વડોદરાની હૃદયદ્રાવક ઘટના! 63 વર્ષની ઉંમરે સમાજની યુવતી સાથે કર્યા લગ્ન, મીંઢળ છોડતાં જ નવવધૂનું મૃત્યુ થયું

પોતાના સમાજમાંથી કન્યા મેળવવાની જીદમાં ચાર દાયકા સુધી લગ્ન કરવા માટેની રાહ જોઈને બેઠેલા યુવાનની જિંદગી વીતી ગઈ હતી. 63 વર્ષની આધેડ વયે પોતાના સમાજની કન્યા મળતાં ખુશીથી ઝૂમી ઊઠેલા વરરાજાએ 5 ગામો જમાડીને લગ્ન કરવા વાજતેગાજતે જાન લઇ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, પરંતુ, કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. કન્યા લઇને પોતાના ઘરે આવેલા વરરાજાએ વિધિ કરાવી મીંઢળ છોડાવ્યું અને યમરાજ આવી પહોંચ્યા હતા અને નવેલી દુલ્હન લીલાને ચક્કર આવતાંની સાથે ઘરમાં પલંગ પર સુવડાવીને દવાખાને પહોંચે એ પહેલાં નવેલી દુલ્હનનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું, જેથી બે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના પીપલછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઈ રબારી ઉર્ફે કલાભાઈ (ઉં.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખીને પોતાનું અને અસ્થિર મગજના નાનાભાઇ રામજીભાઈ અને વિધવા બહેન દેવીબહેનનું ભરણ પોષણ કરે છે, તેમની જિંદગીમાં પત્નીનું સુખ પ્રભુ લખવાનું ભૂલી ગયા હોય એમ તેઓ માની રહ્યા હતા. છેલ્લા 4 દાયકાથી તેઓ પોતાના સમાજની કન્યા લાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા અને પોતે જીદ લઇ બેઠા હતા કે જ્યાં સુધી પોતાના સમાજની કન્યા નહીં મળે ત્યાં સુધી લગ્ન નહીં કરું, છેલ્લા કેટલાય સમયથી તેઓ જીવનસાથીની શોધમાં હતા, એમ છતાં ક્યાંય મેળ પડતો ન હતો.

જોકે લોકડાઉન દરમિયાન એવું બન્યું કે નજીકના વરસડા ગામના તેમના સંબંધી રાજુભાઈ રબારીને ખેડા જિલ્લાના ઠાસરા ગામની એક કન્યા લીલાબહેન રબારી(ઉં.40) નજરે ચઢ્યાં હતાં. તેમણે કલ્યાણભાઈ રબારીને કન્યા બાબતે વિગતે વાત કરી, ત્યારે થોડું પણ‌ મોડું કર્યા વગર તાબડતોબ જોવા માટે ઊપડી ગયા હતા અને ઠાસરાના વિક્રમભાઈ રબારીની બહેન લીલાબેન બધી રીતે કલાભાઈને ગમી ગયા હતા અને તેમની લગ્નની વાત આગળ વધારી હતી. પરિવારની પરવાનગી બાદ લગ્નની તારીખ નક્કી કરાઇ હતી.

વર્ષોથી સૂના આંગણે ઢોલ ઢબૂક્યા અને શરણાઈઓ ગુંજી ઊઠી હતી
વર્ષોથી કલાભાઈના સૂના આંગણે ઢોલ ઢબૂક્યા અને શરણાઇઓ ગુંજી હતી. 23 જાન્યુઆરી શનિવારે બપોરે પીપલછટ ગામે ભોજન સમારંભ રખાયું હતું. એમાં વાંટા, નારપુરી, રામપુરી, જેસર, ગોપરી, અને પીપલછટનાં ગ્રામજનો ઉપરાંત સગાં-વહાલાંને લગ્નનું આમંત્રણ આપી જમાડ્યા હતા. જ્યારે બીજા દિવસે કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ, માસ્ક ધારણ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી માત્ર 50 જાનૈયાઓને લઈ વાજતેગાજતે કલાભાઈની જાન ઠાસરા મુકામે રહેતા વિક્રમભાઈ રબારીની ત્યાં પહોંચી હતી.

હિન્દુ રીતરિવાજ મુજબ બંને લગ્નગ્રંથિથી જોડાયાં હતાં અને સાંજે 4 વાગે ઠાસરા નિવાસેથી લીલાબેન રબારીને પોતાના ભાઈએ ઘરેથી વિદાય આપી હતી. તેમના ભાઈને ક્યાં ખબર હતી કે તેઓ પોતાની વહાલસોઇ બહેનને અંતિમ વિદાય આપી રહ્યા છે. ચાર દાયકાથી લગ્ન કર્યા વિના ફરતા કલાભાઈ રબારી નવેલી દુલ્હન લઈ ઘરે આવતાં સમસ્ત ગ્રામજનોને ઘેલું લાગ્યું હતું અને તેમની દુલ્હનને નજરે નિહાળવા ફળિયાવાળા ઉપરાંત ગ્રામજનો ઊમટી પડ્યાં હતાં. ગામના મહારાજને બોલાવી વિધિ મુજબ મીંઢળ છોડવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

થોડા જ સમયમાં કલાભાઈની ધર્મપત્ની લીલાબેનને ચક્કર આવ્યાં હતાં. તબિયત વધુ ખરાબ થતાં કલાભાઈ ઉપરાંત પરિવારના સભ્યો લીલાબેનને લઈ કાલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા હતા, એ દરમિયાન રસ્તામાં જ લીલાબેનનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. દવાખાને પહોંચ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના ભાઈને જાણ કરાતાં પોતાની બહેનના મૃતદેહને ઠાસરા ગામે લઇ જવાયો હતો અને ગળતેશ્વર મહીસાગર નદીમાં પરિવારની ઉપસ્થિતિમાં અગ્નિદાહ અપાયો હતો.

મંડપમાં બાંધેલાં લીલાં તોરણ હજી તો લીલાં જ હતાં અને ઘડીભરની ખુશી આપી લીલાએ વિદાય લીધી હતી. આમ, બન્ને પરિવારોમાં આવેલી ખુશીઓ થોડા જ સમયમાં ગમમાં પરિવર્તન થઈ હતી. વાયુવેગે પંથકમાં વાતો પ્રસરતા જોગ-સંજોગનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો