મોર્નિંગ વોક વેળાએ મહેશ સવાણીએ કહ્યું ‘મંદીમાં 300 દીકરીના લગ્ન કેમ થશે?’ અને ત્યારે જ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર આ વ્યક્તિ બની ગયાં ભાગીદાર

પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી છેલ્લાં 2012થી લગ્નોત્સવનું આયોજન કરીને પિતા વિનાની દીકરીઓનાં લગ્ન કરાવે છે. 2016ના અંતમાં નોટબંધી અને ત્યાર બાદ સર્જાયેલી સ્થિતિના કારણે મંદીનો માહોલ સર્જાયો હતો. મહેશ સવાણીને આ વર્ષે માત્ર 125 દીકરીઓના લગ્ન કરાવી શકે એમ હતા. જોકે, તેમનું મન માનતું ન હતું તેઓને તો 300 દીકરીઓનાં લગ્ન કરાવવાં હતાં. તેઓએ આ ચિંતા કિરણ જેમ્સના વલ્લભ લખાણી સામે વ્યક્ત કરતાં એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જ આ કાર્યમાં તેઓ ભાગીદાર બનવા તૈયાર થયા હતા. મહેશ સવાણી અને વલ્લભ લખાણીને આ બાબતે પૂછતાં બંનેએ પોતાની વાત રજૂ કરી હતી. ‘પાનેતર’ લગ્ન સમારોહનું આયોજન 21-22મી એ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ ખાતે યોજાશે.

લગ્નોત્સવને પાનેતર નામ અપાયું

દર વર્ષની જેમ આ વખતે પણ પીપી સવાણી ગ્રુપ પિતા વગરની 270 દીકરીઓનાં સમૂહલગ્નમાં કરાવશે. આ વર્ષે આ લગ્નોત્સવમાં કિરણ જેમ્સનો લખાણી પરિવાર સહભાગી થયો છે. આ લગ્નોત્સવને આ વખતે ‘પાનેતર’ નામ આપવામાં આવ્યું છે. આ લગ્નોત્સવ મોટા વરાછા રોડ પર સ્થિત પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ કેમ્પસમાં બે દિવસ યોજાશે. પહેલા દિવસે 21 ડિસેમ્બરે 135 દીકરીઓ અને બીજા દિવસે 22 ડિસેમ્બરે 135 દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે. પી.પી.સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, 19 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી મહેંદી મૂકાશે. મહેશ સવાણીના દીકરા મોહિતની સગાઈ આ જ લગ્નોત્સવમાં કરવામાં આવશે.

125 દીકરીઓના લગ્ન થઇ શકે તેમ હતાં

હું માર્ચ મહિનામાં એક દિવસે (તારીખ યાદ નથી) હું મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો. મારી સાથે કિરણ જેમ્સના વલ્લભભાઈ લખાણી પણ મોર્નિંગ વોક માટે આવ્યા હતા. મેં તેમને વાત-વાતમાં કહ્યું કે, નોટબંધી બાદથી હું થાકી ગયો છું. આ વખતે ફાઇનાન્સિયલ ક્રાઇસિસ વધારે છે. મારી ઇચ્છા 300 દીકરીઓનાં લગ્ન કરાવવાની છે, પરંતુ હું 125 દીકરીઓનાં લગ્ન કરાવી શકું એમ છું. કોઈ પાર્ટનર મળી જાય તો આ વર્ષ તો સારી રીતે આ પ્રસંગ પાર પાડી શકાશે. આ પહેલાં બે વર્ષ તો મોવલિયા પરિવાર પાર્ટનર હતો. -મહેશ સવાણી, પી.પી. સવાણી ગ્રુપ

દીકરીઓ પ્રત્યે મેં તો માત્ર ફરજ અદા કરી

હું મહેશભાઈ સાથે મોર્નિંગ વોકમાં નીકળ્યો ત્યારે તેઓએ તેમની 300 દીકરીઓનાં લગ્ન કેવી રીતે કરાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે મેં એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર કહ્યું કે, ‘આ વર્ષે હું પાર્ટનર બનીશ. ભલે કેટલો પણ ખર્ચો થાય.’ હું મહેશભાઈ સાથે ખભે-ખભા મિલાવીને ઊભો છું. આવનારા વર્ષોની ચિંતા કરવાની નથી. તે સમયે આવે તેનું પ્લાનિંગ કરાશે. મહેશભાઈ પિતા વિનાની દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડીને લગ્ન કરાવે છે. મેં તો માત્ર દીકરીઓ પ્રત્યેની ફરજ અદા કરી છે. – વલ્લભ લખાણી, કિરણ જેમ્સ.

વિશેષ 6 જણાનું સન્માન કરાશે

  • મનોજ ભીંગારે (બંને હાથ ન હોવા છતાં મોઢા અને પગથી ચિત્રો દોરનાર)
  • ગોરધન ભીંગરાડિયા(હાથથી ઘઉંની સળીઓથી કલાકૃતિ બનાવનાર)
  • જયપુરની મનન દીદી (170 અનાથ બાળકોની જવાબદારી નિભાવનાર)
  • રાજકોટની પૂજા પટેલ (સ્પેશિયલ ચાઇલ્ડ બાળકોની પાલક માતા, ધ્વનિ દવે (‘લાડકડી’ ગીત ગાનાર)
  • હિમાંશી રાઠી (બ્લાઇન્ડ હોવા છતાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર)

45 જ્ઞાતિઓની દીકરીઓ

આ વખતે લગ્નોત્સવમાં 270 દીકરીઓમાં 5 મુુસ્લિમ, 39 આદિવાસી સમાજની દીકરીઓ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, કર્ણાટક તેલંગાણા, નેપાળની દીકરીનો પણ સમાવેશ કરાયો છે.

તમામ જમાઈને હેલમેટની ભેટ

લગ્નગ્રંથિથી જોડાનાર તમામ જમાઈઓને હેલમેટ ભેટ આપવામાં આવશે. તમામ દીકરી અને જમાઈઓને માર્ગ સલામતી સુરક્ષા અને ટ્રાફિક નિયમ પાલન માટે પ્રતિજ્ઞા લેવડાવાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો