી. આ યુવતિની લાશ રહસ્મય સંજોગોમાં મળી આવતા, પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

જમીનમાં અડધી દાટેલી અને અડધી સળગેલી હાલતમાં યુવતિનો મૃતદેહ મળી આવ્યો

પોરબંદરના SVP રોડ પર ગોકાણી વાડી સામે દયાળ ભવનમાં રહેતા અને દરજી કામનો વ્યવસાય કરતા લાભશંકર ગોકળદાસ જોષી ની 23 વર્ષીયા પૂત્રી રીમા ગઇકાલે બપોરે 3.15 કલાકે તેની બહેનપણીનો ફોન આવ્યો છે, મળવા જાવ છું, તેમ કહી ઘરેથી નીકળી હતી અને રાત્રી સુધી પરત નહિ ફરતા તેમના પરિવારજનોએ તેણીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ રીમાની કોઇ ભાળ મળી ન હતી. તે દરમ્યાન પોરબંદરથી ઓડદર જતા રોડ પર આવેલા ઇન્દીરાનગર વિસ્તારના દરિયાકાંઠા નજીક બાવળની ઝાડી પાસેથી જમીનમાં અડધી દાટેલી અને અડધી સળગેલી યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો.

7 ડિસેમ્બરના રીમાના લગ્ન નક્કી થયા હતાં

સમગ્ર ઘટનાં અંગે જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગય હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ યુવતિને સળગાવી દઇને કોઇએ દાટી દીધી હોવાનું બહાર આવ્યુ હતું. તપાસ દરમ્યાન આ યુવતિનો મૃતદેહ ગૂમ થયેલી રીમા લાભશંકર જોષીનો હોવાનું જાણવા મળ્યુ હતુ. યુવતિના પિતાએ પોતાની પૂત્રીને કોઇ શખ્સે સળગાવીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે રીમાની સગાઇ સાતેક માસ પહેલા છાંયા વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે થઇ હતી અને આગામી 7 ડિસેમ્બરના રોજ તેણીના લગ્ન નકકી કરાયા હતા. યુવતિની હત્યા થતા તેણીના પરિવારજનો પર વજ્રઘાત લાગ્યો છે.

રીમાએ બે વર્ષ પહેલા લગ્ન કરી લીધાનો વડોદરા રહેતી પિતરાઇ બહેનને મેસેજ કર્યો ‘તો

રીમાના પિતાએ એવું જણાવ્યુ હતુ કે રીમાએ વડોદરા રહેતી પોતાની પિતરાઇ બહેનને મોબાઇલ પર મેસેજ દ્વારા કહ્યું હતુ કે ‘મેં 2 વર્ષ પહેલા લગ્ન કરી લીધા છે, હું ઘરે પાછી નહિં આવું, હું તમારા માટે અને તમે મારા માટે મરી ગયા છો’ એવો મેસેજ રીમાએ કર્યો હતો.

લગ્નની કંકોત્રી પણ છપાઇ ગઇ હતી

આગામી 7 ડિસેમ્બરના રોજ રીમાના લગ્ન નક્કી થયા હતા અને લગ્નની કંકોત્રી પણ છપાઇ ગઇ હતી અને યુવતિએ પોતાના હાથે સગાઓને કંકોત્રી લખી હતી. લગ્નની ખરીદીઓ પણ શરૂ કરી દીધી હતી. રીમાની હત્યા થતાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો.

હત્યામાં એકથી વધુ શખ્સો હોવાની આશંકા

બપોરે ઘરેથી નીકળ્યા બાદ રીમાનો મૃતદેહ અડધી દાટેલી અને અડધી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી આ હત્યા કોઇ એક શખ્સે નહિ પરંતુ એકથી વધુ શખ્સોએ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે.

યુવતીના ગળામાંથી મંગળસૂત્ર મળી આવ્યું

રીમાના લગ્ન આગામી ડિસેમ્બર માસમાં યોજાવાના હતાં. પરંતુ ઘરેથી નીકળ્યા બાદ રીમાની લાશ મળી આવતા યુવતિના હાથમાં વીંટી અને ગળામાં મંગળસૂત્ર મળી આવ્યુ હતુ. યુવતિના મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે જામનગર ખાતે ખસેડવામાં આવેલ છે.

માતાપિતાની એકમાત્ર સંતાન હતી

લાભશંકરભાઇ જોષીને સંતાનમાં એકમાત્ર રીમા નામની દીકરી હતી. જેને લાડકોડથી ઉછેરી હતી, તેણીની હત્યા થતાં માતાપિતા શોકમાં ગરકાઉ થઇ ગયા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો