આણંદમાં 12 વર્ષથી વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવતા નિવૃત્ત શિક્ષક દંપતી

આણંદમાં 70 વર્ષ વટાવી ચુકેલા નિવૃત્ત શિક્ષક દંપતી વિપિન પંડ્યા અને સ્મિતાબેન પંડ્યાએ બાળકની જેમ વૃદ્ધોને દત્તક લઇ તેમની સારસંભાળ રાખવાનો અનોખો સેવા યજ્ઞ છેલ્લા 12 વર્ષથી શરૂ કર્યો છે. તેઓએ શરૂઆતમાં પોતાના પેન્શનની મૂડીમાંથી 2 વૃદ્ધોથી આ સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. જે આજે 12 વર્ષ બાદ 120 નિરાધાર વૃદ્ધોને મદદરૂપ થાય છે.

2008માં આ દંપતી સિનિયર સિટીઝન ફોરમ, આણંદના એક સિનિયર સભ્યની ખબર અંતર પૂછવા તેમના ઘરે ગયા અને તેમની કરુણ અને સામાન્ય આર્થિક સ્થિતિ નિહાળીને તેમણે “વૃદ્ધ મા-બાપ દત્તક યોજના’ પોતાના પેન્શનમાંથી શરૂ કરવાનો સંકલ્પ કર્યો અને આમ આ યોજનાનો શુભારંભ થયો.

વૃદ્ધોના ઘરે જઇ તેમના તમામ કામ કરી આપે છે.

જેમને પેન્શન મળતું નથી, રોટલાના એક ટુકડા કાજે જેમનો જીવ હોય છે. ગૃહ મા-બાપના સંપર્કમાં આવવાથી ઓડના વતની અને આણંદની જાણીતી ડી.એન.હાઇસ્કૂલના પૂર્વ શિક્ષક તથા સરદાર પટેલ હાઇસ્કૂલ, ખેતીવાડી, આણંદના પૂર્વ આચાર્ય વિપિન પંડ્યા અને સરદાર પટેલ હાઇસ્કૂલ, કરમસદના પૂર્વ સુપરવાઇઝર તેમના પત્ની સ્મિતાબેન પંડ્યાએ 1લી ઓકટોબર વિશ્વ વરિષ્ઠ નાગરિક દિન 2008એ નિરાધાર વૃદ્ધોને સહાયભૂત થવા પોતાના પેન્શનમાંથી માત્ર 2 નિરાધય વૃદ્ધ પરિવારથી શરૂ કરેલ વૃદ્ધ મા-બાપ દત્તક યોજના ખરેખર નિરાધાર વૃદ્ધો માટે આશીર્વાદરૂપ બની છે.

હાલ આ દંપતી આણંદ પંથકના 120 નિરાધાર વૃદ્ધ પરિવારને જીવન જરૂરીયાતની વસ્તુઓની કીટ, જરૂરી દવા વગેરે અર્પણ કરે છે. તેમજ અવારનવાર તેમના ઘરે જઇને તેમના ખબરઅંતર પૂછીને હૈયે તાડત આપવાનું કામ કરી રહ્યાં છે. નિરાધાર વૃદ્ધો માટે કંઇક કરવાની ભાવના, એમનાં દુ:ખ જોઇ હૈયું રડી ઉઠતા એમના હાથની લાકડી આ દંપતી બન્યું છે. જેથી લાકડીના ટેકે ટેકે આ વૃદ્ધોમાં હિંમતપૂરે છે. અને મુંઝવણોમાંથી ભરેલા વૃદ્વોને આ રીતે સહાય કરી તેમને મુંઝવણોમાંથી બહાર કાઢે છે.

સમાજ સેવાના સેવા કાર્ય બદલ દંપતીને રાજ્યપાલના હસ્તે એવોર્ડ મળ્યો

વૃદ્વોની પડખે રહેવું તે આજના યુગની સૌથી મોટી સમાજ સેવા છે. ત્યારે વૃદ્વોના ટેકણહાર દંપતીના કાર્યને સૌ કોઇ બિરદાવી રહ્યાં છે. વિપિન પંડ્યાને નિષ્કામ સેવા બદલ આર્શીવાદ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા 2010-11માં રાજ્યના તત્કાલીન રાજ્યપાલ ડો કમલા બેનીવાલના હસ્તે ધરતી રત્ન એવોર્ડ તથા તેમના પત્ની સ્મિતાબેન પંડ્યાને 2015-16માં રાજ્યપાલ એ.પી.કોહલીના હસ્તે લાઇફ ટાઇમ એચીમેન્ટ એવોર્ડ સન્માતી કરાયા હતા. રાજ્યપાલના હસ્તે આ પ્રકારનું સન્માન મેળવનાર આણંદ જિલ્લામાં આ પ્રથમ દંપતી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો