‘પરણાવતા નથી ને, આ રહી કેનાલ’, વીડિયો બનાવી મહેસાણાના પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી કેનાલમાં પડી આપઘાત કર્યો
મહેસાણાના શંકરપુરામાં રહેતાં બે પ્રેમીપંખીડાંએ મંગળવારે સવારે કમરે દુપટ્ટો બાંધી વિસનગર રોડ પર દેલા-બાસણા વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં યુવકે તેના મોબાઇલમાં 19 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો, જેમાં અમે બે મરવા જઇએ છીએ, આ કેનાલ રહી જુઓ, પરણાવતા નથી ને… તેમ કહેતો દેખાય છે. આ મોબાઇલ કેનાલ પરથી મળી આવ્યો હતો. બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસે મૃતક યુવક અને યુવતીના પરિવારજનોનાં નિવેદન લીધાં હતાં, જેમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું હતું..
મહેસાણાના વિસનગર રોડ પર દેલા-બાસણા ગામની સીમમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાંથી સવારે મહેસાણા દૂધસાગર ડેરીની બાજુમાં આવેલા શંકરપુરામાં રહેતા વિશાલ કનુજી ઠાકોર (25) અને પૂનમ છનાજી ઠાકોર (18) બંનેની કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઇ લોકો ભેગા થઇ ગયા હતા. સવારે 9.30 વાગે જાણ થતાં પહોંચેલી મહેસાણા પાલિકાની ફાયર ટીમે કેનાલમાંથી બંનેની લાશ બહાર કાઢી હતી. કેનાલ પરથી મૃતક વિશાલનો મોબાઇલ અને ચંપલ મળી આવ્યા હતા. પીલુદરા ઓપીના પોલીસકર્મી નરેશભાઇ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, મહેસાણા કે વિસનગરની હદ નક્કી કરવામાં મૃતદેહ દોઢ કલાક પડ્યા રહ્યા હતા. બંનેનાં મૃતદેહો સિવિલમાં પોસ્ટમોર્ટમ બાદ મહેસાણા તાલુકા પીએસઆઇ ડી.એન. વાંજા સહિત સ્ટાફે નિવેદન સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તાલુકા પોલીસે અકસ્માત મોત નોંધ કરી છે.
મૃતક પૂનમને પિતા નથી, માતા લીલીબેન પાંચ દીકરી અને નાના દીકરાના પરિવારમાં વ્હાલસોયી પૂનમને ગુમાવવાને લઇ સિવિલમાં રડી પડ્યાં હતાં. જમાઇ-દીકરીઓએ સાંત્વના આપી હતી. વિશાલના પિતા અને નાનો ભાઇ સહિત પરિવાર પણ શોકમાં ડૂબ્યો હતો.
વિશાલ અને પૂનમ વચ્ચે પ્રેમ હોઇ લગ્ન કરવા હતા
વિશાલ અને પૂનમ એકબીજાને પ્રેમ કરતા હોઇ લગ્ન કરવા માંગતા હતા. જોકે, પરિવારને હાલ લગ્ન કરાવવા નહોતા. બંને એકબીજા વગર રહી શકે તેમ ન હોઇ આ પગલું ભર્યું છે. અમે ઘરકામ મજૂરી કરી ગુજરાન ચલાવતા હોઇ સવારે ખોડિયારનગરમાં ઘરકામે ગયા હતા. ત્યાં પૂનમ કામ કરી પરત ગયાનું જાણવા મળતાં ઘરે પરત આવી પૂછતાં ખબર પડી કે બંને કેનાલમાં પડી ગયા છે.> લીલીબેન છનાજી ઠાકોર, મૃતક યુવતીની માતા
કેનાલ પરથી મોબાઇલ અને ચંપલ મળ્યાં
મૃતક વિશાલના પિતા કનુજી ભવાનજી ઠાકોરે જણાવ્યું કે, સવારે 7 વાગે વિશાલ ઘરે ચા પી ખાનગી ડ્રાઇવિંગ કરતો હોઇ કામે નીકળ્યો હતો. નાના દીકરા વિજયને ખબર પડી કે વિશાલ કેનાલમાં પડી ગયો છે, અમે બધા ત્યાં પહોંચી શોધખોળ કરી, કેનાલ પરથી તેના ચંપલ અને ફોન મળ્યો હતો.
મહેસાણા કે વિસનગરની હદ નક્કી કરવામાં લાશ દોઢ કલાક પડી રહી
ફાયર ટીમે સવારે 11 વાગે બંને મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. જોકે આ કેનાલ પીલુદરા, દેલા અને બાસણા ગામ નજીક હોઇ કોઇએ મહેસાણા તાલુકા પોલીસ મથકના પીલુદરા ઓપીના પોલીસકર્મીને બાસણાની હદ કહેતાં વિસનગર પોલીસને જાણ કરી રાહમાં બેઠા હતા. દોઢેક કલાક બાદ 12-45 વાગે વિસનગર પીએસઆઇ રાઠોડ આવ્યા બાદ ચર્ચાના અંતે મહેસાણા પોલીસે મૃતદેહ સિવિલ મોકલ્યા હતા.
શેઠને ગાડી લઇ જવા ફોન કરતાં અમને જાણ થઇ
સવારે 9 થી 9.30 વાગે વિશાલભાઇએ જેમની ગાડી ચલાવે છે તે શેઠને ફોન કરીને કહ્યું કે, ગાડી અહીં કેનાલે પડી છે, હું મરવા જાઉં છું. તરત શેઠે અમને ફોન કરેલો અને અમે બધા ગાડી લઇને ત્યાં પહોંચી કેનાલ ફરતે શોધખોળ કરી હતી. કેનાલની બાજુમાંથી વિશાલના ચંપલ અને મોબાઇલ મળ્યો હતો, જેમાં એક વીડિયો ઉતારેલો હતો.> વિજય ઠાકોર, મૃતક વિશાલનો ભાઇ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends.. B

