મહારાષ્ટ્રના ખેડૂતોને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સૌથી મોટી ભેટ, ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે. રાજ્ય વિધાનસભામાં ઘોષણા કરી છે કે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેવામાં આવશે. આ યોજના માર્ચ મહિનાથી મહારાષ્ટ્રમાં લાગુ થશે. ચૂંટણીમાં ખેડૂતો એ સૌથી મોટો મામલો હતો. સામના થકી પણ શિવસેનાએ ખેડૂતોને દેવામાફી અંગે ઘણીવાર વકાલત કરી છે. આ મામલે જ વિધાનસભામાં ભાજપાએ શિવસેના સામે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

રાજ્ય હોય કે કેન્દ્ર, તમામ સરકારો ખેડૂતોનું દેવું માફ કરી ચૂકી છે. વર્ષ 2014 અને 2018 દરમિયાન ખેડૂતોના મતોને ધ્યાનમાં રાખીને દેશમાં ભાજપ અને કૉંગ્રેસ શાસિત 11 રાજ્યોની સરકારો ખેડૂતોનું દેવું માફ કરી ચૂકી છે. આ વર્ષો દરમિયાન જાહેર કરાયેલી દેવામાફીની કુલ રકમ 1.5 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારની રચના સમયે જ ખેડૂતોના પ્રશ્નોને સૌથી વધારે પ્રાધાન્ય આપવાની જાહેરાત થઈ હતી. સૌથી વધુ આત્મહત્યાઓ મહારાષ્ટ્રના ખેડૂતો કરે છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની હાલત ખરાબ છે. આ સમયે ઉદ્ધવે ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લઇ ભાજપની બોલતી બંધ કરી દીધી છે. ભાજપે મહારાષ્ટ્રમાં ખેડૂતોને વળતર મામલે શિવસેનાને વિઘાનસભામાં ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જે ખેડૂતોએ 30મી સપ્ટેમ્બર 2019 સુધી લોન લીધી હશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનું નામ સરકારે મહાત્મા જ્યોતિરાવ ફૂલે ઋણ માફી યોજના આપ્યું છે. આ સિવાય પણ ઉદ્ધવે ઘણી મોટી જાહેરાતો કરી છે.

ગુજરાતના ખેડૂતોની માસિક આવક ૭૯૨૬ રૂપિયા

મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના કેટલાક રાજયોની સરકારે ખેડૂતોની દેવા માફીનું એલાન કર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં પણ દેવા માફી માટે પ્રયાસો થયા છે પરંતુ મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના રાજયોની સરખામણીએ ગુજરાતની વાત અલગ છે. ગુજરાતના ખેડૂતોના ધિરાણ મોટી સંખ્યામાં છે. જયારે અન્ય રાજયોમાં લોનની રકમ નાની છે. પરિણામે ખેડૂતોનું દેવુ માફ કરવુ રાજય સરકાર માટે આર્થિક આફત સમાન ગણી શકાય ગુજરાતમાં છેલ્લા ૧૯૯૫થી ભાજપ સરકાર શાસનમાં છે ત્યારે તેમના ૨૨ વર્ષથી રાજ્યમાં અપાતા સુશાસનના દાવા છતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ૭૯૨૬ રૂપિયા અને વાર્ષિક આવક ૯૫,૧૧૨ રૂપિયા છે. હવે, ખેડૂતો જે માસિક રૂપિયા ૭૯૨૬ની આવક મેળવે છે. એમાં પણ તેઓ મહિને ૨૯૩૩ રૂપિયા ખેતીમાં મેળવે છે. જ્યારે બાકીના ૨૬૮૩ રૂપિયા તેઓ મજૂરીમાંથી મેળવે છે. તેઓ ૧૯૩૦ રૂપિયા પશુપાલનમાંથી ૩૮૦ રૂપિયા બિનખેતીની પ્રવૃત્તિમાંથી મેળવે છે. આમ, ગુજરાતનો ખેડૂત, માસિક જે સરેરાશ રૂપિયા ૭૯૨૬ની આવક મેળવે છે. એમાંથી તે માસિક ૭૬૭૨ રૂપિયાનો જ ખર્ચ કરી શકે છે.

૧૬.૭૪ લાખ ખેડૂતોએ લીધી છે લોન

ગુજરાતના ખેડૂતોની વાસ્તવિકતા જોઈએ તો, દરેક ખેડૂતને ખેતીનું પાક લેવા માટે માસિક રૂપિયા ૨૨૫૦નો ખર્ચ કરવો પડે છે. એમાંથી તેમને માસિક રૂપિયા ૫૭૭૩ની ઉપજ થાય છે. એવી જ રીતે તેમને પશુપાલન માટે માસિક રૂપિયા ૨૩૯૯નો ખર્ચ કરવો પડે છે. તેની સામે તેમને પશુપાલનમાંથી માસિક રૂપિયા ૪૮૭૪ની આવક મળે છે. ગુજરાતમાં ખેતી ક્ષેત્રે સંકળાયેલા કુલ ખેડૂતો પૈકી ૪૨.૬ ટકા એટલે કે, ૧૬.૭૪ લાખ ખેડૂતોએ તેમના વિવિધ ખેતીના પાકો માટે જે તે સહકારી બેંકો કે મંડળીઓમાં કૃષિ વિષયક લોનો લીધેલી છે. આવા ખેડૂતોને માથે સરેરાશ ૩૮,૧૦૦નું દેવું છે. એક જાણકારી મુજબ ૧ હેકટરથી વધુ ખેતીની જમીન હોય તેવા ખેડૂતોને માથે સરેરાશ ૨૪,૭૦૦ રૂપિયાનું દેવું છે. એવી જ રીતે ૧થી ૨ હેકટર જમીન હોય તેવા ખેડૂતોના માથે ૩૧,૧૦૦ રૂપિયા, ૨થી ૪ હેકટર સુધી જમીન ધરાવનાર ખેડૂતને માથે ૮૨,૬૦૦ રૂપિયા, ૪થી ૧૦ હેકટર સુધી જમીન હોય તેવા ખેડૂતને માથે ૧.૧૪ લાખ રૂપિયાનું દેવું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો