રાજકોટ સિવિલમાં જીવતા દર્દી તો શું મરેલાની પણ સાચવણી નથી થતી, બે-બે દિવસ પડી રહેલા મૃતદેહની આંખો કીડીઓ કોતરીને ખાઈ ગઈ!

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલમાં મૃતદેહોની હાલત કેવી હોય છે એ અંગે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું. એમાં બે-બે દિવસથી પડેલા મૃતદેહને જ્યારે સ્મશાનમાં લાવવામાં આવ્યો ત્યારે એની આંખો ઉપર કીડીઓ ફરી રહી હતી. એટલું જ નહીં, આ કીડીઓએ મૃતદેહની આંખો પણ કોતરી ખાધી હતી, જેને લઈને સાબિત થાય છે કે સિવિલમાં જીવતા તો શું મરેલા માણસોની પણ સાચવણી થતી નથી. અત્યારસુધી તો માત્ર સારવાર નથી મળતી, ઇન્જેક્શન નથી મળતાં, સુવિધાનો અભાવ છે, ગંદકી છે એવું જ સામે આવ્યું હતું, પરંતુ રિયાલિટી ચેકમાં સિવિલમાં મૃતદેહની સાચવણી પણ નથી થતી એવો ઘટસ્ફોટ થયો છે.

કોરોનાએ લોકોનાં જીવન તો બદલી નાખ્યાં છે, પરંતુ મૃત્યુ બાદની વિધિઓમાં પણ વિઘ્ન ઊભા કર્યા છે. મહામારીએ તો ચારેતરફ હાહાકાર મચાવી દીધો છે, પરંતુ તંત્રની બેદરકારી અને વ્યવસ્થાના અભાવે અનેક પરિવારોને 36થી 48 કલાકે પોતાનાં સ્વજનોના મૃતદેહ મળી રહ્યા છે. વિધિની વક્રતા તો જુઓ હિંદુ સંસ્કૃતિમાં ઘરની લક્ષ્મીનું નિધન થાય તો સંધ્યા ઢળ્યા બાદ તેની અંતિમક્રિયા બીજા દિવસે સવારે કરવામાં આવે છે, પરંતુ અહીં તો માત્ર મૃતદેહોને સળગાવવાની જ વાત છે, એટલે કોવિડને કારણે મહિલાનું મૃત્યુ થાય તો તેની પણ અંતિમવિધિ રાત્રિએ કરી નાખવામાં આવે છે. હિંદુ સંસ્કૃતિ મુજબ વિધિ ન કરી શકતો પરિવાર કચવાટમાં સ્વજનના મૃતદેહની રાહ જોતા પીડાતો રહે છે અને કલાકોની રાહ બાદ અંતિમવિધિ પહેલાં મજબૂર બનીને ટેલિફોનિક બેસણા કરવા પડે છે. લોકોનો આક્રોશ તો એ છે કે તમારે જે છુપાવવું હોય એ છુપાવો પણ મૃતદેહ તો અમને સમયસર આપી દો.

તમારા દાદા અહીં દાખલ જ નથી, પછી સાંજે પરિવારને મૃતદેહ બતાવ્યો
નવલનગરમાં રહેતા રાજેશભાઇ બરનવાલ, તેના પિતા રાધેશ્યામભાઇ સહિતનો પરિવાર કોરોનાગ્રસ્ત થયો. રાધેશ્યામભાઈને કોવિડ સેન્ટરમાં શિફ્ટ કરાયા બાદમાં સોમવારે ક્વોરન્ટીન પિરિયડ પૂરો થતાં તેમનો પૌત્ર ત્યાં ગયો. રજિસ્ટરમાં તેઓ દાખલ હોવાનું જણાતું હતું, પરંતુ સ્ટાફે રાધેશ્યામભાઇ હોસ્પિટલમાં નથી એવું કહ્યું હતું. ખૂબ દોડધામ ચાલી અંતે પરિવારે પોલીસને જાણ કરી. પોલીસ પહોંચી ત્યારે સ્ટાફે રાધેશ્યામભાઇ દાખલ હોવાની વાતો કરી હતી. જોકે પરિવારે ચહેરો બતાવવાનું કહેતાં બાદમાં તેના પૌત્ર અંકિતને લઇ જવાયો અને દાદાનાં અંતિમ દર્શન કરાવ્યાં, આખો દિવસ દર્દી દાખલ હોવાનું રટણ કરતા સ્ટાફે કલાકો બાદ મૃતદેહ બતાવ્યો. જો દર્દીનું મૃત્યુ થયું હતું તો દાખલ જ નથી તેવી વાતો શા માટે કરી સવાલ ઊઠ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો