લાલચું ડોક્ટરો થઈ જાવ સાવધાન! અમદાવાદમાં કોરોનાના દર્દી પાસેથી 19 લાખ પડાવનાર ડોક્ટર ત્રણ વર્ષ માટે થયા સસ્પેન્ડ
કોરોનાના દર્દી પાસેથી AMC દ્વારા નક્કી કરાયેલા દર કરતા વધારે રકમ વસૂલ કરનાર MBBS ડોકટર (doctor) સામે મેડીકલ કાઉન્સિલે મોટી કાર્યવાહી કરી છે. વિપુલ શાંતિલાલ પટેલ નામના ડોકટર વિરુદ્ધ મળેલી ફરિયાદને આધારે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ સુઓમોટો કરી કાર્યવાહી હાથ ધરી 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત મેડિકલ કાઉન્સિલની મળેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. જેમાં ખાનગી હોસ્પિટલમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા દરથી વધુ રકમ વસૂલી શકાય નહીં તે પ્રકારનો નિયમ બનાવ્યો છે. તેમ છતાં કેટલાક ડોકટર્સ દર્દીઓ પાસેથી મસમોટી રકમ પડાવી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાત મેડીકલ કાઉન્સિલે કોવિડ દર્દી પાસે વધુ રૂપિયા વસૂલતા તબીબ સામે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ડો. વિપુલ શાંતિલાલ પટેલ ને કર્યા 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કોરોનાના દર્દીઓ પાસેથી તેમણે નિયમ વિરુદ્ધ નાણાં વસૂલયા હતા. 19 લાખથી વધુનું બિલ દર્દીના સ્વજનને આપવા બદલ ફરિયાદ મળી હતી. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તપાસ કરાતા નિયત દર કરતા વધારાની રકમ ફી પેટે લીધાનું સ્પષ્ટ થયું છે. આ ઉપરાંત ડો વિપુલ તરફથી દર્દીને બિનજરૂરી દવાઓ પણ અપાયાનું તપાસમાં સામે આવ્યું છે. અનેક દર્દીઓ એ આ તબીબ સામે ફરિયાદ કરી હતી. એટલુ જ નહીં તબીબે ખોટા દસ્તાવેજના આધારે પૈસા પડાવ્યા હોવાની પણ કાઉન્સિલ ને ફરિયાદ મળી છે.
આ અંગે ગુજરાત મેડિકલ કાઉન્સિલ ના ચેરમેન ડો. નીતિન વોરા એ જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, દર્દીઓના સગાઓ અને હોસ્પિટલ એસોસિએશન તરફથી પણ ડોકટર વિરુદ્ધ ફરિયાદ મળી હતી. એ અન્વયે ગુજરાત મેડિકલ કાઉન્સિલ ની બેઠક મળી હતી અને બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો. અને ચર્ચાના અંતે કાઉન્સિલ તરફથી નિર્ણય કરાયો છે કે ડો. વિપુલ શાંતીલાલ પટેલનું રજિસ્ટ્રેશન ત્રણ વર્ષ માટે કેન્સલ કરવામાં આવે.
આ ડો. વિપુલ પટેલ પોતે MBBS છે છતાં તેમના વિઝીટીગ કાર્ડ પર MD, PNB, સ્પેશિયલિસ્ટ અને જુદી જુદી હોસ્પિટલ સાથે સંકળાયેલા હોવાનું દર્શાવ્યું છે. પરંતુ ગુજરાત મેડિકલ કાઉન્સિલ ના રેકોર્ડ પ્રમાણે આ ડોક્ટર પાસે માત્ર MBBSની જ ડિગ્રી છે. એક પતિ પત્નીને કોરોના થયો હતો તેમની સારવાર પેટે તેઓએ 19.5 લાખ જેટલી રકમ વસૂલી હતી. આ રકમ કોર્પોરેશન અને સરકાર દ્વારા નક્કી કરાયેલ અને હાઇકોર્ટે નક્કી કરેલ દર કરતા ખાસી મોટી છે. આ ઉપરાંત તેમણે દર્દીઓને સારવાર દરમિયાન આપેલી દવાઓ મોટી માત્રામાં ડોઝ પણ બિનજરૂરી આપી હોવાનું ધ્યાને આવ્યું છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ એ આ તમામ બાબતો ની ગંભીરતા થી નોંધ લીધી છે.
આ ઉપરાંત હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અન્ય કોઈ દર્દીઓ આ ડોકટર નો ભોગ ના બને તે હેતુથી આ ડોક્ટરનું રજિસ્ટ્રેશન ત્રણ વર્ષ માટે કેન્સલ કર્યું છે. મહત્વનું છે કે અમદાવાદ માં અનેક દર્દીઓ પાસેથી આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ મળી હતી અને પી.એમ.ઓ અને બ્રિટિશ એમ્બસી સુધી પહોંચી હતી તબીબ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે મેડિકલ કાઉન્સિલ એ આ મોટો નિર્ણય લેવાની ફરજ પડી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

